Mumbai, તા.6
ભારતમાં HMPV વાયરસના ગુજરાત અને કર્ણાટકના ત્રણ કેસ નોંધાતા ફરી એક વખત કોવિડ જેવો હાવ શેરબજાર પર હાવી થઇ ગયો હતો. સવારે ગ્રીનમાં ખુલેલા માર્કેટમાં બેંગ્લોરથી વાયરસનો પ્રથમ કેસ નોંધાયો હોવાનો ખ્યાલ આવતા જ બજાર ગગડવાનું શરુ થઇ ગયું હતું અને ગુજરાતમાં પણ વધુ એક કેસ નોંધાયો હોવાની માહિતી બહાર આવતા સેન્સેક્સ 1250 પોઇન્ટ તુટયો હતો.
બીજી તરફ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ શાસન નજીક આવતા જ ટેરીફ અંગે ભય વધી રહ્યો છે અને માર્કેટમાં તેની પણ અસર જોવા મળી હતી અને વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા વેચાવલી શરુ થઇ હતી અને સેન્સેક્સ વધુ ગગડ્યો હતો અને દિવસની ઉંચાઇથી 1500 પોઇન્ટ જેટલો નીચો ચાલ્યો ગયો હતો.
નીફટીમાં પણ 1.3 ટકાનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને સરકારી બેન્કોમાં મોટો ભાવ કડાકો જોવા મળ્યો છે. એક તબકકે સેન્સેક્સ 1572 પોઇન્ટ નીચો ગયો હતો અને 77959 પર પહોંચ્યો હતો. બાદમાં થોડું દબાણ હટ્યું હતું. નીફટી પણ તે સમયે 403 પોઇન્ટનો ઘટાડો થયો હતો અને 23601 સુધી પહોંચી ગયો હતો તમામ સેક્ટરમાં વેચવાલીનું દબાણ હતું.
વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ માલ વેંચી રહ્યાના હોવાના અહેવાલ છે જેના કારણે ઇન્વેસ્ટરોએ અંદાજે રૂા.7 થી 8 લાખ પ્રારંભીક કલાકોમાં જ ગુમાવી દીધા છે. જો કે સંક્રમણનો હાવ ઘટતા જ માર્કેટમાં થોડો સુધારો આવ્યો હતો પરંતુ હજુ આખરી અહેવાલની રાહ જોવાશે.
રૂપિયો પણ ભારે દબાણ હેઠળ હતો અને પ્રતિ ડોલર 85.76ની સપાટીએ ફરતો રહ્યો છે. કેનેડાથી ટ્રુડો સરકારની વિદાયના અહેવાલ પણ માર્કેટમાં બહુ અસર પાડી શક્યા નથી. વિદેશી રોકાણકારોએ ચાલુ માસના પ્રથમ ત્રણ સેશનમાં જ રૂા.4285 કરોડ પાછા ખેંચ્યા છે. જો કે સરકારે જાહેર કર્યું છે કે સંક્રમણની સ્થિતિ ચિંતાજનક નથી. પરંતુ કોવિડ જેવી શરુઆતનો ભય માર્કેટ પર યથાવત છે.