પોલિસી લીધા અગાઉની બીમારી છુપાવી હોવાના બહાને નકારી દેવામાં આવતા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ દાદ માંગી હતી
Rajkot,તા.07
વીમા પોલિસી લીધા અગાઉની કેન્સરની બીમારી છુપાવી હોવાના બહાને નકારી દેવામાં આવેલો રૂપિયા 1.12 લાખનો ક્લેઇમ ચૂકવી દેવા ગ્રાહક તકરાર નિવારણ કમિશન દ્વારા વીમા કંપનીને હુકમ કરાયો છે.
આ અંગેની હકીકત મુજબ રાજકોટના જયશ્રીબેન જીનુભાઈ શાહને એપ્રિલ- ૨૦૨૩ દરમ્યાન તેના શરીર ઉપર સ્પોટ જેવું નીકળતા શ્વસન ચેસ્ટ હોસ્પિટલ, નવરંગપુરા, અમદાવાદની સલાહ મુજબ તેઓની હોસ્પિટલમાં અંદરના દર્દી તરીકે સારવાર લીધી હતી, ત્યાર બાદ ફરીથી તકલીફો વધતા મે- ૨૦૨૩ દરમ્યાન ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદમાં સારવાર લીધી હતી, તેમાં “ઈન્ડયુસ હીપીટાઈટીસ” ના રોગનું નિદાન થયેલું, જે સારવાર ખર્ચ મેળવવા કલેઈમ ફોર્મ સાથે જયશ્રીબેને વીમા કંપની સમક્ષ રજુ કરી કુલ રૂા. ૧.૧૨ લાખની માંગણી કરી હતી, પરંતુ વીમા કંપનીએ કલેઈમ રદ કરેલ હોવાનું દર્શાવેલ કે “મેડી કલેઈમ પોલિસી ૨૦૨૦માં લેતા પહેલા ફરિયાદીએ અગાઉ તેઓને કેન્સર જેવી સારવાર લીધેલી, તે વિગત પ્રપોઝલ ફોર્મમાં દર્શાવેલ નથી, અને વીમા કંપનીને જાણ કરેલ નથી,અને આ બધી વિગતો ઈરાદાપૂર્વક છુપાવેલી હોય” તેમ જણાવી કલેઈમ મંજૂર કરી શકાય નહીં. ક્લેઇમ ચૂકવવા વીમા કંપનીના નનૈયાને પગલે આ બાબતે ગ્રાહક સુરક્ષા કમિશનમાં ફરિયાદ કરવામાં આવી હતી.
આ કામમાં ફરીયાદી એડવોકેટે દલીલ કરતા દર્શાવેલ કે, મનમોહન નંદા વિ. યુનાઈટેડ ઈન્ડિયા – ઈન્સ્યુરન્સ કંપનીના કેસમાં ઠરાવ્યા મુજબ પ્રિ-એકઝિસ્ટિંગ રોગ પોલિસીમાં બાકાત હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ હોવો જોઈએ. આ કામમાં ફરીયાદીની એફીડેવીટ, દસ્તાવેજો, તથા દલીલો ધ્યાનમાં લઈ રાજકોટ ગ્રાહક તકરાર નિવારણ કમીશનના પ્રમુખ અને સભ્યે ફરીયાદ મંજુર કરી ચોલામંડલમ એમ.એસ.જનરલ ઈન્સ્યુરન્સ કંપનીએ ફરિયાદીને કુલ રૂા. ૧.૧૨ લાખ ૬ % વ્યાજ અને વકીલ ખર્ચના રૂા.૫ હજાર સાથે ચુકવવા હુકમ કર્યો છે. આ કામમા ફરીયાદી વતી સિનિયર એડવોકેટ પી.આર.દેસાઈ, કિરીટભાઈ વોરા, સુનીલભાઈ વાઢેર અને સંજય નાયક રોકાયા હતા.