Rajkot,તા.07
શિક્ષણ જગતને શર્મશાર કરતો વધુ એક બનાવ સામે આવ્યો છે. બેડી પ્રાથમિક શાળાનો લંપટ શિક્ષક વિદ્યાર્થીનીઓને બિભત્સ વિડીયો બતાવી ચેનચાળા કરતો હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે. વધુમાં લંપટ શિક્ષક રીશેષ સમય દરમિયાન વિદ્યાર્થીનીઓને અલગ રૂમમાં લઇ જઈ પોતાનું પેન્ટ કાઢી ઉભો રહી જતો તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.મામલામાં શિક્ષક વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ સાથે વાલીઓ કુવાડવા રોડ પોલીસ મથકે દોડી ગયાં હતા.
સમગ્ર મામલામાં ભોગ બનનારી વિદ્યાર્થીનીના વાલીએ જણાવ્યું હતું કે, મારી દીકરી બેડી પ્રાથમિક શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરે છે. તેણે ત્રણ દિવસ પૂર્વે લંપટ શિક્ષકની હરકતો અંગે દાદીમાંને જાણ કરી હતી. અમારી શાળામાં કમલેશ અમૃતિયા(રહે. રાજકોટ)વાળો શિક્ષક તરીકે અભ્યાસ કરાવે છે. આ કમલેશ અમૃતિયા અમને શાળામાં બિભત્સ વિડીયો બતાવે છે તેમજ રીશેષના સમયગાળામાં અમને અલગ રૂમ કે જેમાં સીસીટીવી કેમેરા ન હોય ત્યાં લઇ જાય છે. તે રૂમમાં લંપટ શિક્ષક પોતાનું પેન્ટ કાઢી અર્ધનગ્ન થઇ અમારી સામે ઉભો રહી જાય છે અને બિભત્સ હરકતો કરીને ચેનચાળા કરે છે.
નાની બાળકીએ વર્ણવેલી આપવીતી જાણી પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. બાદમાં પિતાએ પુત્રીની સાથે અભ્યાસ કરતી અન્ય વિદ્યાર્થીનીના પિતા સાથે વાત કરતા તેમણે પણ પોતાની પુત્રીની પૂછા કરતા આ બાબતને વધુ સમર્થન મળ્યું હતું.
બાદમાં વિદ્યાર્થીનીઓના પિતાએ આ બાબતે ગ્રામ પંચાયતને જાણ કરતા ગઈકાલે ગ્રામ પંચાયત ખાતે બેઠક મળી હતી જેમાં લંપટ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ કરવાનું નક્કી થતાં આજે સવારે અંદાજિત 15થી વધુ બાળકીઓના પિતા કુવાડવા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા દોડી ગયાં હતા.