Rajkot,તા.08
રાજકોટની શિવસાગર ક્રેડિટ કો-ઓ. સોસાયટી લી.માંથી મેળવેલ લોનના ચડત હપ્તા ચૂકવવા માટે આપેલ ચેક રિટર્ન અંગેની ફોજદારી ફરીયાદમાં અદાલતે સભાસદને એક વર્ષની સજા અને ચેક મુજબના વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર આવેલ વાલ્મીકીવાડી શેરી નં.૪ ના રહેવાસી ઉતમ ભરતભાઈ જેઠવાએ શ્રી શિવ સાગર ક્રેડિટ કો-ઓ. સોસાયટી લી. રાજકોટમાંથી રૂા.૫ લાખની લોન મેળવેલ. દરમિયાન લોનના ચડત હપ્તાની રકમ ભરપાઈ કરવા અંગે રૂા.૮૭,૫૦૦નો ચેક આપેલ. આ ચેક રિટર્ન થતા ક્રેડિટ સોસાયટી દ્વારા નોટીસ આપવા છતાં આરોપી ઉતમ ભરતભાઈ જેઠવાએ ચેકવાળી રકમ બેન્કમાં ભરપાઈ કરેલ નહિં. આથી ક્રેડિટ સોસાયટીના ઓફીસર કિર્તીભાઈ લક્ષ્મીદાસ પટેલે રાજકોટ ચીફ જયુડિશ્યલ મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ફોજદારી ફરીયાદ દાખલ કરી હતી. આ ફોજદારી ફરીયાદ કોર્ટમાં ચાલવા ઉપર આવતા સોસાયટી તરફથી રજુ કરવામાં આવેલ પુરાવા તથા ફરીયાદીના એડવોકેટ નિલેશ જી. પટેલની દલીલો તથા સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ કોર્ટે ફરીયાદીનો પુરાવો તથા રજુઆતો ગ્રાહય રાખી કોર્ટે આરોપી ઉતમ ભરતભાઈ જેઠવા સામેનો કેસ સાબિત માની એક વર્ષની સજા તેમજ ચેક મુજબનું વળતર ફરીયાદીને ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં ફરીયાદી ક્રેડિટ સોસાયટી તરફથી એડવોકેટ નિલેશ જી. પટેલ, રેખાબેન ઓડેદરા, રિધ્ધિબેન પીલોજપરા, સહાયક દિપાલીબેન નકુમ રોકાયા હતા.