એલસીબી ઝોન-2 પીએસઆઈ આર એચ ઝાલાની ટીમે ભાવેશ વાઘેલા અને બે મહિલાઓની ધરપકડ કરી
Rajkot,તા.08
શહેરમાં મુસાફરોને રીક્ષામાં બેસાડી ખિસ્સામાંથી રોકડ, પાકીટ તેમજ પહેરેલા સોનાના દાગીના સેરવી લેતી રીક્ષા ગેંગના વે મહિલા સહીત ત્રણ સભ્યોની એલસીબી ઝોન-2 પીએસઆઈ આર એચ ઝાલાની ટીમે ધરપકડ કરી છે. પોલીસે રોકડ, રીક્ષા સહીત કુલ રૂ. 65 હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધુ એક શખ્સની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત અનુસાર તાલુકા પોલીસ મથકમાં દાખલ થયેલી ચોરીના મામલો એલસીબી ઝોન-2 પીએસઆઈ આર એચ ઝાલાની ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલ્યો છે. તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઓટો રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી ખિસ્સામાંથી રૂપિયા સેરવી લીધાનો બનાવ સામે આવ્યો હતો. જે ચોરીને અંજામ આપનાર રીક્ષા ગેંગને શોધી કાઢવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના હેઠળ એલસીબી ટીમ અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી. આઇ.વે. પ્રોજેક્ટના કેમેરા તથા કમાન્ડ એન્ડ કન્ટ્રોલના કેમેરા, બનાવ સ્થળની આજુબાજુના વિસ્તારના સી.સી.ટી.વી. ફુટેઝની ચકાસણી શરૂ કરવામાં આવી હતી. ઉપરાંત પોલીસે ખાનગી બાતમીદારો તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી આરોપી શોધી કાઢવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.
દરમિયાન પીએસઆઈ ઝાલા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગીરાહે મળેલ હકિકતના આધારે કાલાવડ રોડ જડુસ હોટલ મેઇન રોડ પરથી એક શખ્સ તથા બે મહીલાઓને ચોરીના રોકડા રૂપીયા તથા ઓટો રીક્ષાના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે ભાવેશ ગુગાભાઇ વાઘેલા (ઉ.વ.૩૮ ધંધો. રીક્ષા ચાલક, રહે.ઘંટેશ્રવર ૨૫ વારીયા જામનગર રોડ, રાજકોટ), બેનાબેન રાહુલભાઇ દંતાણી (ઉ.વ.૩૦ ધંધો જુના કપડા વેચવાનો રહે. જામનગર રોડ ઘંટેશ્રવર ૨૫ વારીયા કર્વાટર, રાજકોટ) અને હીનાબેન ઉર્ફે ડેભી ધર્મેશભાઈ જાદવ મરાઠી (ઉ.વ.૨૪ રહે.ભગવતીપરા,રાજકોટ)ની ધરપકડ કરી હતી. પોલીસે ત્રણેય આરોપીઓના કબ્જામાંથી રોકડ રૂ. 15 હજાર, ઓટો રીક્ષા સહીત કુલ રૂ. 65 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. જયારે રીક્ષા ગેંગનો વધુ એક સમય નટુ દીનેશભાઇ કુવરીયા રહે.જામનગર રોડ ઘંન્ટેશ્રવર ૨૫ વારીયાની શોધખોળ શરૂ કરવામાં આવી છે.