Rajkot, તા.8
સમગ્ર ગુજરાત નાગર પરિષદ મહામંડળ અમદાવાદ દ્વારા ગાંધીનગર ખાતે 28મા જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાત ઉપરાંત દેશભરમાંથી નાગર લગ્નોત્સુક યુવાનો અને તેમના વાલીઓએ ભાગ લીધો હતો.
સેક્ટર 23ના કડી કેમ્પસ ખાતે યોજાયેલા સમસ્ત નાગર જીવનસાથી પસંદગી સંમેલનનને સંબોધતાં સમારોહના અધ્યક્ષ ઉપનિષ રાવલે કહ્યું હતું કે, સમાજને જોડી રાખવો એ પણ એક પડકાર છે અને તે કાર્ય હાલમાં પરિષદના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. નાગરનું સંતાન નાગરમાં પરણે એ અનિવાર્ય છે, સંસ્કાર સાચવવા પડશે.
અન્ય ધર્મના યુવાનોનું નાગરની દિકરીઓ ઉપર જેહાદી આક્રમણ થઇ રહ્યું છે તેની સામે કુટુંબોએ ચેતી જવું પડશે.અંબાજીમાં જ્ઞાતિના માઢના માધ્યમથી સચવાયેલા પરંપરાગત ધાર્મિક સંસ્કારો યથાવત રાખવા રીડેવલપમેન્ટમાં માઢને કોઇ નુકસાન ન થાય અને નાગર સમાજ એક બનીને સરકાર સુધી પોતાની રજૂઆત કરે તેવી હાકલ કરી હતી.
સંમેલન દરમિયાન ભારતરત્ન અટલબિહારી વાજપેયી પુરસ્કાર 2024થી ભારત સરકાર દ્વારા જેમની નવાજેશ થઇ છે તેવા ડો.વિરેશ અશોકકુમાર મહેતા, લોકકલા, સંગીત, નાટ્યક્ષેત્રના યુવા આંત્રપ્રેન્યોર જીગર અક્ષયભાઇ રાણા અને ‘મૈં ઇકબાલ હું’થી જાણીતા બનેલા અભિનેતા નીરવ મુકેશભાઇ વૈદ્યનું પરિષદના અધ્યક્ષ ભાવનગરના મોભી પ્રદીપભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં વિશેષ સન્માન કરાયું હતું.
પરિષદ સાથે જોડાયેલા રાજ્યભરના અન્ય નાગર મંડળના મોભીઓની કામગીરી પણ મોમેન્ટો આપીને બિરદાવાઇ હતી. સમિતિના અગ્રીમ સભ્ય તરંગ હાથીએ તૈયાર કરેલી વેબસાઇટનું પણ લોન્ચિંગ કરાયું હતું.
સંસ્થાના મંત્રી નમન રાજા, સહમંત્રી પ્રિતેશ પંડ્યા, ખજાનચી જનક મહેતા, ઉપપ્રમુખ રાજકોટના વિપુલ પોટા, જયેશ મહારાજા, , ભારતીબેન ત્રિવેદી, અતુલ મહેતા યુવા અધ્યક્ષ નિમિલ બક્ષી, સંચાલકો ચેતના બૂચ, જય વોરા સહિતના હોદ્દેદારો અને કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.