Rajkot, તા. 9
સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાતમાં આજરોજ પણ કાતિલ ઠંડીનું આક્રમણ યથાવત રહેવા પામ્યુ હતું અને હાડ ધ્રુજાવતી ઠંડી જારી રહેવા પામી હતી. દરમ્યાન આજરોજ રાજકોટ સહિત રાજયમાં આઠ સ્થળોએ સિંગલ ડિઝીટમાં તાપમાન નોંધાવા પામ્યુ હતું.
આજરોજ સવારે નલિયા ખાતે 5.6 ડિગ્રી, રાજકોટમાં 8.3, પોરબંદર 9.6, અમરેલીમાં 8.4, વડોદરામાં 9.2 અને ડિસામાં 9.8 અને જામનગરમાં 9.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાતા લોકો ધ્રુજી ગયા હતા. નીચુ તાપમાન અને બર્ફીલો પવન બંને એક સાથે રહેતા લોકો હિમપર્વત જેવું વાતાવરણ અનુભવી રહ્યા છે.
જયારે આજરોજ સવારે અન્ય સ્થળોએ પણ તિવ્ર ઠંડીનો સપાટો યથાવત રહ્યો હતો. આજે સવારે અમદાવાદખાતે 12.8, ભાવનગરમાં 11.7, ભુજમાં 10.4, દમણમાં 15, દ્વારકામાં 14.6, દિવમાં 14.5, ગાંધીનગરમાં 9, કંડલામાં 11.5, ઓખામાં 18.7, સુરતમાં 16.4 અને વેરાવળમાં 16.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.
ઉતર ભારતનો શિતલહેરનો પ્રકોપથી જામનગરમાં વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટ્યો છે. એકરાતમાં 9.5 ડિગ્રી સુધી પારો ગગડી જતા. પારો સિંગલ ડિગ્રીમાં પહોચી જતા શહેરીજનો કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતા.આગામી 24 કલાક સુધી હજૂ ઠંડીનું મોજૂ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.
જામનગર શહેરમાં વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટ્યો છે. શિયાણીની સીઝનમાં પ્રથમવાર સિંગલ ડીઝીટ શહેરમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ત્યારે પણ જાન્યુઆરી મહિનામાં કાતિલ ઠંડી પડી હતી. શહેરમાં આજે 9.5 ડિગ્રી તાપમાન નોંધાતા શહેરીજનો કાતિલ ઠંડીમાં ધ્રુજી ઉઠયા હતા. કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા લોકોએ ઠેર-ઠેર તાપણા અને ઘરમાં હિટર ચાલુ કરવાની ફરજ પડી હતી.
બપોરના સમયે પણ વાતાવરણમાં ઠડક રહેતા રાજમાર્ગો સુમસામ બની ગયા હતા.તિબેટીયન માર્કેટમાં ગરમ વસ્ત્રો લેવા ગરમાવો આવ્યો હતો. શહેરમાં મહતમ તાપમાન 24.5 ડિગ્રી નોંધાયું હતું. આજે સવારે ભેજનું પ્રમાણ 55 ટકા રહેવા પામેલ. અને પ્રતિ કલાક 5.3કિ.મી.ની ઝડપે પવન ફુંકાયા હતો.
ઠંડીની અસર માત્ર માનવજીવનની કે પશુપક્ષીમાં નહિ પરંતુ ભગવાનને પણ ગરમ વસ્ત્રો ફેરવાયા હતા. જયારે ભાવનગર શહેરમાં લઘુતમ ડિગ્રીમાં વધુ એક ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનું જોર વધ્યું છે. આજે ગુરુવારે ભાવનગર શહેર નું લઘુત્તમ તાપમાન ઘટીને 11.7 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 73% રહ્યું હતું જ્યારે પવનની ઝડપ 2 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી. લઘુતમ તાપમાન ગગડતા લોકોએ કડકટતી ઠંડીનો અનુભવ કર્યો હતો.