Rajkot, તા. 10
મ્યુનિ. કોર્પોરેશનનું દ્વિમાસિક જનરલ બોર્ડ આગામી તા. 18ના શનિવારે સવારે 11 વાગ્યે મળશે. મેયર નયનાબેન પેઢડીયાએ આજે આ માટેનો એજન્ડા બહાર પાડતા 9 દરખાસ્તો સામેલ કરવામાં આવી છે. તો વધુ એક વખત ભાજપના કોર્પોરેટરોએ સરકારી માહિતી માંગવા જેવા જ સવાલો મૂકયા છે. તો વિરોધ પક્ષ કોંગ્રેસને ઠંડી લાગી ગઇ હોય તેમ આજે બપોર સુધી એક પણ પ્રશ્ન પૂછયો નથી. હજુ આજે સાંજ સુધીમાં વિપક્ષના પ્રશ્નો સ્વીકારવા માટે સમય હોય છે.
પ્રશ્નોત્તરીમાં સૌ પહેલો પ્રશ્ન કોર્પોરેટર હાર્દિક ગોહિલનો છે. ભાજપના કુલ 16 સભ્યોએ બે-બે મળી કુલ 32 પ્રશ્નો રજૂ કરી માહિતી માંગી છે. દર બે મહિને પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓ મહાપાલિકા દ્વારા કરવામાં આવતી અને ન કરવામાં આવતી કામગીરીનો હિસાબ મંચ પરથી અને લેખિતમાં માંગી શકે છે. પરંતુ શાસક પક્ષ મોટા ભાગે વહીવટી તંત્ર ભીંસમાં આવે તેવા પ્રશ્નો પૂછતો નથી.
માત્ર વિપક્ષ પ્રજાને કનડતા અને સળગતા પ્રશ્ન પૂછે તેવો ઇતિહાસ રહ્યો છે. તેમાં પણ આજે બપોર સુધી કોંગ્રેસના ચાર પૈકી એક પણ સભ્યએ સવાલ ન પૂછતા અને પહેલા તમામ 16 ક્રમ પર માત્ર ભાજપના જ સવાલો હોય, સરકારી માહિતીની આપ-લેમાં શાસક પક્ષ અને અધિકારીઓ સમય પસાર કરવાની પરંપરા પણ જાળવશે.
ભાજપના કોર્પોરેટરે પ્રથમ પ્રશ્નમાં મોટા મવા, માધાપર, મુંજકા, મનહરપુર ગામોમાં આજ સુધીમાં તંત્રએ શું કામ કર્યા, હવેના આયોજન પૂછયા છે. ઉપરાંત બે વર્ષમાં બાંધકામ, ડ્રેનેજ, રોશની, વોટર વર્કસ શાખાની વોર્ડવાઇઝ કામગીરી માંગી છે. બીજા ક્રમે રસીલાબેન સાકરીયાએ બે વર્ષમાં કેટલા ઇએસઆર, જીએસઆર (પાણીના ટાંકા) બનાવવામાં આવ્યા, નવા પમ્પીંગ સ્ટેશનના આયોજન, કોર્પો.ના બિલ્ડીંગો પર સોલાર રૂફટોપ પેનલ લગાવવાની કામગીરી અને તેનાથી વીજ બીલની બચતની માહિતી પૂછી છે. ત્રીજા ક્રમે કોર્પોરેટર અશ્વિન પાંભરે બાકી વેરા વસુલાત , મેલેરીયા શાખાની છ માસની ફોગીંગની કામગીરીનો હિસાબ માંગ્યો છે.
આ સિવાય ભાજપના અન્ય કોર્પોરેટરોએ પણ કોર્પો. દ્વારા રોજિંદી કરવામાં આવતી, અવારનવાર જાહેર થતી, ગમે ત્યારે ડે.કમિશ્નર, સીટી ઇજનેર કે ડે.ઇજનેરો પાસે પણ મળી રહેતી માહિતી મળે તેવા જ પ્રશ્નો મૂકયા છે. રાજકોટમાં કેટલા આરોગ્ય કેન્દ્રો છે અને છ મહિનામાં કેટલા દર્દીઓએ લાભ લીધો એ પણ વર્ષો જુનો પ્રશ્ન રીપીટ થયો છે.
રોડ ડિવાઇડર વચ્ચે હોર્ડિંગ બોર્ડની મંજૂરી, છ માસમાં પ્રદ્યુમન પાર્ક અને રામવનના મુલાકાતી, સીટી બસની સંખ્યા, આવાસ ફાળવણી, મનપામાં ખાલી જગ્યાઓ, સિકયુરીટી ગાર્ડના પોઇન્ટ, હોલ અને ઓડીટોરીયમના ભાડાની આવક, મનપાને મળેલા એવોર્ડ, પ્રોજેકટ શાખા હસ્તકની યોજના, સીટી બસમાં સીનીયરોને લાભ, દબાણ હટાવ, ક્ધસટ્રકશન વેસ્ટના નિકાલ, ભાડાના પ્લોટની આવક, પે એન્ડ પાર્ક, ઇલે. બસ, રાત્રી સફાઇ, આયુષ કેન્દ્રોના પ્રશ્નો પૂછયા છે.
આ રીતે ભાજપના સભ્યોના મોટા ભાગના સવાલો સરકારી માહિતી માંગે તેવા જ હોય, પ્રજાને પડતી તકલીફોથી માંડી છ-છ મહિનાથી બંધ થયેલી બાંધકામ પ્લાન, કમ્પલીશનની કામગીરી અંગે એક પણ કોર્પોરેટરે સવાલ પૂછયો નથી. આ મામલે પૂર્વ કમિશ્નર સામે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરવામાં અનેક કોર્પોરેટરોએ માર્ગદર્શન પણ આપ્યું હતું.
ઇમ્પેકટ ફી યોજનાઓ હેઠળ આવેલી અરજીઓની વિગત પૂછવામાં આવી છે. પરંતુ બોર્ડમાં આવા પ્રશ્નો પૂછીને અધિકારીઓને તેમની ફરજ યાદ કરાવી, ભીંસમાં લેવાની હિંમત કોઇ કરતા નથી તે ઉલ્લેખનીય છે.
મોટા બાકીદારો કેટલા? મીનરલ વોટરના કેટલા નમુના લીધા? તંત્ર જવાબ આપશે
લગ્ન હોલની આવક પૂછી પણ કયારે ફરી શરૂ થશે તે કોઇએ ન પૂછયું!
આવતા શનિવારે મળનારા જનરલ બોર્ડમાં ભાજપના અમુક કોર્પોરેટરોએ ટેકસ શાખાના કામનો હિસાબ માંગ્યો છે. ચાલુ વર્ષની બાકી વેરા વસુલાત, પાંચ લાખથી મોટા બાકીદારો અંગે વિગતો પૂછી છે. રાજકોટમાં ડ્રીકીંગ વોટરની બોટલના નોંધાયેલા ડિસ્ટ્રીબ્યુટર, એક વર્ષમાં લેવાયેલા સેમ્પલ, તેના નિયમો અંગે વિગતો પૂછવામાં આવી છે. મનપાને લગ્ન હોલ અને ઓડિટોરીયમના ભાડાની વિગતો પૂછવામાં આવી છે પરંતુ આવા લગ્ન હોલ કયારે શરૂ થશે એવું પૂછવાનું કોઇને સુઝયુ નથી.
છ મહિનામાં કેટલી જગ્યાએ ફૂડ ચેકીંગ કરાયું, કેટલી વસ્તુનો કઇ રીતે નાશ કરાયો તે પૂછયું છે. પે એન્ડ પાર્ક અંગેની માહિતી પણ પૂછવામાં આવી છે.