Rajkot,તા.10
સૌરાષ્ટ્ર યુનિ.ના કાયમી કુલપતિ તરીકે અંતે ડો. ઉત્પલ જોશી (પ્રોફેસર ફીઝીકસ ડીપાર્ટમેન્ટ ગુજરાત યુનિ.)ની રાજય સરકાર દ્વારા નિયુકિત કરાતા તેઓએ આજે સાંજના ચાર વાગ્યે તેમના આ નવા હોદ્દાનો ચાર્જ વિધિવત રીતે સંભાળી લીધો હતો.
સૌ.યુનિ.ના 18માં કુલપતિ તરીકે નિયુકિત પામેલ ડો.ઉત્પલ જોશી સૌરાષ્ટ્ર યુનિ.ના જ પૂર્વ વિદ્યાર્થી છે. તેઓએ એનએસસી અને પીએચડીની પદવી સૌ.યુનિ.માંથી જ મેળવેલ છે. ડો.ઉત્પલ જોશીએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સૌ.યુનિ.ને નવી ઉંચાઈ પર લઈ જવા માટે તેમના પ્રયાસો રહેશે.
સૌરાષ્ટ્ર યુનિ.માં છેલ્લા લાંબા સમયથી ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફની જગ્યાઓ ખાલી પડી છે. તેની ભરતી પ્રક્રિયા થાય તે માટે રાજય સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગમાં રજૂઆત કરાશે. આ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેમજ વિશ્વવિદ્યાલયના અપગ્રેડેશન ઉપરાંત તેની ગરીમા જળવાઈ રહે તેના પરત્વે તેઓ દ્વારા ખાસ લક્ષ અપાશે તેમ તેઓએ જણાવ્યું હતું.
અહીં એ ઉલ્લેખનીય છે કે, ડો. ઉત્પલ જોશી વર્ષ 2002માં સુરતની વીર નર્મદ યુનિ.માં રીડર તરીકે પસંદગી પામ્યા હતા જે બાદ જાપાનની ટોકયો ઈન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં વર્ષ 2004 વિઝીટીંગ સાયન્ટીસ્ટ રહ્યા હતા. ત્યારબાદ ગુજરાત યુનિ.ના ફીઝીકસ ભવનમાં વર્ષ 2005થી રીડર અને વર્ષ 2009થી તેઓ ગુજરાત યુનિ.ના ફિઝીકસ ભવનમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
અત્યાર સુધીમાં તેમના 44 સંશોધન પેપર રજુ થયા છે. તેઓએ ગુજરાત યુનિ.માં સેનેટ તરીકે પણ જવાબદારી સંભાળી છે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે તા.6 ફેબ્રુ.2022ના સૌ.યુનિ.માં કુલપતિ તરીકે ડો. નિતીન
પેથાણીની ટર્મ પૂરી થયા બાદ ડો. ગીરીશ ભીમાણીની કાર્યકારી કુલપતિ તરીકે નિયુકિત કરવામાં આવી હતી. જેઓ 12 મહિના સુધી કાર્યભાર સંભાળ્યા બાદ તા.20 ઓકટોબર 2023ના હોમસાયન્સ ફેકલ્ટીના ડીન ડો.નિલાંબરીબેનને કાર્યકારી કુલપતિનો ચાર્જ સોંપાયો હતો. ત્યાર બાદ તા.4 જુલાઈ 2024ના મેડીકલ કોલેજના પ્રોફેસર ડો.કમલ ડોડીયાને કાર્યકારી કુલપતિ બનાવવામાં આવેલ હતા.
યુનિ.ના કાયમી કુલપતિની નિમણુંકનું કોકડું લાંબા સમય સુધી ગુંચવાયેલું રહ્યા બાદ ગઈકાલે ગાંધીનગરમાં શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ગુજરાત યુનિ.ના ફીઝીકલ ભવનના પ્રોફેસર ડો. ઉત્પલ જોશીના નામ પર મંજૂરીની મહોર મારી તેઓની સૌરાષ્ટ્ર યુનિ.ના કાયમી કુલપતિ તરીકે નિયુકિત કરી દેવામાં આવી હતી. જેઓનો કાર્યકાળ પાંચ વર્ષનો રહેશે. યુની.ની હાલની છબી સુધારવા માટે ડો.જોશી સામે અનેક પડકારો રહેશે.