Rajkot, તા.10
ટીઆરપી અગ્નિકાંડમાં હાઇકોર્ટમાં એટીપીઓ ગૌતમ જોષીએ પણ જામીન અરજી કરી હોય, જેની આજે સુનાવણી થશે. ગઈકાલે સરકાર પક્ષે સ્પેશલ પીપી અને ભોગ બનનારના વકીલે દલીલો – જવાબો રજૂ કર્યાં હતા. સરકારી અધિકારી જ સરકારી રેકર્ડમાં ચેડાં કરે તેને હળવાશથી ન લેવાય તેવી રજુઆત કરી હતી.
ટીઆરપી અગ્નિકાંડ કેસમાં રાજકોટ સેશન્સ કોર્ટે ચાર્જશીટ બાદની રેગ્યુલર જામીન અરજીઓ રદ કરતા હવે આરોપીઓ કિરીટસિંહ જાડેજા, અશોકસિંહ જાડેજા, મનસુખ સાગઠીયા, ઈલેશ ખેર, રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીએ હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અહીં આ આરોપીઓએ જામીન અરજી કરતા હાઇકોર્ટમાં સુનાવણી થઈ છે.
અગ્નિકાંડના ગુનામાં 15 આરોપી 7 મહિના જેટલાં સમયથી જેલમાં જ છે. રાજકોટ સેશન્સ અદાલતમાં અશોકસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, ફાયર ઓફિસર ઇલેશ ખેર, ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠીયા, આસી. ટાઉન પ્લાનિંગ ઓફિસર રાજેશ મકવાણા, આસી. ઈજનેર જયદિપ ચૌધરીએ જામીન અરજી કરેલી, પણ સેશન્સ કોર્ટે જામીન અરજી નામંજૂર કરી હતી.
જેથી આ આરોપીઓએ એક બાદ એક ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન મેળવવા અરજી કરી હતી. આ જામીન અરજીમાં ગત તારીખે આરોપી અરજદારના વકીલે મુદત માંગતા નવી મુદત પડી હતી. છેલ્લા બે દિવસથી રોજ સુનાવણી થઈ રહી છે..જેમાં સાગઠીયા પક્ષે તેના વકીલે દલીલ કરી કે, સાગઠીયા નિર્દોષ છે. તેમની જે જવાબદારી અહીં નક્કી કરવામાં આવી છે તેના પાવર્સ કમિશનર કક્ષાએ છે.
સાગઠીયાનો કોઈ રોલ નથી. સાગઠીયાએ તેના નીચેના અધિકારીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીને સૂચના આપવાની હોય તે આપી હતી. ડિમોલીશન કરવાના પાવર્સ કમિશનર પાસે છે. અગ્નિકાંડ બાદ તુરંત જ હાઇકોર્ટે સૂઓમોટો મેટર લીધી હતી. જેથી મિનિટ્સ બુકમાં જે ચેડાં થયાં અને ઇમ્પેકેટ ફીના રજીસ્ટરમાં પણ ઉચ્ચ અધિકારીઓને બચાવવા જ ફેરફાર થયો હતો.
સાગઠીયાએ પોતાની જવાબદારીમાં આવતી કામગીરી કરી હતી. તેની કોઈ ભૂમિકા નથી તેવો બચાવ થયો હતો. રાજેશ મકવાણાએ પોતે અન્ય વોર્ડના ટીપીઓ હોવાની દલીલ કરી હતી. જે આક્ષેપ છે તે ખોટા દસ્તાવેજનો છે. જે જામીન પાત્ર છે. તેથી જામીન આપવા રજૂઆત કરી હતી. જયદીપ ચૌધરી તરફે પણ દલીલો થયેલી. બાદમાં સરકાર પક્ષે સ્પેશ્યલ પીપી અને ભોગ બનનારના વકીલોએ દલીલો અને જવાબ વાંધા રજૂ કરેલા.
જેમાં અગ્નિકાંડના ગુનાથી બચવા આરોપી સરકારી અધિકારીઓએ સરકારી રેકોર્ડમાં ચેડાં કર્યાં, બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા તે અન્ય ફોર્જિંગના ગુનાથી સરખાવી ન શકાય. સરકારી રેકર્ડમાં ચેડાં કરે તેને હળવાશથી ન લેવાય તેવી રજુઆત કરી હતી. આ દરમ્યાન એટીપીઓ ગૌતમ જોષીએ પણ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હોય. કોર્ટમાં આજ તેની સુનાવણી છે. તમામ જામીન અરજી પર આજે કોર્ટ એક સાથે પોતાનો નિર્ણય જાહેર કરે તેવી સંભાવના છે.
આ કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તરીકે વિરાટ પોપટ, ભોગબનનાર વતી એડવોકેટ નરેન્દ્રસિંહ જાડેજા, ભાવેશ હજારે અને રાજકોટની કોર્ટમાં સ્પેશિયલ પીપી તુષાર ગોકાણી, બાર એસો. વતી ભોગ બનનાર પક્ષે સુરેશ ફળદુ રોકાયેલા છે.
જાડેજા બંધુઓએ ઝડપી ટ્રાયલ સામે વાંધા લીધા છે તેનો ઉલ્લેખ હાઈકોર્ટમાં થયો
હાઇકોર્ટમાં જામીન માંગતી વખતે ટીઆરપી ગેમઝોનની જમીનના માલિક અશોકસિંહ અને કિરીટસિંહનો બચાવ હતો કે, તેઓ સ્લીપિંગ પાર્ટનર છે. ભાડુ નહોતા વસુલતા એટલે પાર્ટનરશિપ ડીડમાં તેઓના નામ છે. તેઓનો એક્ટિવ પાર્ટનરનો રોલ નથી. ભોગ બનનાર પક્ષે દલીલ થઈ હતી કે, રાજકોટ સેશન્સ કોર્ટમાં આ કેસનું ઝડપી ટ્રાયલ ચાલે તેવી અરજી સ્પેશલ.
પીપીએ કરી છે. જોકે તેની સામે આરોપી અશોકસિંહ અને કિરીટસિંહએ વાંધા લીધા છે. એનો અર્થ એ કરી શકાય કે, જામીન મેળવી આરોપીઓને સાક્ષીઓને ફોડવા છે. કેસ લાંબાવવો છે. જેથી તેઓનો ઈરાદો જોઈ જામીન આપવા જોઈએ નહીં. તેવી હાઇકોર્ટમાં દલીલ થઈ છે.