Rajkot, તા.૧૧
રાજકોટની અગ્રણી સામાજીક, ધાર્મિક સેવા સંસ્થા યુવા સેના ટ્રસ્ટ અનેક વિધ સેવાકીય પ્રકલ્પો દ્વારા સમાજ જીવનના સામાન્ય પ્રવાહમાં ન જોડાયેલા વંચિતો, નિરાધાર, અપંગ તેમજ રસ્તાઓ પર રઝળતા છેવાડાના લોકોના ઉત્કર્ષ માટે અથાક પ્રયત્નો કરી રહી છે.
દાન આપવાથી અનેક ગણુ ધન વધે છે. ધરતી માતાને માત્ર એક બીજ રોપીએ તો તેના બદલે અનેકગણું આપે છે. તે જ રીતે દરીદ્રનારાયણો તથા અબોલ જીવો માટે આપેલ દાન પ્રભુને અધિક રાજીપો આપે છે અને પ્રભુકૃપાથી દાનીને દાન આપવાથી અનેકગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.
મકરસંક્રાંતિના મહાપુણ્ય પાવન પર્વે સંસ્થાને આપ ઉદાર હાથે અનુદાન આપીને સંસ્થાની સેવાની જ્યોત પ્રજવલિત રાખવા, જરૂરતમંદો તેમજ અબોલ જીવોની બહેતર સેવા માટે શહેર શ્રેષ્ઠીઓ, પ્રબુઘ્ધ નગરજનો તેમજ ભામાશા સમાન દાતાઓને મદદનો હાથ લંબાવવા યુવા સેના ટ્રસ્ટ દ્વારા અપીલ કરાઈ છે.
ખાસ કરીને સંસ્થાનુ હરતુ ફરતુ અન્નક્ષેત્ર જરૂરતમંદોના જઠરાગ્ની તૃપ્ત કરીને આશિર્વાદ રૂપ સેવા બજાવીને ૨૫૦/૩૦૦ દરીદ્રનારાયણના પેટનો ખાડો પુરવામાં નિમિત બનેલ છે. જીવદયા સેવા અંતર્ગત અબોલ જીવો માટે પક્ષીઓને ચણ, કાગડા, કાબરને ફરસાણ, શ્વાનોને દુધ,બ્રેડ,બિસ્કીટ તેમજ પાંજરાપોળોમાં નિરાધાર અશકત ગૌમાતાઓને લીલુ ઘાસચારો નિરવાનુ ભગીરથ કાર્ય થઈ રહયું છે તેમજ સંસ્થા દ્વારા જરૂરીયાતમંદ પરિવારોને નિઃશુલ્ક ધોરણે મેડિકલ સાધનો વિનામૂલ્યે આપવામાં આવી રહયા છે. તેમજ ડાયાબીટીસ તથા બ્લડ પ્રેશરના દર્દીને વિનામુલ્યે રીપોર્ટ કરી આપવામાં આવે છે. સંસ્થાની અદભુત સેવા એટલે બાલ સંસ્કાર અને શિક્ષણ સેવા કેન્દ્ર જેમાં પછાત વિસ્તારમાં સ્લમ એરીયામાં બાળકોમાં સંસ્કાર સિંચન, શિસ્ત તેમજ સ્વચ્છતા તેમજ ધાર્મિક જ્ઞાન તદઉપરાંત આવા બાળકોએ કદીપણ કલ્પના ન કરી હોય તેવી આકર્ષક ભેટ, નાસ્તો તેમજ આઈસ્ક્રીમ, ચોકલેટ વિગેરે આપીને બાળકોને પ્રસન્ન કરવાનો નમ્ર ભાવે પ્રયાસ કરવામાં આવી રહયો છે. તેમજ રાજકોટ શહેરમાં સૌપ્રથમવાર જરૂરીયાતમંદ બહેનોને લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચા ન થાય તે હેતુથી અમારી સંસ્થાએ સાડીની લાઈબ્રેરી શરૂ કરવામાં આવી છે. જેમાં ૧૦૦૦ થી માંડી ૪૦ હજાર સુધીની સાડી ઉપલબ્ધ છે જે સૌરાષ્ટ્રમાં અમારી અનોખી સેવા છે. આ સિવાય અનેકવિધ સેવા પ્રકલ્પો દ્વારા સંસ્થાના કાર્યકર્તાઓ જન-જન સુધી પહોંચીને તેઓના જીવનમાં ઉજાસ પાથરવાનો અવિરામ પ્રયાસ કરી રહી છે તેમજ આપ વસ્તુદાન અનાજ કઠોળ કરીયાણુ જુના-કપડા, ધાબળા વિગેરે પણ આપી શકો છો તેમ અંતમાં જણાવાયુ છે.