વડોદરામાં વસતા વૈદ્ય અમૃત પ્રજાપતિ લગભગ બે દાયકા જેટલાં સમયથી આસારામ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા
Rajkot, તા.૧૧
આસારામ રેપ કેસના સાક્ષી અમૃત પ્રજાપતિની હત્યાના કેસમાં રાજકોટ પોલીસને મોટી સફળતા મળી છે. હત્યાના આરોપીને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસની ટીમે ગુપ્ત ઓપરેશન હાથ ધરી આરોપીને કર્ણાટકથી ઝડપી લીધો છે. ૧૦ વર્ષ પહેલાં હત્યાની ઘટના બની હતી.આસારામની સામે પડીને તેમનો જાહેરમાં ભાંડો ફોડનારા અમૃત પ્રજાપતિ પ્રથમ હતા. પ્રસાર માધ્યમોમાં ઈન્ટરવ્યૂ આપીને, ટીવી ચેનલ્સની ડિબેટમાં ભાગ લઈને તેમણે આસારામના અનેક કરતૂતો ઉજાગર કર્યા હતા. નારાયણ સાંઈ સામે સુરતની બે બહેનોએ બળાત્કારનો કેસ દાખલ કર્યો તેમાં અમૃત પ્રજાપતિ સરકારી સાક્ષી બનતાં નારાયણની મુશ્કેલીઓ વધી હતી. ૨૩ મે, ૨૦૧૪ના દિવસે રાજકોટ ખાતે બે અજાણ્યા હુમલાખોરોએ રસ્તો પૂછવાના બહાને અમૃત પ્રજાપતિની સાવ નજીક ધસી જઈને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી તેમના પર ત્રણ ગોળીઓ ધરબી દીધી હતી. માથામાં, ગળામાં ગોળી વાગવાથી લોહી નીંકળતી હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર કારગત ન નીવડતા ૧૭ દિવસ પછી તેમનું મોત નીપજ્યું હતું.વડોદરામાં વસતા વૈદ્ય અમૃત પ્રજાપતિ લગભગ બે દાયકા જેટલાં સમયથી આસારામ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા. આસારામ જ્યારે હજુ ગુજરાત પૂરતા જ લોકપ્રિય હતા ત્યારથી તેમના ચુસ્ત અનુયાયી ગણાતા પ્રજાપતિ વ્યવસાયે વૈદ્ય હોવાથી આસારામના સ્વાસ્થ્યની અંગત કાળજી લેવાની જવાબદારી પણ તેમની હતી. અમદાવાદ નજીકના મોટેરા આશ્રમમાં કિશોર વયના બે સાધકો દિપેશ-અભિષેકના શંકાસ્પદ અપમૃત્યુ પછી અમૃત પ્રજાપતિએ આસારામ સાથે છેડો ફાડ્યો અને પોતે નજરે જોયેલી, જાણેલી અને અનુભવેલી વિગતોનો જાહેરમાં હિંમતભેર પર્દાફાશ કરવા માંડ્યા હતા.બળાત્કારના કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા આસારામને કોર્ટે જામીન આપી દીધા છે. આસારામને ૨૦૧૩માં બળાત્કારના કેસમાં ગાંધીનગરની નીચલી અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારથી આસારામ જેલમાં છે. સુપ્રીમ કોર્ટે તબીબી આધાર પર ૩૧ માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા છે. જીઝ્રએ આસારામને વચગાળાના જામીન આપતા સમયે કેટલીક શરતો મૂકી છે.