Rajkot,તા. 13
સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઠંડીમાં ફરી પવન સાથે થોડો વધારો થયો છે. તો કાલે સંક્રાંતે સારો પવન રહેવાની આગાહી હવામાન નિષ્ણાંતોએ કરી છે. આજે નલીયામાં 8.8 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. તો રાજકોટમાં 11, ભુજમાં 11.4, અમરેલી 13, ડીસા 9.9, અમદાવાદ 1ર.4, જામનગરમાં 12.5 ડિગ્રી ન્યુનતમ તાપમાન હતું.
જામનગર
જામનગર શહેર કાતિલ ઠંડીની લપેટમાં આવી ગયુ હતું.સુસવાટા મારતા પવન અને હાડ થીજાવતી ઠંડી પડી રહી હતી. આજે સવારે ઠંડીનો પારો 12.5 ડિગ્રીએ સ્થિર થતાં ઠંડીએ ભુકકા કાઢ્યા છે. સાથો સાથ પ્રતિ કલાકના 5 કિમીના વધારા સાથે 9.9 કિ.મીની ઝડપે ફૂંકાઈ રહેલા બરફીલા ઠંડા પવને શહેરીજનો તેમજ પશુ પક્ષીઓને પણ ધ્રુજાવ્યા છે.
મોડી રાત્રિથી સવારે 9.30 વાગ્યા સુધી ઠડીના કારણે રસ્તાઓ ઉપર પાંખી અવરજવર જોવા મળી હતી.એટલું જ નહીં ઠડીના લીધે ખાનગી અને એસ ટી બસોમાં મુસાફરો ઓછી સંખ્યા રહી હતી. લોકોએ ગરમ વસ્ત્રો અને તાપણાનો સહારો લેવો પડ્યો હતો.
ગઈકાલે સાંજ થી મોસમ ની ઠંડીનો મિજાજ જોવા મળ્યો હતો, અને શહેરીજનોએ વહેલાસર ઘરની વાટ પકડી લીધી હોવાથી માર્ગો સુમસામ જોવા મળ્યા હતા, અને કુદરતી સંચાર બંધી લદાઈ ગઈ હોય, તેવું વાતાવરણ જોવા મળ્યું હતું.
શહેરના જાહેર સ્થળો પર પણ ગઈકાલે રાત્રે લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી, જયારે કેટલાક લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળ્યા હતા, અથવા તો તાપણાંનો આશરો લીધો હતો.
પવનનું જોર
જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8 વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 12.5 ડિગ્રી સેન્ટિગ્રેડ જયારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ 69 રહ્યું હતું, જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 9.9 કિ.મી ની ઝડપે રહી હતી.છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ કિમિ વધારા સાથે 9.9 કિમિ નોંધાઇ હતી.હવામાન ખાતા દ્વારા હજુ પણ ઠંડીનું જોર યથાવત રહે, તેવી શક્યતાઓ દર્શાવાઇ છે.
ભાવનગર
ભાવનગરમાં આજે લઘુતમ તાપમાન 15.6 ડિગ્રી નોંધાયુ હતું. જયારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 7.4 ટકા રહેવા પામ્યું હતું. પવનની ઝડપ સવારે 12 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.
જુનાગઢ
આવતીકાલ તા. 14 જાન્યુઆરી મકરસંક્રાંતિના દિવસે પવનની ગતિ ઉતર પૂર્વમાં 20 થી 32 કિ.મી. ની રહેશે તેવું નિષ્ણાંતોનું કહેવું છે. આમ તો જુનાગઢમાં ખાસ પવનની ગતિ મકર સંક્રાંતિમાં રહેતી ન હોવાનો મત રહેલો છે. પરંતુ કાલે જુનાગઢ-સૌરાષ્ટ્રમાં પવન સાથે વાતાવરણ ખુલ્લુ રહેશે.
જેથી પવનની ગતિ આખો દિવસ રહેશે તેમ હવામાનના અધિકારી ગૌસ્વામીએ જણાવ્યું છે. પવન ઉતર-પૂર્વની હોય જેથી પતંગની દિશા દક્ષિણ-પશ્ર્ચિમ રહેશે. જે પતંગ રસીયાઓ બાળકો માટે સારા સમાચાર મળી રહ્યા છે.