Rajkot, તા.11
મકર સંક્રાંત તા.14ને મંગળવારનાં રોજ રાજકોટના પતંગ રસિયાઓને પતંગ ચગાવવા માટે વધુ મહેનત કરવી પડશે નહીં કારણ કે, સવારે 10 થી બપોરે 4 વાગ્યા સુધી મધ્યમ પવન ફુંકાશે.
સ્થાનિક હવામાન વિભાગનાં સૂત્રોનાં જણાવ્યા મુજબ તા.14ના રોજ સવારે 10થી બપોરના 4 વાગ્યા દરમ્યાન 10 થી 12 કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે અને બપોરે ચાર વાગ્યા બાદ ફરી પવન મંદ પડી જશે.
આ ઉપરાંત મંગળવારે સવારે ઠંડી અને બપોરે તાપનો અનુભવ થશે. હવામાન વિભાગનાં સૂત્રો અનુસાર સવારે લઘુતમ તાપમાન 10 થી 12 ડિગ્રી વચ્ચે નોંધાશે.
જ્યારે બપોરે મહત્તમ તાપમાન 27 થી 30 ડીગ્રી વચ્ચે નોંધાય તેવી શક્યતા છે.
વધુમાં હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ હજુ ત્રણ દિવસ એટલે કે, શનિ-રવિ અને સોમવારનાં રોજ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ઠંડીમાં રાહત રહેશે. અને સવારનાં ભાગે લઘુત્તમ તાપમાન 12 થી 16 ડીગ્રી વચ્ચે નોંધાશે તેમજ તા.14 અને 15મીએ સવારનાં ભાગે ઠંડી અને બપોરે તાપનો અનુભવ રહેશે.
જો કે તા.16 થી ફરી રાજ્યમાં તીવ્ર ઠંડીનો નવો રાઉન્ડ શરુ થશે અને ઠેર-ઠેર 10 થી 12 ડીગ્રી વચ્ચે તાપમાન નોંધાશે. ખાસ કરીને નલિયા, જુનાગઢ, અમરેલી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઠંડીનું જોર વધુ રહેશે અને ક્યારેક સિંગલ ડિઝીટ તાપમાન પણ થઇ જશે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં ઠંડીની તિવ્રતા વધુ રહેવા પામશે તેવો હવામાન વિભાગનો નિર્દેશ છે.