Rajkot,તા.13
સ્વામી વિવેકાનંદજી યુવાનો માટે નિત્ય પ્રેરણા સ્તોત્ર છે. આ માટે જ સ્વામી વિવેકાનંદજીના જન્મદિન 12 જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના શાખાકેન્દ્ર એવા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં આ દિવસે યુવા શિબિરનું આયોજન સવારના 8:30 થી બપોરના 1:30 વાગ્યા સુધી કરવામાં આવ્યું.
શિબિરમાં યુવાનોને માર્ગદર્શન માટે રાજકોટના માનનીય મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરા (આઈ.એ.એસ.), ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો. જયેન્દ્રસિંહ જાદવ તથા વી.એચ.પી. ઑફ અમેરિકાના ભૂતપૂર્વ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ ફોર યુથ, યુ. એસ. એ. ડો. વીણાબહેન ગાંધી પધાર્યાં. ઉપસ્થિત મહાનુભવોના વરદ હસ્તે કાર્યક્રમના ઉદૃ્ઘાટન બાદ શ્રી તુષાર સુમેરાએ જણાવ્યું વિવેકાનંદજીની દરેક છબીમાં શક્તિ પ્રતિબિંબિત થાય છે, આથી સહુ યુવાનો આશ્રમની પવિત્ર ભૂમિમાં સંકલ્પ લે કે તેઓ નબળાઈનો ત્યાગ કરશે.
ડો. જયેન્દ્રસિંહજી એ જણાવ્યું કે તેઓને સ્વામી વિવેકાનંદના સાહિત્યમાં બાળપણથી રુચિ છે અને તેનો અભ્યાસ કર્યો છે. તેઓશ્રીએ યુવાનોને એકાગ્રતાનો વિકાસ કરવા સૂચન કર્યું તથા નવી શિક્ષણ નીતિમાં સ્વામી વિવેકાનંદજીના શિક્ષણના સમાવેશની વાત કરી. ડો. વીણાબહેને યુવાનોને મનની શાંતિ અને એકાગ્રતા કેળવવા માટે સૂચનો આપ્યા.
આશ્રમના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ જણાવ્યું કે વિવેકાનંદજીને તેમના જન્મ દિવસ પર જો કોઈ શ્રેષ્ઠ ભેટ આપી શકાય તો એ છે કે યુવાનો ભારતને પ્રેમ કરે. દેશભક્તિ વિકસાવવા તેમણે યુવાનોને સ્વામી વિવેકાનંદના પુસ્તકો વાંચવાનું સૂચન આપ્યું, કેમકે આપણા દેશના મહાન દેશભક્તો – ગાંધીજી, નેતાજી, ડો. રાધાકૃષ્ણન વગેરે સ્વામી વિવેકાનંદના પુસ્તકોથી પ્રભાવિત થયા હતા.
આ ઉપરાંત સંમેલનમાં યુવાનોના પ્રશ્ર્નોેનું સમાધાન આપવામાં આવ્યું. સંમેલનમાં કુલ 500 જેટલા યુવાનો જોડાયા. અંતમાં સહુને ભોજન પીરસવામાં આવ્યું અને પુસ્તકોના સેટ ભેટ આપવામાં આવ્યો હતો.