Jamnagar,તા.15
જામનગર નજીક મોખાણા ગામ પાસેના નવા બ્રિજ ઉપર મકાન સંક્રાંતિના પર્વના દિવસે જ સવારે એક કાર અને રિક્ષા વચ્ચે આકસ્માત સર્જાયો હતો, જેમાં રીક્ષા ચાલક યુવાનનું આંતરિયાળ મૃત્યુ નીપજયું હતું. જયારે રિક્ષામાં રાખેલું શાકભાજી વગેરે માર્ગ પર વેરણ છેરણ થયું હતું.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના મોખાણા ગામમાં રહેતો પરબતભાઈ આહિર નામનો રીક્ષા ચાલક યુવાન કે જે મકરસંક્રાંતિના પર્વના દિવસે સવારે ૯.૩૦ વાગ્યાના અરસામાં પોતાની રિક્ષામાં શાક બકાલું ભરીને જઈ રહ્યો હતો, જે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી એક કારના ચાલકે રીક્ષાને ટક્કર મારી દેતાં રીક્ષા પડીકું વળી ગઈ હતી, અને તેમાં રહેલું શાકભાજી પણ માર્ગ પર વેરણ છેરણ થયું હતું.
આ અકસ્માતમાં રીક્ષા ચાલક પરબતભાઈ આહીરને ગંભીર ઇજા થઇ હોવાથી તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.