Mumbai,તા.18
નાણાં વર્ષ ૨૦૨૬માં ભારતના આર્થિક વિકાસ દરના ૬.૭૦ ટકાના ટાર્ગેટને વર્લ્ડ બેન્કે જાળવી રાખ્યો છે અને આગામી બે વર્ષમાં ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બની રહેવાના અંદાજને પણ જાળવી રખાયો છે.
વેરા સુધારા મારફત વેપાર વાતાવરણમાં સુધારો કરવા અને લોજિસ્ટિક માળખાને વિસ્તૃત બનાવવાની સરકારની પહેલોને પરિણામે ભારતનું સેવા ક્ષેત્ર સ્થિર વિસ્તરણ કરતું રહેશે અને ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મજબૂત બનવાની અપેક્ષા છે, એમ વર્લ્ડ બેન્ક દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં જણાવાયું હતું.
૨૦૨૫ તથા ૨૦૨૬ બન્ને વર્ષમાં વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર ૨.૭૦ ટકા રહેવા અપેક્ષા છે. ૨૦૨૪માં પણ આજ દર જોવા મળ્યો હતો.ફુગાવા તથા વ્યાજ દરમાં તબક્કાવાર ઘટાડો જોવા મળી રહ્યો છે.
વિકાસસિલ દેશોમાં આર્થિક વિકાસ દર આગામી બે વર્ષમાં ચાર ટકા જળવાઈ રહેવાની પણ ધારણાં રાખવામાં આવી છે. પસાર થયેલા ૨૫ વર્ષની સરખામણીએ હવે પછીના ૨૫ વર્ષ વિકાસસિલ દેશો માટે એકદમ સખત બની રહેશે, એમ વર્લ્ડ બેન્કના ચીફ ઈકોનોમિસ્ટ ઈન્દરમિત ગીલે રિપોર્ટમાં જણાવ્યું હતું.
વિકાસસિલ દેશોના વિકાસને ટેકો પૂરા પાડતા મોટાભાગના પરિબળો હાલમાં ઢીલા પડી ગયા છે અને ઊંચા દેવા બોજ, નબળા ઈન્વેસ્ટમેન્ટ તથા કલાયમેટ ચેન્જના ખર્ચ જેવા પડકારો ઊભા થઈ રહ્યા છે.
વિકાસસિલ દેશોને વિકાસ માટે નવા ધોરણોની આવશ્યકતા છે જે ખાનગી ઈન્વેસ્ટમેન્ટમાં ગતિ લાવે તેવા ઘરેલું રિફોર્મ્સ પર ભાર આપતા હોય, વેપાર સંબંધોને વધુ મજબૂત બનાવી શકતા હોય અને મૂડી, ટેલેન્ટ તથા ઊર્જાને વધુ વપરાશને પ્રોત્સાહન આપતા હોય.
મજબૂત બની રહેલી લેબર માર્કેટ, ધિરાણ વૃદ્ધિ તથા ફુગાવામાં ઘટાડાને કારણે ભારતના ખાનગી ઉપભોગમાં વધારો જોવા મળવાની પણ રિપોર્ટમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે.