Surat,તા.01
સુરત પાલિકા વિસ્તારમાં હાલ ટીપી રોડ ખુલ્લા કરવાની ઝુંબેશ ચાલી રહી છે અને સુરત પાલિકા સંખ્યાબંધ ટીપી રોડ ખુલ્લા કરી રહી છે તેવું ચિત્ર ઉભું કરવામાં આવી રહ્યું છે. જોકે, ટીપી રોડ ખુલ્લા કરવાની ઝુંબેશ માં કેટલાક અધિકારીઓ દ્વારા બિલ્ડરોને ફાયદો કરાવવા માટે રહેણાંક વિસ્તારને બદલે બિલ્ડરોના પ્રોજેકટ હોય ત્યાં રસ્તા ખોલવાની કામગીરી થતી હોવાની અનેક ફરિયાદ બહાર આવી છે. જો મ્યુનિ. કમિશનર છેલ્લા બે વર્ષમાં જેટલા ટીપી રોડ ખુલ્લા કર્યા છે તેની વિજીલન્સ તપાસ કરવામા આવે તો અનેક જગ્યાએ બિલ્ડરોના ફાયદામા ટીપી રોડ ખુલ્લા કરાવ્યાનું બહાર આવે તેવી શક્યતા નકારી શકાતી નથી.
સુરત શહેરની વસ્તી અને વિસ્તાર વધતા વાહનોની સંખ્યામાં વધારો થયો છે અને ટ્રાફિક સમસ્યા વકરી રહી છે. આવી અનેક સમસ્યા બાદ મ્યુનિ. કમિશ્નરે શહેરના 100 જેટલા મહત્ત્વના ટી પી રોડ ખુલ્લો કરવા માટે ઝુંબેશ ની સુચના આપી હતી કેટલાક રોડ રહેણાંક વિસ્તાર વાળા ખોલવા સાથે કેટલાક ઝોનમાં વ્યક્તિગત કે બિલ્ડરોની હિત હોય તેવા રોડ પણ ખુલ્લા કરવામાં આવ્યા હોવાની ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ બાદ મ્યુનિ. કમિશ્નરે પુર્વ સીટી ઈજનેર આશિષ દુબે અને ડેપ્યુટી કમિશ્નર મનીષ ડોક્ટર ઉપરાંત ઝોનના ઝોનલ ચીફ ના સંકલનમાં રહીને રોડ ખુલ્લા કરવાની કામગીરી કરવા સુચના આપી હતી. આ સુચનાનો શરુઆતમાં અમલ કરવામાં આવ્યો હતો પરંતુ વહેતી ગંગામાં હાથ ધોવાની જેમ કેટલાક અધિકારીઓએ રોડ ખુલ્લો કરવા માટે મ્યુનિ. કમિશનરની સુચનાનો અમલ કરવાના બદલે સંકલન ન કરીને રોડ ખોલાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. જેના કારણે હાલમાં ફરીથી બિલ્ડર- ડેવલપરના હિતમાં કેટલાક અધિકારીઓ ટીપી ના રસ્તા ખોલવાની ઝુંબેશના નામે રસ્તા ખોલી રહ્યાની ફરિયાદ બહાર આવી છે. હાલમાં મ્યુનિ. કમિશ્નરે અનામત પ્લોટનો કબ્જો લેવા માટે જે પરિપત્ર ( નોંધ) બહાર પાડ્યો છે તેના કારણે બિલ્ડરોના હિતમાં ખોલવામા આવતા રસ્તાની કામગીરી પર નિયંત્રણ આવી શકે છે. મ્યુનિ. કમિશ્નરને રહેણાંકના બદલે લોકોના હિતમાં રસ્તા ખોલાતા હોવાની ફરિયાદ થઈ છે તેમાં જો છેલ્લા બે વર્ષમાં રસ્તા ખોલાયા છે તેની વિજીલન્સ તપાસ કરવામા આવે તો અનેક અધિકારીઓના કૌભાંડ બહાર આવી શકે તેવી શક્યતા નકારી શકાતી નથી.