ફરી એક વખત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચા દેખાડવાના ઇરાદે એવું નિવેદન કરી નાખ્યું જે ભારતની સાખને આઘાત પહોંચાડનારું છે, બલ્કે દેશની એક્તા કે અખંડતાને ધ્વસ્ત કરનારું છે. રાહુલ ગાંધી કઈ રીતે બેજવાબદાર નિવેદન આપવામાં માહેર થઈ ગયા છે, તે આ કથનથી ફરી એકવાર સાબિત થયું કે વિદેશ મંત્રી એસ.જયશંકર એટલા માટે વારંવાર અમેરિકા જઈ રહ્યા હતા, જેથી ભારતીય વડાપ્રધાનને ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં બોલાવવામાં આવે. રાહુલ ગાંધી મોદી વિરોધમાં ગમે તે બોલે, તે રાજકારણનો ભાગ છે, પરંતુ તેઓ મોદી વિરોધમાં વહી જઈને દેશવિરોધમાં જે રીતે એલફેલ દાવા કરતાં જૂઠ્ઠાણાં ચલાવે છે, તે તેમની રાજકીય અપરિપક્વતા અને બાલિશતા જ દર્શાવે છે. આખરે ક્યારે રાહુલ એક જવાબદાર અને વિવેકવાન વિરોધ પક્ષના નેતા બનશે? થોડા સમય પહેલાં પણ તેમણે એવું નિવેદન આપ્યું હતું કે અમારી લડાઈ ભાજપ કે આરએસએસ સામે જ નહીં, ઇન્ડિયન સ્ટેટ સામે પણ છે!
લોકસભામાં સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ રાહુલ ગાંધીના આ વિચિત્ર નિવેદન પર તરત વાંધો ઉઠાવ્યો, બલ્કે વિદેશ મંત્રી જયશંકરે પણ નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે તેઓ આવી વાત કહીને ભારતની છબિ ખરાબ કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે રાહુલ ગાંધીના જૂઠ્ઠાણાનો ઉદ્દેશ્ય રાજકીય હોઈ શકે છે, પરંતુ આવા જૂઠ્ઠા, ભ્રામક અને ગુમરાહ કરનારા નિવેદનથી ભારતની છબિને ભારે નુક્સાન થયું છે. એ નક્કી છે કે વિદેશ મંત્રીના પ્રતિવાદની રાહુલ ગાંધીને કશી અસર નથી જ થવાની. આવી વાહિયાત વાતો કરીને તેઓ વડાપ્રધાન પર હુમલો કરવાની કોઈ તક છોડતા નથી. તેઓ વડાપ્રધાન રૂપે નરેન્દ્ર મોદીને કોઈ મહત્ત્વ નથી આપતા. બધા જાણે છે કે તેઓ વડાપ્રધાન વિરુદ્ઘ તુ-તડાક કરીને અશાલીન અને અમર્યાદિત ભાષાનો ઉપયોગ કરતા રહે છે. મુશ્કેલી એ છે કે આ આદતનો ત્યાગ તેઓ વિરોધ પક્ષના નેતાનું પદ મળ્યા બાદ પણ નથી કરી શકતા. સમસ્યા માત્ર એટલી નથી કે તેઓ વડાપ્રધાન પદની ગરિમાની પરવા નથી કરતા, સમસ્યા એ પણ છે કે તેઓ છાશવારે એવી બાલિશ વાતો કરી નાખે છે, જે રાષ્ટ્રીય હિતોને પ્રતિકૂળ હોય છે અથવા બીજા દેશો સાથે સંબંધો પર ખરાબ અસર કરે છે.
રાહુલ ગાંધી વિરોધ પક્ષના નેતા છે અને તેમણે અન્ય સાંસદોની જેમ જ દેશની અખંડતા અને એક્તાના સોગંદ લીધા છે, પરંતુ તેમના દ્વારા સમયે સમયે અપાતાં નિવેદનો સંપૂર્ણ રીતે રાષ્ટ્રવિરોધી છે. એવું લાગે છે કે રાહુલ ગાંધી ભારત વિરોધી અલગતાવાદી સમૂહના નેતા બનવાના રસ્તે અગ્રેસર છે અને તેમનો ઇરાદો ભારતની એક્તા, અખંડતા અને સામાજિક સદ્ભાવને નષ્ટ કરવા અને દેશને ગૃહયુદ્ઘ તરફ ધકેલવાનો છે. આ રીતે રાહુલ ગાંધી દ્વારા દેશમાં વિભાજનનાં બીજ વાવવાના પ્રયાસ નિંદનીય જ નહીં, ચિંતનીય પણ છે. સત્તાની લાલચમાં કોંગ્રેસ અને તેના નેતા દેશની અખંડતા સાથે સમજૂતી અને આમ આદમીના ભરોસાને તોડવાનું ચૂકતા નથી. રાહુલનાં નિવેદનોથી લાગે છે કે તેમની લડાઈ માત્ર ભાજપ અને આરએસએસ સાથે નહીં, બલ્કે ભારત સાથે છે. રાહુલ ગાંધી હંમેશાં ભારત રાષ્ટ્ર અર્થાત ભારતના બંધારણ એટલે કે આંબેડકરના બંધારણ વિરુદ્ઘ વિષવમન કરતા દેખાય છે. આંબેડકરના અસ્તિત્વને નકારીને ભારતના બંધારણને બદલ્યા બાદ ગાંધી પરિવાર દેશનું વિભાજન, દુશ્મન દેશના નેતાઓ અને શક્તિઓના સપનાંનું ટુકડા થઈ ગયેલું ભારત ઇચ્છે છે. આખરે રાહુલ ગાંધી અને કોંગ્રેસી કઈ વાત માટે બંધારણની નકલ લઈને ફરે છે? આવા એક બેજવાબદાર અને બાલિશ નેતાનું લોકસભામાં વિરોધ પક્ષના નેતા હોવું દેશનું દુર્ભાગ્ય નથી? રાહુલ ગાંધીએ ગંભીર આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.
રાહુલ ગાંધી પોતાના અધકચરા, તથ્યહીન અને વિધ્વંસાત્મક નિવેદનોને લઈને નિરંતર ર્ચામાં રહે છે. તેમના નિવેદનો હાસ્યાસ્પદ હોવાની સાથે જ ઉદ્દેશ્યહીન અને ઉચ્છૃંખલ પણ હોય છે. રાહુલે પહેલાં પણ વાતો-વાતોમાં એમ કહ્યું હતું કે ચીને ભારતની જમીન પર કબ્જો કરી લીધો છે. તેઓ દેશના મુખ્ય વિપક્ષી દળના નેતા છે. સરકારની નીતિઓથી નારાજ થવું, સરકારનાં પગલાં પર સવાલ ઉઠાવવો તેમના માટે જરૂરી છે અને રાજકીય રૂપે તેમનું કર્તવ્ય પણ છે.