પ્લાસ્ટિક દોરીના જોબ વર્કમાં માલઘટ નીકળતા રૂપિયા ચૂકવવા આપેલો ચેક પરત ફર્યો ‘તો
Rajkot,તા.10
પ્લાસ્ટિક દોરીના જોબ વર્કમાં માલઘટ પેટે આપેલો રૂ. 6.06 લાખનો ચેક રિટર્ન થવાના કેસમાં અદાલતે આરોપીને દોઢ વર્ષની કેદ અને ચેકની રકમ વળતર પેટે ફરિયાદીને ન ચૂકવે તો વધુ છ માસની સજા ફટકારવા હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, વિનોદ નાગજીભાઈ ચોવટીયા ભુમી ઈન્ડસ્ટ્રીઝના પોપ્રાઈટર દિપેશ કિશોરભાઈ પટેલનું પ્લાસ્ટીકની દોરી બનાવવાનું જોબવર્કનું કામ કરતા હોય. જે માલમાં ઘટ આવતી હોવા અંગેના હિસાબ પેટે વિનોદ નાગજીભાઈ ચોવટીયાએ ભુમી ઈન્ડસ્ટ્રીઝના પોપ્રાઈટર દિપેશ કિશોરભાઈ પટેલને રૂા. ૬.૦૬ લાખનો ચેક આપેલ. જે ચેક દિપેશ પટેલે તેમની બેન્કમાં વટાવવા માટે નાખતા વગર વસુલાતે પરત ફરેલ. જેથી તેણે વિનોદ નાગજીભાઈ ચોવટીયાને ધોરણસરની લીગલ નોટીસ આપ્યા છતાં ચેક મુજબની રકમ નહીં ચુકવતા વિનોદ ચોવટીયા સામે અદાલતમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જે કેસમાં બન્ને પક્ષકારો વતી લેખીત તેમજ મૌખીક પુરાવાઓ રજુ કરવામાં આવ્યા બાદ અને બન્ને પક્ષકારોની વિગતવાર દલીલો સાંભળી અદાલતે આરોપી વિનોદ નાગજીભાઈ ચોવટીયાને દોઢ વર્ષની સજા તથા ચેક મુજબની રકમ રૂ. ૬.૦૬ લાખનું વળતર હુકમની તારીખથી ૬૦ દિવસમાં ચુકવવા આદેશ આપેલ અને જો વળતરની રકમ ન ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે. જે કેસમાં ફરીયાદી વતી વકીલ એન.જી.બાવીશી રોકાયા હતા.