Rajkot, તા. 17
રાજકોટ મહાનગરપાલિકામાં જુદી જુદી કેડર પર ભરતી માટે અંતે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. ટાઉન પ્લાનર, વોર્ડ ઓફિસર, ઓ.એસ. સહિતની કેડરમાં આ ભરતી પરીક્ષા તા.2 માર્ચના રોજ અમદાવાદ ખાતે રાખવામાં આવી છે.
રાજકોટના ત્રણે ઝોનમાં હવે એક-એક ટાઉન પ્લાનીંગ અધિકારી રહે તે પ્રકારનું સેટઅપ થોડા સમય પહેલા મંજૂર કરીને ભરતી બહાર પાડવામાં આવી હતી. જે ત્રણ જગ્યા માટે 183 જેટલા ઉમેદવારોએ અરજી કરી છે.
આ અંગે મહાપાલિકાના સુત્રોમાંથી મળતી વિગતો મુજબ મહાપાલિકામાં ત્રણ નવા ટાઉન પ્લાનર, નવ મેનેજર, પાંચ વોર્ડ ઓફિસર અને 11 ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ પૈકી ટાઉન પ્લાનર સિવાયની ત્રણે કેડરમાં ઇનહાઉસ એટલે કે કચેરીમાંથી જ અધિકારીની નિમણુંક કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
એટલે કે માત્ર ટાઉન પ્લાનરની ત્રણ જગ્યા માટે જ બહારના ઉમેદવાર અરજી કરી શકે છે. અન્ય ત્રણ પોસ્ટ પર કોર્પો.ના જ કર્મચારીઓ અરજી કરવાને પાત્ર છે.
ટાઉન પ્લાનરની ત્રણ પોસ્ટ માટે 183 અરજી આવી છે. તો મેનેજરની નવ જગ્યા માટે 188, વોર્ડ ઓફિસરની પાંચ જગ્યા માટે 14પ અને ઓ.એસ.ની 11 જગ્યા માટે 1પ3 અરજી ઉમેદવારોએ કરી છે. ટાઉન પ્લાનરની નવી પોસ્ટ માટે નવી ભરતી કરવામાં આવશે.
તો અન્ય કેડરમાં ખાલી જગ્યા પર ભરતી કરાઇ રહી છે. ચારે કેડર મળી કુલ 669 ઉમેદવારોએ અરજીઓ કરી છે. તા.2 માર્ચના રોજ સવારથી સાંજ દરમ્યાન અમદાવાદ શહેરમાં પરીક્ષા લેવા આયોજન ગોઠવવામાં આવ્યું છે.
આ જગ્યા પર અરજી કરનારા ઉમેદવારોએ લેખિત પરીક્ષાના કોલ લેટર તા. 24-2-25થી કોર્પો.ની વેબસાઇટ www.rmc.gov.in પરથી ડાઉનલોડ કરવા જણાવાયું છે.
કલાર્ક
બીજી તરફ રાજકોટના હજારો બેરોજગાર યુવાન-યુવતીઓ જે ભરતી પરીક્ષાની રાહ જોઇ રહ્યા છે તે જુનીયર કલાર્કની પરીક્ષા માટે હજુ કોઇ આયોજન ફાઇનલ થતું નથી. 1પ0થી વધુ કલાર્કની મહાપાલિકામાં ભરતી કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ પોસ્ટ માટે 60 હજારથી વધુ યુવક-યુવતીઓએ અરજી કરી છે. ગત વર્ષથી તેઓ પરીક્ષા કયારે લેવાશે તેની રાહ જોઇને બેઠા છે.
પરંતુ મહાપાલિકા પણ ફિકસમાં મુકાઇ ગઇ છે. કારણ કે આટલી મોટી સંખ્યામાં ઉમેદવારોની એક સાથે અને એક શહેરમાં પરીક્ષા લેવી બહુ મોટુ કામ છે. થોડા વર્ષ પહેલા પણ આવી ભરતી અલગ અલગ કેન્દ્રો પર ગોઠવવી પડી હતી.
આવી ભરતી પરીક્ષાઓ હવે પારદર્શકતા માટે મહાપાલિકા પોતે લેતી નથી. પરંતુ જીટીયુ કે અન્ય કોઇ એજન્સી મારફત આવી ભરતી પરીક્ષા લેવામાં આવે છે. એજન્સી મહાપાલિકાને પરિણામ આપે તે બાદ ભરતી પ્રક્રિયા પૂરી કરવામાં આવે છે. અગાઉ પણ જુ.કલાર્કની ભરતી પરીક્ષામાં આટલા જ ઉમેદવારો નોંધાયા હતા.
જોકે તે વખતે ભરતી થયેલા કેટલાક કલાર્ક ટુંકાગાળામાં નોકરી પણ છોડી ચૂકયા છે. હવે ગ્રેજયુએટ લેવલના ઉમેદવારો માટે સરકારી નોકરીની મોટી તક સમાન આ ભરતીની પરીક્ષા પણ વહેલાસર ગોઠવવામાં આવે તેવું આ વર્ગ ઇચ્છી રહ્યું છે.