શશિ થરુરે તાજેતરમાં જ કહી દીધું હતું કે જો કોંગ્રેસને મારી જરૂર નથી તો મારી પાસે ઘણા અન્ય વિકલ્પ છે
New Delhi, તા.૨૬
કોંગ્રેસ સાંસદ શશિ થરુરે ભવિષ્યના પ્લાનને લઈને ચાલુ અટકળો પર વિરામ લગાવી દીધું છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે હું ભાજપમાં સામેલ થવા જઈ રહ્યો નથી.
ખાસ વાત એ છે કે થરુરે તાજેતરમાં જ કહી દીધું હતું કે જો કોંગ્રેસને મારી જરૂર નથી તો મારી પાસે ઘણા અન્ય વિકલ્પ છે. આ સાથે જ તેમની કોંગ્રેસ છોડવાની અટકળો પણ ઝડપી થઈ ગઈ હતી, જેનું બાદમાં થરુરે ખંડન કર્યું હતું.
તેમણે ભાજપમાં સામેલ થવાથી ઈનકાર કર્યો છે અને તેનું કારણ વિચારધારામાં અંતર હોવાનું ગણાવ્યું છે. તેમણે કહ્યું, … નહીં, દરેક પાર્ટીની પોતાની માન્યતાઓ અને ઈતિહાસ છે. જો તમે તેની માન્યતાઓને માની શકતાં નથી તો કોઈ અન્ય પાર્ટીમાં જવું ખોટું છે. મને નથી લાગતું કે આ યોગ્ય છે, પરંતુ સ્વતંત્ર હોવાનો વિકલ્પ હંમેશા ખુલ્લો છે પરંતુ આજના રાજકીય માહોલમાં મને લાગે છે કે તમામે પાર્ટીની, એક સંગઠનની, એક વાહનની જરૂર છે જે તેમના વિચારોને આગળ લઈ જાય. રાજકારણમાં એક પાર્ટી માટે જરૂરી છે કે તે અમુક વિચાર અને સિદ્ધાંત રાખે.
નહીંતર વિચારધારા કે ચૂંટણી ઢંઢેરાનો કોઈ ફાયદો નથી. આ સાથે જ પાર્ટી એક વાહન હોય છે. જેમાં સંગઠનાત્મક શક્તિ હોવી જરૂરી છે, જેથી મૂલ્યોને આગળ લઈ જઈ શકાય અને તે સિદ્ધાંતોની સાથે શક્તિ મેળવી શકાય.
રાષ્ટ્રીય સ્તરે ભાજપે આને આગળ વધારવાની શક્તિ બતાવી છે, જે આપણે ઘણા રાજ્યોમાં બેવડાવી શકીએ નહીં. કેરળમાં સીપીઆઈએમે છેલ્લી બે ચૂંટણીમાં પોતાની શક્તિ બતાવી છે અને મને આની પર વાત કરવામાં કંઈ ખોટું લાગતું નથી. અમે (કોંગ્રેસ) દરેક બૂથ પર સંગઠનાત્મક અછત, કાર્યકર્તાઓની અછતનો સામનો કરી રહ્યાં છીએ. અમે કેડર આધારિત પાર્ટી નથી. અમારી પાસે ઘણા નેતા છે પરંતુ અમારી પાસે કાર્યકર્તાઓની અછત છે.
લગ્નના સવાલ પર થરુરે કહ્યું, બિલકુલ નહીં. મે જીવનમાં ખૂબ અનુભવ કર્યા છે. છેલ્લા ૧૦ વર્ષથી હું સિંગલ છું. મારી માતા મને લગ્ન માટે કહી રહ્યાં છે પરંતુ હું વર્તમાન સ્થિતિથી ખુશ છું. જાન્યુઆરી ૨૦૧૪એ થરુરની પત્ની સુનંદા પુષ્કરનું નિધન થઈ ગયું હતું.