Mumbai, તા.4
વિદેશમાં અભ્યાસ કરવા જઈને બાદમાં ત્યાં નોકરીમાં જોડાઈ જતા સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓ દ્વારા જે એનઆરઆઈ સ્ટેટસ મેળવીને જે કરવેરાનો લાભ ઉઠાવાઈ રહ્યો છે તેની સામે હવે રિઝર્વ બેંક નિયમોમાં સુધારા કરે તેવી ધારણા છે.
આ પ્રકારે સ્ટુડન્ટ વિઝા પર ગયેલા વિદ્યાર્થીઓના નામે જંગી નાણા ટ્રાન્સફર કરવામાં આવે છે. પરંતુ ધનવાન કુટુંબો દ્વારા આ સુવિધાનો ગેરલાભ લેવાઈ રહ્યો હોવાનું બહાર આવતા જ હવે તે મુદે તપાસ શરુ કરવામાં આવી છે.
દેશના અનેક ધનવાન કુટુંબોએ તેમના બાળકોને વિદેશ અભ્યાસ માટે મોકલી પછી તેના એનઆરઆઈ સ્ટેટસના મારફત મોટુ ભંડોળ વિદેશ ટ્રાન્સફર કર્યુ હોવાનું બહાર આવ્યું છે. 20 વર્ષથી અમલમાં રહેલા આ ફોરેન એકસચેંજ રૂલનો મોટો દુરુપયોગ થઈ રહ્યો હોવાનું આરબીઆઈના ધ્યાનમાં આવ્યું હતું.
વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓને નાણાકીય મુશ્કેલીઓ ન પડે તે હેતુથી આ પ્રકારે સરકારે સુવિધાઓ આપી હતી. 2003માં રિઝર્વ બેન્કે અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને નોન રેસીડેન્સ ઈન્ડીયન (એનઆરઆઈ) સ્ટેટસ આપવાની જાહેરાત કરી હતી. તેઓ પોતાના અભ્યાસ અને વધારાના ખર્ચને પહોંચી વળવા માટે વધારાના જોબ પણ કરતા હતા.
2003 સુધી તેઓ રેસીડેન્સની વ્યાખ્યામાં આવતા હતા પરંતુ બાદમાં ધનવાન કુટુંબોએ પોતાના સંતાનોને આ પ્રકારે એનઆરઆઈ ટેગ નો દુરુપયોગ કરીને મોટુ ભંડોળ વિદેશમાં ટ્રાન્સફર કરવાનું શરુ કર્યુ હતું.સામાન્ય રીતે રેસીડેન્સ પેરેન્ટસને આ સુવિધા મળતી નથી.
એક વખત કોઈપણ વ્યક્તિને નોન રેસીડેન્સ સ્ટેટસ મળે પછી તેનો આ પ્રકારે લાભ ઉઠાવાતો હતો. સામાન્ય રીતે ભારતીય વર્ષે 2.50 લાખ ડોલર વિદેશમાં મોકલી શકે છે. જયારે નોન રેસીડેન્સ ઈન્ડીયનને 10 લાખ ડોલર સુધીની આ સુવિધા મળે છે. હવે આરબીઆઈ દ્વારા આ અંગેના નિયમોમાં ફેરફારની તૈયારી છે.