જાપાનમાં મોટા પાયે જંગલો સળગી રહ્યાં છે. થોડાં સમય પહેલાં અમેરિકાનાં લોસ એન્જલસના જંગલોમાં ભીષણ આગ લાગી હતી. નિષ્ણાતોનો દાવો છે કે જો આ રીતે જ ધરતી ગરમ થતી રહેશે તો આ સદીનાં અંત સુધીમાં ત્રણ લાખ 35 હજાર લોકો આગની ઘટનાઓને કારણે મૃત્યુ પામશે. ઓસ્ટ્રેલિયન અને આંતરરાષ્ટ્રીય સંશોધકોએ પોતાનાં એક અભ્યાસમાં આ પ્રકારનો દાવો કર્યો છે
ચીનની હેફેઈ યુનિવર્સિટીનાં સંશોધકોની આગેવાની હેઠળનાં આ અભ્યાસમાં ચાર્લ્સ ડાર્વિન યુનિવર્સિટીનાં ડેટા પણ લેવામાં આવ્યાં હતાં. સંશોધનકારોએ મહત્તમ તાપમાન અને આગની ઘટનાઓના દરેક મહિના માટે અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયા અને ચીન સહિત 20 દેશોનાં 2,800 થી વધુ શહેરોમાંથી ડેટા એકત્રિત કર્યા હતાં.
જાપાનમાં ફાટી નીકળેલી જંગલની આગને કારણે ઉત્તરપૂર્વીય દરિયાકાંઠાના એક શહેરમાં ડઝનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે અને સેંકડો લોકોને તેમનાં ઘરો છોડીને અન્યત્ર આશ્રય લેવાની ફરજ પડી છે.
ફાયર એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યાં અનુસાર, ગત બુધવારે ઓફુનાટોમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં લગભગ 5,190 એકર જંગલ બળીને ખાખ થઈ ગયું છે. આ વર્ષે જાન્યુઆરીમાં લોસ એન્જલસની જંગલી આગમાં 28 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 10,000થી વધુ ઘરો બળીને ખાખ થઈ ગયાં હતાં. અભ્યાસ મુજબ સદીનાં બાકીનાં 75 વર્ષોમાં 20 દેશોનાં 2,847 શહેરોમાં આગ લાગવાનું જોખમ રહેલું છે.
વિશ્વભરમાં લાગેલી આગને કારણે દર વર્ષે 50,000 લોકોનાં મોત થાય છે અને એક લાખ 70 હજાર લોકો ઘાયલ થાય છે. પરંતુ આ અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો આમ જ ચાલતું રહ્યું તો આ આંકડા ઝડપથી વધી શકે છે.
અભ્યાસ મુજબ ગ્લોબલ વોર્મિંગથી આગ લાગવાની ઘટનાઓમાં વધારો થશે, જેનાં કારણે વધુ મોત પણ થશે. સંશોધકોએ જણાવ્યું હતું કે, આ ફેરફારને પગલે 2020 થી 2100 સુધીમાં વૈશ્વિક આગને લગતાં મૃત્યુઆંકની સંખ્યા ત્રણ લાખ 3પ હજાર સુધી પહોંચી જશે અને ઇજાગ્રસ્તોની સંખ્યા વધીને 1.1 મિલિયન થઈ જશે.