Ahmedabad,તા.15
રાજયમાં હોળી-ધૂળેટીનો તહેવાર ઉમંગ-ઉત્સાહની સાથે ગોઝારો બન્યો હોય તેમ આગ, અકસ્માત, ડુબી જવા જેવી ઘટનાઓમાં 21 લોકોના મોત નીપજયા હતા. અકસ્માતો, મારામારી, પડી જવા જેવી ઈમરજન્સી ઘટનાઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો હતો.
કરૂણાંતિકાનાં બનાવો પૈકી રાજકોટની વૈભવી ઈમારત એવી એટલાન્ટીસ બિલ્ડીંગમાં સર્જાયેલા અગ્નિકાંડમાં ત્રણ લોકોના મોત નિપજયા હતા. ધૂળેટીનાં દિવસે જ સર્જાયેલા આગના આ બનાવમાં સંખ્યાબંધ લોકોનું રેસ્કયુ કરાયું હતું.
આ સિવાય વડોદરામાં પાવાગઢથી દર્શન કરીને પરત ફરતા સુરતનાં પટેલ પરિવારની કારના ચાલકે કાબુ ગુમાવતા કાર ઝાડ સાથે ટકરાઈ હતી અને તેમાં ચાર લોકોનાં મોત નીપજયા હતા.
નડીયાદમાં પણ તહેવાર ગોઝારો બન્યો હતો.હીટ એન્ડ રનના બે બનાવમાં બે લોકોના મૃત્યુ નીપજયા હતા. આ સિવાય જામનગરમાં કાલાવડ-જીવાપર રોડ પર કપાસ ભરેલા ટ્રક પર બેઠેલા પાંચ મજુરોને હાઈ વોલ્ટેજ વિજ લાઈનનો કરંટ લાગ્યો હતો તેમાં ચાર લોકોના મોત નીપજયા હતા અને અન્યોને સારવાર માટે ખસેડાયા હતા.
ધોળકા-બગોદરા હાઈવે પર ડીજે સાઉન્ડ સીસ્ટમ સાથે રાજકોટથી દાહોદ જ રહેલા આઈશરનું ટાયર ફાટતાં બે લોકોના મોત નીપજયા હતા. 13 માર્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ભોગ બનનાર બન્ને યુવાનો રાજકોટના હોવાનું બહાર આવ્યું હતું.
જામનગરમાં હોળીની રાત્રે ખુની ખેલ ખેલાયો હતો મોરકંડા ગામે સામાન્ય બોલાચાલીમાં ત્રણ સગાભાઈઓ પર હુમલો થતા એકનુ મોત નીપજયુ હતું. હત્યાનો અન્ય એક બનાવ અમરેલીનાં લાઠીમાં બન્યો હતો જેમાં પતિએ જ પત્નિને રહેંસી નાખી હતી.
મહેસાણાનાં ઉંઝા હાઈવે પર પણ હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં કારચાલકની ટકકરથી પગપાળા જતા બાઈક સવાર યુવાનનું મૃત્યુ નીપજયુ હતું. ઉંઝામાં જ અન્ય એક અકસ્માતમાં અજાણ્યા વાહનની ઠોકરે વૃદ્ધનુ મોત થયુ હતું.
સુરતના માંડવી તાલુકાનાં અરેઠ ગામમાં ટે્રકટર ચાલકે કાબુ ગુમાવતા તે ખાણમાં ખાબકયુ હતું અને તેમાં ચાલકનું મોત નીપજયુ હતુ. બોટાદના ગઢડા નજીક કાળુભાર નદીમાં નહાવા પડેલા બે યુવકોનાં મોત નીપજયા હતા.
થરાદમાં નર્મદાની કેનાલમાંથી એક યુવતીનો મૃતદેહ મળ્યો હતો યુવતીએ આપઘાત કર્યાનું બહાર આવ્યું હતું. આ સિવાય માંડવીનાં કરંજમાં યુવતીએ પંખા સાથે લટકીને આપઘાત કર્યો હતો બારડોલીમાં પરિણીતાએ ઘરેલુ હિંસાથી કંટાળીને આપઘાત કર્યો હતો.
હોળી-ધૂળેટીના ઉત્સાહનાં અતિરેક તથા બહાર ફરવાના શોખથી અકસ્માતથી માંડીને આરોગ્ય સંબંધી પ્રશ્નોમાં વધારો થાય જ છે. ગુજરાતમાં 108 એમ્બ્યુલન્સને મળતા ઈમરજન્સી કોલમાં મોટો વધારો થયો હતો.શુક્રવાર સાંજ સુધીની સ્થિતિએ જ 3485 ઈમરજન્સી કોલ થયા હતા તેમાં અકસ્માતોનાં સૌથી વધુ હતા.અકસ્માતનાં 715, મારામારીનાં 360, 209 સામાન્ય ઈજાના કોલ હતા.
અકસ્માતના સૌથી વધુ 96 બનાવ અમદાવાદમાં નોંધાયા હતા. સુરતમાં 93, વડોદરામાં 51, રાજકોટમાં 34, દાહોદમાં 29, બનાસકાંઠામાં 24, પંચમહાલમાં 23, ભરૂચમાં 23, વલસાડ , નવસારી, આણંદમાં 20-20 કેસ હતા. સામાન્ય દિવસોમાં સરેરાશ 458 કોલ નોંધાતા હોય છે.