એ સમયની માંગ છે કે પશ્ચિમી દેશોમાં ખાલિસ્તાન સમર્થક આતિવાદીઓનાં કરતૂતો પર આ દેશોના સત્તાધીશો સાથે સ્પષ્ટ વાત કરવામાં આવે અને તેમને નિયંત્રિત કરવા માટે પણ કહેવામાં આવે. આ જ અનુસંધાનમાં ગત દિવસે વડાપ્રધાન મોદીએ ન્યૂઝિલેન્ડના વડાપ્રધાન સાથે તેમના દેશમાં ખાલિસ્તાન સમર્થક તત્ત્વોની હરકતોનો ઉલ્લેખ કર્યો, જ્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહે અમેરિકી ગુપ્તચર પ્રમુખ તુલસી ગબાર્ડને કહ્યું કે અમેરિકામાં ખાલિસ્તાન સમર્થક ચરમપંથીઓ પર લગામ લગાવવી જોઇએ. તેમણે પ્રતિબંધિત ચરમપંથી સંગઠન સિખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંતસિંહ પન્નુની હરકતોનો ઉલ્લેખ પણ કર્યો. ભારતે એટલા સુધી જ સીમિત ન રહેવું જોઇએ. તેણે એના પર ભાર મૂકવો જોઇએ કે અમેરિકા અને ન્યૂઝિલેન્ડમાં ખાલિસ્તાન સમર્થક તત્ત્વો પર વાસ્તવમાં લગામ લાગે. આ બંને દેશો ઉપરાંત ભારતે બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયાને પણ કહેવું પડશે કે જો તેમને ત્યાં ખાલિસ્તાની તત્ત્વો બેલગામ થતા રહે છે તો સંબંધોને આગળ વધારવામાં મુશ્કેલી પડશે. તેની અવગણના ન કરી શકાય કે આ પાંચેય દેશ આઇ-૫ નામના એ સંગઠનના સદસ્ય છે, જે પોતાની ગુપ્તચર માહિતીઓ આપ-લે કરે છે. શું આ એક માત્ર દુર્યોગ છે કે આ પાંચેય દેશોમાં ખાલિસ્તાન સમર્થક તત્ત્વો કંઇક વધારે જ બેલગામ છે?
સમસ્યા માત્ર એ નથી કે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે પશ્ચિમી દેશોમાં ખાલિસ્તાનની તરફદારી કરનારા ભારત વિરુદ્ઘ ઝેર ઓકતા રહે છે, બલ્કે એ પણ છેકે આ દેશ તેમની અરાજક ગતિવિધિઓની અવગણના પણ કરી શકે છે. એ કોઇથી છૂપું નથી કે આ દેશોમાં ખાલિસ્તાન સમર્થક ક્યારેક હિંદુ મંદિરોને નિશાનો બનાવે છે, ક્યારેક ભારતીય રાજદ્વારીઓને નિશાના પર લે છે અને ક્યારેક ભારતીય ધ્વજનો અનાદર કરે છે. ભારતના વાંધા પર આ દેશો આ પ્રકારની ઘટનાઓ પર ચિંતા તો વ્યક્ત કરે છે, પરંતુ જવાબદાર લોકો વિરુદ્ઘ ક્યારેય ઠોસ કાર્યવાહી નથી કરતા. સ્પષ્ટ છે કે એનાથી તેમનું દુસ્સાહસ વધે છે. ભારતે આ દેશો સમક્ષ એ સ્પષ્ટ કરવું પડશે કે આ પ્રકારની ગતિવિધિઓ સહન કરી લેવામાં નહીં આવે. જો આ દેશો ભારતની ચિંતાઓને સમજવા અને તેનું સમાધાન કરવા માટે તૈયાર નથી થતા તો કેટલાક વિષયો પર તેમના સહયોગ-સમર્થનના સિલસિલાને આગળ વધારવાથી રોકવા પર વિચાર કરવો પડશે. આખરે એ એક તથ્ય છે કે ભારતને જેટલી જરૂરિયાત આ દેશોની છે, એટલી જ તેમને ભારતની પણ છે. ભારતે એ પણ જોવું પડશે કે આ દેશ કયાં કારણોસર પોતાને ત્યાં રહેતા ખાલિસ્તાન સમર્થક તત્ત્વો વિરુદ્ઘ કાર્યવાહી કરવામાં આનાકાની કરી રહ્યા છે? આ કારણોની ઓળખ કરવાની સાથે જ એ પણ જરૂરી છે કે ભારત પશ્ચિમી દેશોમાં સક્રિય ખાલિસ્તાન સમર્થક ચરમપંથીઓનાં ઓસીઆઇ કાર્ડ રદ્દ કરે.