પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી લઈને મધ્ય પ્રદેશના ગુના અને તેના પહેલાં નાગપુર મલાડ વગેરેની ઘટનાઓએ દેશને ચિંતામાં મૂકી દીધો છે. આ ઘટનાઓમાં સતત દેખાઈ રહેલા યથાર્થને ઓળખીને તેને અનુરૂપ વ્યવહાર નક્કી કરવાનો સમય છે. મુર્શિદાબાદથી ભાગીરથી નદીમાં નાવ પર બેસીને પલાયન કરતા અને પછી માલદા જિલ્લામાં ઉતરતા લોકોની તસવીરો કોઇપણ સંવેદનશીલ વ્યક્તિને અંદરથી હચમચાવી દેશે. આપણે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં બિનમુસ્લિમો, હિંદુઓ વિરુદ્ઘ હિંસા પર ભવાં ચડાવીએ છીએ, આપણા દેશ વિશે શું કહીશું? માલદાના પારલાલપુર હાઇસ્કૂલમાં શરણ માટે લગભગ ૫૦૦ લોકોની તસવીરો અને વક્તવ્ય દેશ સામે છે. તેમાં ત્રણ દિવસના નવજાતથી લઈને મહિલાઓ, બુઝુર્ગ અને બાળકો સામેલ છે. સ્થાનિક લોકોએ તેમના રહેવાની અને ખાવા-પીવાની વ્યવસ્થા કરી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુકાંતા મજૂમદારની યાત્રા બાદ પાર્ટી અને બીજા હિંદુ સંગઠન પણ સક્રિય થયા, પરંતુ શું કોઇને યાદ છે કે ૨૦૨૧ વિધાનસભા ચૂંટણી બાદ હિંદુઓ અસમ અને ઝારખંડ ભાગી ગયા હતા. તેઓ આજ સુધી પાછા ફર્યા કે નહીં દેશને ખબર પણ ન હતી. જ્યારે અસમના મુખ્યમંત્રી હિમંત બિસ્વશર્માએ પોસ્ટ લખી ત્યારે તેની જાણકારી મળી. વર્તમાન ઘટનામાં પલાયન કરી ગયેલા લોકો મુર્શિદાબાદના ધુલિયાનના છે. તેઓ કહી રહ્યા છે કે ઘરોમાં આગ લગાડી દીધી, મારપીટ કરવામાં આવી, હવે ન ઘર રહ્યું, ના ખાવા માટે રાશન બચ્યું, બધું જ લૂંટાઈ ગયું. મણિપુર પર તોફાન ઊભું કરનનારા અને યાત્રા કરનારા રાહુલ ગાંધીથી માંડીને વિપક્ષના નેતાઓની ચૂપકિદી વધારે ડરાવનારી છે. મણિપુર બધા માટે ચિંતાનો વિષય હોવો જોઇએ, તો મુર્શિદાબાદ કેમ નહીં?
આ જ એ પ્રશ્ન છે અલગ-અલગ એવી ઘટનાઓ અને સંદર્ભોમાં જેનો જવાબ ભારત સ્પષ્ટ રૂપે ક્યારેય નથી આપી શક્યું. ધુલિયાનમાં એક ગરીબ પિતા-પુત્રની હત્યા કરી દેવામાં આવી, જેઓ હિંદુ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનાવતા હતા. મૂર્તિકાર સાથે કોને વેર હોઇ શકે? લોકો કહી રહ્યા છે કે તેમની પાણીની ટાંકીમાં ઝેર ભેળવી દેવાયું. તેમાં કેટલી સચ્ચાઈ છે તેની તપાસ મમતા બેનર્જી સરકારે કરવી જોઇતી હતી. નથી કરી તેનો મતલબ શો માનવો? કેટલાય તળાવોમાં માછલીઓ સહિત અન્ય જીવ મરેલા જોવા મળ્યા, એટલે કે હુમલાખોરો ઘોષણા કરી રહ્યા હતા કે તમામ પાણીમાં ઝેર ભેળવી દઈશું. ટીવી કેમેરાના માધ્યમથી દેશે ત્યાંની હિંસા જોઇ. હજુ પણ અલગ-અલગ ક્ષેત્રોમાં હિંસા થઈ રહી છે. શમશેરગંજ સહિત કેટલાય સ્થળોએ બીએસએફની ટીમ પર ગોળીબાર કરવામાં આવ્યો. બીએસએફના જવાનોએ કેટલાય ઘરોમાં ભરેલા પથ્થરો દૂર કર્યા. કોલકાતા હાઇકોર્ટના આદેશને કારણે કેન્દ્રીય સુરક્ષા દળોની ૧૭ કંપનીઓ તૈનાત કરવામાં આવી, નહીં તો પશ્ચિમ બંગાળ પોલીસના રહેતાં શું થઈ રહ્યું હતું અન શું થાત એની કલ્પના જ ધ્રુજાવનારી છે. ભાજપ અને આરએસએસની ભલે ગમે તેટલી ટીકા થાય અને તેનો વિરોધ થાય, પરંતુ આવી વિકટ પરિસ્થિતિમાં હિંદુ સમાજ સાથે તેમના સિવાય ઊભું રહેનારું કોઈ જ નથી! અન્ય પાર્ટીઓના સ્થાનિક એકમોને સત્ય દેખાય છે, ભૂમિકા નિભાવવા પણ માગે છે, પરંતુ પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વના દબાણમાં તે કશું નથી કરી શકાત. સ્થાનિક ભાજપના કેટલાય નેતાઓએ પ્રદેશમાં અફ્સ્પા લાગુ કરવાની માંગ કરી છે.
કોઇને નવા વક્ફ કાયદા સામે વિરોધ હોય તો તેની રીત હિંદુઓ પર હુમલા કેવી રીતે હોઇ શકે? જો વિરોધ કરવો હોય તો તેના માટે હિંદુઓના ઘરો પર હુમલા કરવા, ધર્મસ્થળોને ક્ષતિગ્રસ્ત કરવા, દુકાન-ઘર બાળવા વગેરેની શી જરૂર છે? હુમલાખોરોની તૈયારી કેટલી હતી તેનો અંદાજો એ વાતે આવે કે પલાયન કરી ગયેલા લોકો જણાવી રહ્યા છે કે તેઓ ગેસ સિલિન્ડરોને ખોલીને દિવાસળીથી આગ લગાવી રહ્યા હતા અને તેમાં પેટ્રોલ નાખી રહ્યા હતા. ગુનામાં હનુમાન જયંતીની શોભાયાત્રા પર જેટલી ભારે સંખ્યામાં પથ્થરમારો થયો અને આગચંપી થઈ તેની તૈયારી એકાએક સંભવ નથી. છેલ્લા કેટલાય સમયથી જોવા મળે છે કે હિંદુઓના ઉત્સવો, શોભાયાત્રાઓ વગેરે પર પથ્થરમારાના કિસ્સા વધી રહ્યા છે. મુર્શિદાબાદની ઘટના પર બંગાળની મમતા સરકારના મંત્રી સાદિકુલ્લા ચૌધરી તો કહે છે કે પીડિતોએ પલાયન કર્યું તોય બંગાળમાં જ કર્યું ને! હિંસામાં બહારના અને ભાજપના લોકો સામેલ હતા, તેઓ બીએસએફની ગોળીથી મર્યા છે! મમતા સરકાર અને તેમની પાર્ટીનું સ્ટેન્ડ આવું હોય તો તેમની પાસે શી આશા રાખી શકાય? આવું પહેલી વાર નથી બન્યું.