નુશરત ભરુચાને સમજાતું નથી કે તેને મળવી જોઈએ એટલી ફિલ્મની તકો મળતી નથી
Mumbai, તા.૨૨
નુશરત ભરુચા ઘણા મહત્વના રોલ સાથેની ફિલ્મ કરી ચૂકી છે અને તેણે હંમેશા સબળ પાત્રો ભજવવાનો આગ્રહ રાખ્યો છે. ‘પ્યાર કા પંચનામા’, ‘ડ્રીમ ગર્લ’, ‘છોરી’ જેવી ફિલ્મમાં તેના રોલ યાદગાર રહ્યાં છે. તેણે હંમેશા અલગ પ્રકારના રોલ કરાવાના પ્રયત્નો કર્યા છે. છતાં તેના ફૅન્સનો એક પ્રશ્ન હંમેશા રહ્યો છે કે તેને મળવી જોઈએ એટલી ફિલ્મ કેમ નથી મળતી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં નુશરતે ખુલાસો કર્યો હતો કે અન્ય સ્ટારથી અલગ તેને પુરતી તકો મળતી નથી.હાલ તો નુશરત પોતાની ફિલ્મ ‘છોરી ૨’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. ત્યારે એક ઇટરવ્યુમાં તેણે એક સરપ્રાઇઝિંગ વાત શેર કરી હતી. તેણે કહ્યું કે તેનો એક નજીકનો મિત્ર, જે એક પ્રોડ્યુસર અને લેખક પણ છે, તેણે નુશરતને એક વખત પૂછ્યું હતું કે તેને વધારે ફિલ્મ કેમ નથી મળતી. આ પ્રશ્નથી નુશરત અચંભામાં પડી ગઈ હતી. તેણે કબૂલ્યું હતું, કે તેને પોતાને આ પ્રશ્નનો જવાબ ખબર નથી.નુશરતની ફિલ્મી સફર ૨૦૧૦માં શરૂ કરી હતી, જે વર્ષે સોનાક્ષી સિંહા અને શ્રદ્ધા કપૂરે પણ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યુ કર્યું હતું. નુશરતે કહ્યું હતું કે તેમની ત્રણની કૅરીઅરમાં સ્પષ્ટ ફરક જોઈ શકાય છે. તેણે કહ્યું હતું કે સ્ટાર કિડ્ઝને ફાયદો થાય છે, તે સ્પષ્ટ દેખાય છે. કારણ કે તેમનાં પરિવારો ઇન્ડસ્ટ્રીના લોકોને પહેલાંથી ઓળખે છે. તેણે કહ્યું,“એ લોકો જે જગ્યાએ પહોંચી શકે છે, ત્યાં હું પહોંચી શકતી નથી. એ લોકો એવાં બારણે ટકોરા મારી શકે છે, જે બારણાં અસ્તિત્વમાં છે એ પણ મને ખ્યાલ હોતો નથી. ” આ જ ઇન્ટરવ્યુમાં નુશરતે આગળ જણાવ્યું કે, પ્યાર કા પંચનામા પછી તે એક ફિલ્મ મેકરનો સંપર્ક કરવા માગતી હતી પણ તેની પાસે એનો નંબર જ નહોતો. તેણે અંતે કબીર ખાનનો સંપર્ક કર્યો, જેમણે જવાબ પણ આપ્યો અને મળવા માટે પણ સહમત થયા. નુશરતે એ પણ કહ્યું કે તે બીજા લોકોને “નેપો કિડ્ઝ” કહેવાનું ટાળે છે. પરંતુ ઇન્ડસ્ટ્રીના અંદરના લોકો માટે કોઈના સંપર્કમાં આવવું સરળ હોય છે. છતાં તેણે લવ રંજન, હંસલ મહેતા અને વિશાલ ફુરિયા જેવા ફિલ્મ મેકર્સનો આભાર માન્યો હતો.