પરમપાવન શ્રી વલ્લભાચાર્યજીનો જન્મ ૭મા મહિને અલૌકિક રીતે વિક્રમ સંવત ૧૫૩૫ના ચૈત્ર વદ-૧૧ના રોજ આંધપ્રદેશના છતીસગઢમાં ચૌડા ગામ પાસેના ચંપારણ્ય વનમાં થયો હતો. તેમના જન્મ સમયે નાનકડે દેહમાં ચેતન દેખાતું નહોતું. તેથી પ્રભુને મૃત ગણી તેમના માતા-પિતા પ્રભુને વસ્ત્રમાં લપેટી નજીકના ખીજડાના જીર્ણ વૃક્ષની બખોલમાં મૂકી આવ્યા. વન્ય પ્રાણીથી તેમને રક્ષણ આપવા આજુબાજુ ઝાડી,ઝાંખરા, ઘાસ, નાના નાના લાકડા વગેરે સળગાવ્યા. અગ્નિની ગરમીને કારણે બાળકમાં ચેતન આવ્યું અને તેના રડવાનો અવાજ સંભળાયો. માતા-પિતા અતિ પ્રસન્ન થઈ પુત્રને ઘેર લઈ આવ્યા.
પિતા લક્ષ્મણ ભટ્ટજીનો વિચાર વલ્લભને કાશીમાં વિદ્યાભ્યાસ કરાવવાનો હતો. તેથી પાંચ વર્ષની આયુમાં કાશીમાં પિતાએ અક્ષર આરંભ કરાવ્યો. સંવત ૧૫૪૨ ચૈત્ર સુદ નોમને રવિવારે તેમનો યજ્ઞોપવિત સંસ્કાર થયો એટલે કે જનોઈ આપવામાં આવી. બાળવલ્લભની લીલા પણ અલૌકિક હતી. તેઓ હંમેશાં પ્રભુભક્તિમાં જ મસ્ત રહેતા. બાળકોને ભેગા કરી ‘રામકૃષ્ણ ગોવિંદ’ની ધૂન ગવડાવતા. એક વખત ‘પયોદા’ નામની પોતાની ગાય મરવા પડેલી. પિતા લક્ષ્મણજીને તે ગાય ખૂબ વહાલી હતી. સૌ શોકમગ્ન હતા. એવામાં શ્રી બાળવલ્લભ આવી ચડ્યા અને ‘પયોદા..એ પયોદા, ઊઠોને’ એવી બૂમ પાડી ત્યાં જ મરણની ઘડીઓ ગણતી પયોદા જાણે કશું જ બન્યું ન હોય તેમ ઊભી થઈ ગઈ અને બાળવલ્લભને ચાટવા લાગી.
શ્રીવલ્લભે કાશીમાં વિદ્યાભ્યાસ પૂરો કર્યો અને ગ્રંથોનો આગળ અભ્યાસ કરવા તેઓ પોતાના મોસાળ વિજયનગરમાં ગયા. તે દરમ્યાન પિતા લક્ષ્મણ ભટ્ટજીને દક્ષિણની તીર્થયાત્રા કરવાની ઈચ્છા હતી; પરંતુ શ્રીવલ્લભ ૧૬ વર્ષના હતા ત્યારે પિતા વૈકુંઠધામ સિધાવ્યા. પિતાની ઈચ્છા પૂરી કરવી હતી તેથી માતાને લઈને તીર્થયાત્રા કરાવતા…કરાવતા જગન્નાથપુરી આવી પહોંચ્યા, ત્યાંથી ઉજ્જનૈ ગયા.
શ્રીમહાપુભજીએ વિજયનગરમાં જ્ઞાન સંપાદન તથા ગ્રંથલેખનનું જ્ઞાન પૂરતા પ્રમાણમાં લીધું હતું. હવે તેમનો વિચાર દેશમાં તીર્થાટન કરવાનો હતો. પોતાના બંને પરમશિષ્યો મિત્રો શ્રીકૃષ્ણદાસમેધન અને દામોદરદાસ હરસાનીને લઈ તેઓ ઉજ્જૈનથી પંઢરપુર આવ્યા અને ત્યાં ભીમરથી નદીને કાંઠે સૌથી પહેલું ભાગવત પરાયણ કર્યું. આ સ્થાન ‘શ્રીમહાપ્રભુજીની પંઢરપુરની બેઠક’ તરીકે પ્રસિદ્ધ છે. તેમણે ત્રણવાર ભારત પરિક્રમા પણ કરી છે.
શ્રીમહાપ્રભુજીની વય ૩૦ વર્ષની થઈ ત્યારે માતાની ઈચ્છા થઈ કે શ્રી વલ્લભ લગ્ન કરે. તેથી માતાજીની ઈચ્છાને માન્ય રાખી કાશીના દેવેન ભટ્ટના સુપુત્રી શ્રીમહાલક્ષ્મી સાથે મહાપ્રભુજી લગ્ન કર્યા લગ્ન પછી મહાપ્રભુને બે પુત્ર અવતર્યા, શ્રીવલ્લભ જ્યાં ત્યાં વેદ, શાસ્ત્ર, જ્ઞાન અને ધર્મને લગતા વાદવિવાદમાં ભલભલા પંડિતોને પરાસ્ત કરતા. પોતાની પ્રથમ ભારત પરિક્રમા વખતે જગન્નાથપુરીમાં શ્રેષ્ઠ મંત્ર, શાસ્ત્ર, દેવ અને કર્મ કયું છે એ વાદવિવાદનું સમાધાન કરતા તેમનો સર્વત્ર જયજયકાર થયો. બીજી ભારત પરિક્રમા વખતે બુંદેલ ખંડથી ગુજરાત આવી તેમણે ભાગવત પારાયણો કર્યાં. ગુજરાતમાં તેમને અનેક પ્રિય શિષ્યો મળતા.
સંવત ૧૫૪૯ શ્રાવણ સુદ-૧૧ ગુરુવારે ગોકુળમાં યમુના કિનારે ગોવિંદઘાટ પર આરામ કરતા હતા ત્યારે ભગવાને સ્વયં પ્રગટ થઈ દર્શન દીધા તો વલ્લાભાચાર્યે પ્રભુને પવિત્રા (લાલ, લીલા એવા રેશમી દૌરના હાર) ધરાવ્યા ત્યારથી આ દિવસ પવિત્ર એકાદશી’ નામે પ્રસિદ્ધ થયો.
બારસના દિવસે પોતાના પ્રિય શિષ્યને દીક્ષા આપી, સર્વને પોતાની પુત્ર પરંપરામાં દીક્ષા દેવાનો અધિકાર આપ્યો. દીક્ષાથી ભક્ત ‘વૈષ્ણવી’ કહેવાય. ગોવર્ધન પર્વત પર ગોવર્ધન ધરણનું પ્રાકટ્ય થયું અને શ્રી મહાપ્રભુજીએ પ્રભુનું વહાલસોયું નામ ‘શ્રીનાથજી’ જાહેર કર્યું. મહાપ્રભુશ્રીએ ભગવાન શ્રી બાલકૃષ્ણના વિહારસ્થાન વ્રજભૂમિમાં બાર વનોની ભક્તિભાવપૂર્વક પરિક્રમા કરવાનો સંકલ્પ કર્યો અને પૂર્ણ કર્યો ત્યારથી વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ મહત્ત્વની સૌથી મોટી દ્વાદશવની એટલે લીલી પરિક્રમા કરવાનો રિવાજ શરૂ થઈ ગયો.
બહુલાવનમાં મુસ્લિમ શાસક પાસે ગૌ-પૂજા શરૂ કરાવડાવી, મથુરાના સુબા કાજી રૂસ્તમ અલીએ યમુના સ્નાન બંધ કરાવ્યું હતું તે શરૂ કરાવ્યું. બાદશાહ સિકંદર લોદીને મહાપ્રભુજી પ્રત્યે ખૂબ આદરમાન ઉપજ્યું હતું તેથી તેમણે ત્યારના પ્રખ્યાત ચિત્રકાર હોનહાર પાસે શ્રીમહાપ્રભુજીનું ચિત્ર દોરાવ્યું. જેની એક નકલ કિસનગઢ અને એક નકલ કાંકરોલીમાં રખાઈ છે. વ્રજમાં શ્રીકૃષ્ણ ભક્તકવિ અંધસુરદાસ તથા શ્રીકૃષ્ણ ચૈતન્ય સાથે મેળાપ કરી પ્રભુજી અડેલ ગામ આવ્યા.
અડેલથી ગોવર્ધન ત્યાંથી કનારે નામની નગરી અને ત્યાંથી ગોકુળ પધાર્યા. આ બધા સમય દરમ્યાન તેમનું લેખનકાર્ય ચાલુ જ હતું, ત્યાં જ સંવત ૧૫૮૭ વૈશાખમાં તેમને આજ્ઞા થઈ કે પ્રભુ બોલાવી રહ્યા છે અને હવે આ દેહ છોડવાનો સમય આવી ગયો છે. તેથી તેઓ હનુમાનઘાટ ઉપર ગંગાજીને કિનારે આવી પહોંચ્યા અને મૌન ધારણ કર્યું. ભૌતિકદેહ છોડવાની અંતિમપળોએ પોતાના બંને પુત્રોના કહેવાથી મૌનવ્રત પણ સચવાય અને ઉપદેશ પણ અપાય એ રીતે વચનો કહ્યાં. ઉપદેશ આપ્યો અને કહ્યું કે ભગવાનના માર્ગમાંથી વિચલિત થશો તો કાળના પ્રવાહમાં રહેલ દેહ, મન વગેરેનો મોહ તમને ખાઈ જશે. તેથી સંપૂર્ણ સમર્પણભાવથી ગોપીશ્વર કૃષ્ણની સેવા કરો. કેમ કે કૃષ્ણની જ બલિહારી છે, તે જ બધું પાર પડે છે.
શ્રી મહાપ્રભુના આ ઉપદેશ સમયે સાક્ષાત્ શ્રીનાથજીએ પ્રગટ થઈ અને અભયવચન આપ્યું કે જો તને મારામાં, ગોપીજન વલ્લભમાં વિશ્વાસ હોય તો તું કૃતાર્થ થઈ જ ગયો છે. તારે હવે કંઈ જ વિચારવાનું રહેતું નથી. જે મને ભજશે તેને હું સાંભળીશ. મહાપ્રભુએ મૃત્યુકાળે જે ઉપદેશ આપ્યો તે વચનો ‘શિક્ષાશ્લોકા’ અને ‘અંતિમ વસિયતનામુ’ તરીકે જાણીતા છે.
સંવત ૧૫૮૭ની અષાઢ સુદ-બીજ-ત્રીજની પાવન તિથિએ રથયાત્રાના સમાપનની સાથે મહાપ્રભુજીએ જલસમાધી લીધી. જલસમાધીની સાથે જ એ જ્યોતિ પરજ્યોતિમાં જઈને ભળી ગઈ!
ઈ. પૂર્વે છઠ્ઠી સદીથી પણ પહેલાથી પ્રજા વિષ્ણુપૂજામાં માનતી. મધ્યકાળમાં વૈષ્ણવધર્મનો પ્રચાર કરવામાં રામાનુજાચાર્યાજી, વિષ્ણુ સ્વામીજી, નિમ્બાકજી અને મધ્યાચાર્યજીએ ઘણો શ્રમ લીધો હતો. આ ઉજ્જવળ પરંપરામાં શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ શ્રીમદ્ ભાગવત સાથે ઉમેરો કર્યો. તેમણે પુષ્ટિમાર્ગનો મહિમા સમજાવ્યો. પ્રજાને પ્રભુભક્તિમાં લીન કરી, તેને ગુરુકૃપાથી વશ કંઠમાં (ડોકમાં) પવિત્ર તુલસીમાળા ધારણ કરી, ઉર્ધ્વપુંડ તિલક કર્યું, તેઓએ આજ્ઞા કરી હતી કે ચાર જયંતી અને એકાદશીના વ્રત કરવા, ભાગવત ધર્મનું આચરણ કરવું. ભગવદ્લીલાનું શ્રવણ કરવું. જેમાં શ્રીહરિ ન હોય તેનો ત્યાગ કરવો. પ્રભુસેવા કરવી, ગરીબો પર દયા રાખવી, નીતિ અને નમ્રતાથી રહેવું, ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી મહાપ્રભુજીએ પોતાના નિર્મળ ધર્મજ્ઞાનથી સેંકડો શિષ્યો બનાવ્યા, પ્રજાનો ઉદ્ધાર કર્યો, કલ્યાણ માર્ગે વાળી.
તેમણે પુષ્ટિમાર્ગમાં ‘હવેલીસંગીત’ ને આગવું સ્થાન અપાવ્યું કેમ કે પ્રભુસેવામાં સંગીતનું વિશિષ્ટ સ્થાન છે. તેમના શિષ્યવૃંદમાં ૮૪ મહાનુભાવો વૈષ્ણવસંપ્રદાયમાં ખૂબ જાણીતા છે અને તેમના ચરિત્રો શ્રદ્ધાભાવથી ભરપૂર છે. તેઓએ ગૃહસ્થ માટે જે સોનેરી નિયમો આપ્યા છે. જો તેને આચરણમાં મૂકી તો ભવસાગર પાર કરી જવાય. મહાપ્રભુજીના ચરણોમાં વંદન.
Trending
- Sharad Purnima માના દિવસે ૫ વસ્તુઓનું દાન કરવાથી સૌભાગ્ય અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે
- Afghanistan પર ભારતની વ્યૂહરચનામાં અચાનક ફેરફાર ચીન અને પાકિસ્તાન માટે આંચકો બની શકે
- રિક્ટર સ્કેલ પર ૫.૭ ની તીવ્રતાવાળા શક્તિશાળી earthquake થી આર્જેન્ટિના હચમચી ગયું
- Ankita Lokhande ના પતિએ તેના પર પ્રેમ વરસાવ્યો;ઘરને સુંદર રીતે સજાવ્યું
- Mohammad Siraj મિશેલ સ્ટાર્ક પાસેથી ટેસ્ટ તાજ છીનવી લીધો, ૨૦૨૫ માં નંબર ૧ બેટ્સમેન બન્યો
- ભારતમાં યોજાનારા T20 World Cup માટે ત્રણ જગ્યા ખાલી, આ ૯ ટીમો વચ્ચે સ્પર્ધા
- Mirabai Chanu એ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો, ૧૯૯ કિલો વજન ઉપાડ્યું
- 04 ઓક્ટોબર નું પંચાંગ
Related Posts
Add A Comment