રૂ.૧.૦૪ લાખની રોકડ સાથે છ શખ્સોને પીસીબીની ટીમે ઝડપી લીધા
Rajkot,તા.26
શહેરના કિશાનપરા વિસ્તારમાં આવેલા પ્રભુકૃપા એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારધામ પર પીસીબીની ટીમે દરોડો પાડી , જુગાર રમતા છ શખ્સોને ઝડપી લઇ,જુગારના પટમાંથી રૂ.૧.૦૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગરીયા, ક્રાઈમ ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, ક્રાઈમ એસીપી ભરત બસીયા દ્વારા શહેરમાં દારૂ- જુગાર સહિતના ગુનાઓ સદંતર નાબૂદ કરવા આપેલી સૂચનાને પગલે, પીસીબની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કિશાનપરા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કમિશનર સોસાયટી શેરી નંબર ૨માં આવેલા પ્રભુ કૃપા એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતો આદિત્ય શૈલેષભાઈ મહેતા નામનો સખ્સ તેના ફ્લેટમાં જુગારધામ ચલાવી રહ્યો છે.પીસીબીની ટીમે બાતમીના આધારે પ્રભુ કૃપા એપાર્ટમેન્ટમાં ચાલતા જુગારના અખાડા પર દરોડો પાડી, જુગટુ રમતાં સંચાલક આદિત્ય મહેતા સહિત કેવડાવાડી શેરી નંબર ૧૨માં રહેતો રાજવીર ભરતભાઈ કાનગડ, કાલાવાડ ગામનો રમેશ બચુભાઈ મારકણા, જૂનાગઢમાં ધાલ રોડ પર રહેતો ફૈસલ છોટુભાઈ શેખ, માવડીમાં ઇસ્કોન એમ્બિટ એપાર્ટમેન્ટ 901માં રહેતો પ્રકાશ હરિભાઈ સતાસિયા અને ફૂલછાબ ચોક પાસે આવેલી તક્ષશિલા સોસાયટી છઠ્ઠા માળે રહેતો ધવલ ભરતભાઈ પારેખ નામના પત્તા પ્રેમીઓને ઝડપી લઈ, જુગારના પટ્ટમમાંથી રૂ.૧.૦૪ લાખની રોકડ કબ્જે કરી છે. આ દરોડાની કામગીરી પીસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ આર ગોંડલીયા, એમ જે હુણ, એ.એસ.આઇ મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, કોન્સ્ટેબલ નગીનભાઈ ડાંગર અને હિરેનભાઈ સોલંકી સહિતના સ્ટાફે કરી હતી.