New Delhi,તા.30
પહેલગામમાં હિન્દુ સહેલાણીઓની ઠંડે કલેજે હત્યાના આતંકી હુમલા બાદ પાકને હવે કાયમ માટે યાદ રહે તેવો બોધપાઠ આપવા માટે ભારતે શરૂ કરેલી તૈયારીમાં આજનો દિવસ નિર્ણાયક બની જશે.
ગઈકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક ઉચ્ચ કક્ષાની બેઠકમાં પાક સામે લશ્કરી પગલામાં સેનાને ખુલ્લી છુટ આપ્યા બાદ આજે પહેલગામ હુમલા બાદ પ્રથમ વખત ‘વોર-કેબીનેટ’ બેઠક મળશે અને સતત ચાર બેઠકો યોજાશે.
આજે સવારે 11 વાગ્યાના ટકોરે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના અધ્યક્ષતા હેઠળ કેબીનેટ કમીટી ઓન સિકયોરિટી (સલામતી બાબતોની કેબીનેટ કમીટીની) બેઠક મળશે. તે સાથે કેબીનેટ કમીટી ઓફ પોલીટીકસ અફેર્સ (રાજકીય બાબતોની કેબીનેટ બેઠક) યોજાશે.
ત્યારબાદ કેબીનેટ કમીટી ઓન ઈકોનોમીક અફેર્સ (આર્થિક બાબતોની કેબીનેટ) બેઠક મળશે અને અંતે વડાપ્રધાનના અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબીનેટની બેઠક મળશે જે સૈન્યના તમામ પગલાને સમર્થન આપશે અને હવે આગામી સમય પાકિસ્તાન માટે ભારે હોવાના સંકેત મળી ગયા હતા.
છેલ્લા એક સપ્તાહથી કેબીનેટની કોઈ બેઠક યોજાઈ ન હતી પણ હવેની બેઠકો તમામ નિર્ણયો પર મંજુરીની મહોર મારશે. વડાપ્રધાન શ્રી મોદીએ જે રીતે સેનાને ખુલ્લી છુટ આપી દીધી છે તેથી હવે સૈન્યએ તેના અલગ અલગ કમાન્ડોની બેઠકો પણ શરૂ કરી છે.
પ્રથમ વખત આ પ્રકારના ઓપરેશનમાં નૌકાદળની ભૂમિકા મહત્વની બની જશે. ખાસ કરીને પાકને લાંબાગાળાનો બોધપાઠ આપવા જે રીતે સિંધુ જળ સંધી સ્થગીત કરી દેવાઈ તથા વ્યાપાર રોકીને પણ પાક માટે મુશ્કેલી સર્જાય તે જ રીતે પાકના એકમાત્ર વ્યાપારી બંદર કરાચીની કામગીરી પણ મુશ્કેલ બનાવવા યોજના છે.
ભારતે આંતરરાષ્ટ્રીય મોરચે પણ પાકને જબરુ ઘેરી લીધુ છે અને સંયુક્ત રાષ્ટ્રસંઘ ચુંટણી પાકે કાગારોળ કરી છે પરંતુ કોઈ પ્રતિસાર મળ્યો નથી તો હવે લશ્કરી પગલામાં પાક કબ્જાનું કાશ્મીર જે ક્ષેત્ર ત્રાસવાદી લોન્ચપેડ જેવું બની ગયુ છે. ત્યાં પણ ભૂમીદળનું આક્રમણ થશે તેવું નિષ્ણાંતનું માનવું છે. આમ હવે ફકત સમયનો જ પ્રશ્ર્ન છે.
પાટનગર દિલ્હીમાં પહેલગામ હુમલાના પગલે સર્જાયેલા ઘટનાક્રમમાં ગઈકાલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના સતાવાર નિવાસે પહોંચ્યા હતા અને અહી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહ હાજર હતા.
શ્રી ભાગવત સાત લોકકલ્યાણ માર્ગ પર સંભવત પ્રથમ વખત પહોંચ્યા છે અને શ્રી મોદી, અમીત શાહ અને મોહન ભાગવત વચ્ચે વ્યાપક ચર્ચા થઈ હતી. તેઓ લગભગ દોઢ કલાક વડાપ્રધાન નિવાસે રોકાયા હતા. એક તરફ ભારત હવે પાક સામે પગલા લઈ રહ્યુ છે તે સમયે આ મુલાકાતને મહત્વની ગણવામાં આવે છે.
અગાઉ જ ભાગવતે એક વિધાનમાં પાકને જવાબ આપવો પડશે તેવું જણાવતા કહ્યું હતું કે રાજયનો ધર્મ પ્રજાની રક્ષા કરવાનો છે. આમ તેઓએ પણ સ્પષ્ટ રીતે પાક સામેની કાર્યવાહીને સમર્થન આપ્યુ હતું.