New Delhi તા.30
આજે અખાત્રીજના ઉતરાખંડમાં આવેલા ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ આજથી ખુલી રહ્યાં છે. આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો છે. ચારધામ યાત્રા માર્ગને 15 સુપરઝોન અને 217 સેકટરોમાં વહેંચવામાં આવેલ છે. પોલીસ તંત્રએ યાત્રામાર્ગ પર આ વખતે 624 સીસીટીવી કેમેરાને પણ સક્રીય કર્યા છે.
આજે અક્ષય તૃતીયા પર ગંગોત્રી તથા યમુનોત્રી ધામના કપાટ ખુલવાની સાથે ચારધામ યાત્રાનો વિધિવત શુભારંભ થઈ ગયો છે. મા ગંગાની પાલખી મુકવા ગામેથી ગઈકાલે અભિજીત મુહુર્તમાં ગંગોત્રી ધામ માટે રવાના થઈ. મા ગંગાના વિગ્રહથી પાલખીએ ગઈરાતે ભૈરોધારીમાં વિશ્રામ કર્યો હતો.
આજે અક્ષય તૃતીયાના ગંગોત્રીધામ પહોંચીને સવારે 10.30 કલાકે મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા. તેમ યમુનોત્રી ધામમાં યમુનાના આગમન અને યમુનાનુ પિયર ખરસાલી ગામમાં યમુનાજીની વિદાયની તૈયારીઓ કરાઈ હતી. આજે મા યમુનાજીની પાલખી સવારે 7.30 કલાકે ખરસાલી ગામથી યમુનોત્રીધામ જવા રવાના થઈ હતી.
ધામમાં પહોંચીને સ્નાન વગેરે બાદ બપોરના શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા. યાત્રા માર્ગ પર નવ એએસપી અને ડીએસપી સ્તરના અધિકારીઓને અલગ અલગ સ્થાનો પર કેમ્પ કરવાના નિર્દેશ અપાયા છે.
આ વર્ષે પ્રથમ વાર 10 કંપની અર્ધસૈનિક દળની માંગ કેન્દ્ર સરકાર પાસે કરવામાં આવી છે. આ વર્ષે સુરક્ષાના મજબૂત પ્રબંધ કરવામાં આવેલ છે. વિભિન્ન માર્ગો પર અધિકારીઓ તથા કર્મચારીઓને ગોઠવવામાં આવ્યા છે.