Ahmedabad, તા.3
IPL 2025ની 51મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 38 રને જીત નોંધાવીને ગુજરાત ટાઇટન્સે અમદાવાદમાં આ ટીમ સામે ન હારવાનો રેકોર્ડ જાળવી રાખ્યો હતો.
ટોસ હારીને પહેલાં બેટિંગ કરતાં ગુજરાતે પોતાના ત્રણેય ટોપ ઑર્ડર બેટર્સની ધમાકેદાર ઇનિંગ્સની મદદથી છ વિકેટે 224 રન ફટકાર્યા હતા. હૈદરાબાદ અભિષેક શર્માની 74 રનની ઇનિંગ્સ છતાં છ વિકેટે 186 રન જ બનાવી શક્યું હતું. આ મેદાન પર 2014 બાદ એક પણ મેચ ન જીતી શકનાર હૈદરાબાદની પ્લેઑફની રાહ મુશ્કેલ બની ગઈ છે.
10 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 38 બોલમાં 76 રનની ઇનિંગ્સ રમનાર ગુજરાતના કેપ્ટન શુભમન ગિલે પહેલી વિકેટ માટે સાઈ સુદર્શન (23 બોલમાં 48 રન) સાથે 87 રનની અને બીજી વિકેટ માટે જોસ બટલર (37. બોલમાં 64 રન) સાથે 67 રનની પાર્ટનરશિપ કરીને મોટા સ્કોરનો પાયો નાખ્યો હતો.
4000 IPL રન પૂરા કરનાર બટલરે ત્રીજી વિકેટ માટે વોશિંગ્ટન સુંદર (16 બોલમાં 21 રન) સાથે 57 રનની ભાગીદારી કરીને સ્કોર 200 રનને પાર પહોંચાડયો હતો.
હૈદરાબાદી બોલર્સની નબળી બોલિંગ સામે ગુજરાતે પોતાનો હાઈએસ્ટ 82 રનનો પાવરપ્લે સ્કોર પણ ખડકી દીધો હતો. હૈદરાબાદ માટે ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટે (35 રનમાં ત્રણ વિકેટ) અંતિમ ઓવરમાં માત્ર 12 રન આપી ત્રણ વિકેટ લઈને હોમ ટીમને મોટો સ્કોર કરતાં રોકી હતી.
225 રનના ટાર્ગેટ સામે હૈદરાબાદે ટ્રેવિસ હેડ (16 બોલમાં 20 રન) અને અભિષેક શર્મા (41 બોલમાં 74 રન) વચ્ચેની 49 રનની પાર્ટનરશિપથી શાનદાર શરૂઆત કરી હતી, પણ ગુજરાતના બોલર્સની ધારદાર બોલિંગને કારણે હૈદરાબાદના રન બનાવવાની ગતિ ઘટી ગઈ હતી
4 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકારનાર અભિષેક શર્મા 15મી ઓવરમાં કેચઆઉટ થયો ત્યાંથી જ વિશાળ ટાર્ગેટ ચેઝ કરવાની આશાઓ પર પૂર્ણવિરામ લાગી ગયું હતું. નીતીશ કુમાર રેડ્ડી (10 બોલમાં 21 રન) અને કેપ્ટન પેટ કમિન્સે (10 બોલમાં 19 રન) અંતિમ ઓવર્સમાં બાઉન્ડરીઓ ફટકારીને હારનું અંતર ઘટાડયું હતું. ગુજરાતના ફાસ્ટ બોલર્સ મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાને 2-2 સફળતાઓ મળી હતી.