ઢાંકણીયાની સીમમાંથી 78 લાખનો દારૂ અને વખતપરમાંથી 23.16 લાખનું કેમિકલ ઝડપાયું’તું,રેન્જ આઇજીનું આકરું પગલું
Rajkot,તા.04
સાયલા પોલીસ સ્ટેશનની હદમાં ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે એક મહિનાની અંદર બે વખત દરોડા પાડી કેમિકલ અને દારૂની કટિંગ ઝડપી પાડતા સાયલા પોલીસ શરમજનક સ્થિતિમાં મુકાઇ હતી. રેન્જ આઇજીએ સાયલ પોલીસ સ્ટેશનના નવ પોલીસ કર્મીની બદલી કરી છે જ્યારે મહિલા પી.એસ.આઇ. એમ.કે.પરમારને સસ્પેન્ડ કરવામાં આળ્યાં છે.
સાયલા તાલુકાના ઢાંકણીયાની સીમમાં એસએમસીની ટીમે ૨૯મી એપ્રિલના રોજ દરોડા પાડી રૂ. ૭૮ લાખનો દારૂ, ટ્રક, પીકઅપવાન સહિતનો રૂ.૧.૩૧ કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો હતો જ્યારે દરોડા સમયે બુટલેગર સહિતના આરોપીઓ નાસી છૂટયા હતા. આ અગાઉ ૨૩મી માર્ચના રોજ ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સાયલા વખતપરના પાટિયા પાસેથી તિરંગા હોટલ પાસેથી ૩૦,૦૯૦ લિટર કેમિકલ જપ્ત કર્યું છે. આ કેમિકલની કિંમત ૨૩.૧૬ લાખ રૂપિયા છે. સાથે જ ત્રણ વાહનો, મોબાઈલ, રોકડ રકમ, ખાલી બેરલ, કેરબા અને બે ઇલેક્ટ્રિક મોટર પણ જપ્ત કરવામાં આવી છે. જેના પગલે રાજકોટ રેન્જ આઇજી દ્વારા સાયલા પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી નવ પોલીસ કર્મીઓની જિલ્લા બહાર બદલી કરી હતી જ્યારે પીએસઆઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
નવ પોલીસમેનમાં લક્ષ્મણસિંહ ઝાલાને દેવભૂમિ દ્વારકા, મુકેશ મનજીભાઈ પરમારને દેવભૂમિ દ્વારકા, રમેશ મગનભાઈ શેખને જામનગર રણજીત બાવકુભાઈ જળુને દેવભૂમિ દ્વારકા, શેખાભાઈ અંબારામભાઈ રોજીયાને દેવભૂમિ દ્વારકા, નરેન્દ્રસિંહ સજુભા પરમારને દેવભૂમિ દ્વારકા, મજબૂતસિંહ બળદેવસિંહ રાણાને જામનગર, કુલદીપસિંહ બળવંતસિંહ રાઠોડને જામનગર, નિલેશભાઈ સોમાભાઈ ચાવડાને રાજકોટ ગ્રામ્યમાં બદલી કરવામાં આવી છે. જયારે એમ કે પરમાર (સાયલા મહિલા પીએસઆઇ)ને સસ્પેન્ડ કરીને હાલ દેવભૂમિ દ્વારકા બદલી કરવામાં આવી છે.