New Delhi,તા.06
આગામી સમયમાં પાકિસ્તાન સાથે પુરા યુદ્ધની શકયતાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે હવે દેશના સંવેદનશીલ ગણાતા 244થી વધુ જીલ્લાઓમાં નાગરિક સુરક્ષા માટેની ખાસ તૈયારીઓ શરૂ કરી છે. કેન્દ્રીય ગૃહ સચીવ શ્રી ગોવિંદ મોહન તથા ગૃહમંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ 22 રાજયોના મુખ્ય સચીવો સાથે બેઠક યોજશે.
જેમાં ગુજરાતના દરિયાઈ ક્ષેત્રના જીલ્લાઓમાં પણ યુદ્ધ સમયની તૈયારી- તકેદારી વિ.ની ચર્ચા થશે. આ બાદ આવતીકાલે તમામ 244 જીલ્લાઓમાં સિવિલ ડિફેન્સની ‘Mock drill’ એક સાથે યોજાશે. જેમાં ખાસ કરીને હવાઈ હુમલા સમયે બ્લેક આઉટ વિ. ઉપરાંત સંવેદનશીલ મથકોની સુરક્ષાના ઉપાયો નિશ્ચિત થશે.
સૌરાષ્ટ્રમાં કચ્છથી બનાસકાંઠાની પાકિસ્તાન સાથે લાંબી જમીની સરહદ ઉપરાંત પોરબંદરથી કચ્છ સુધીની દરિયાઈ સરહદ પણ છે. જયાં હાલ સરહદી સલામતી દળ અને કોસ્ટગાર્ડ સતત તૈનાત છે. જામનગરના નજીકના દરિયાઈ ક્ષેત્રમાં રીલાયન્સ સહિતની ઓઈલ રીફાઈનરી અને સમુદ્રી ક્ષેત્રના ઉદ્યોગો છે.
જામનગરમાં હવાઈ દળનું મથક છે અને પોરબંદરમાં કોસ્ટગાર્ડનું થાણુ છે. કચ્છમાં પણ પાકિસ્તાન સાથે સંવેદનશીલ દરિયાઈ-જમીની સરહદ છે. આમ જો યુદ્ધ થાય તો ગુજરાતમાં અનેક જીલ્લાઓમાં સિવિલ ડિફેન્સની કામગીરી મહત્વપૂર્ણ બની જશે.