વિમાની હુમલા વખતે કંઈ બાબતોનું ધ્યાન રાખવા માટે સામાન્ય જનતાને જાગૃત કરવાના ભાગરૂપે મોક ડ્રીલ યોજાઈ
New Delhi., તા.૭
ભારતીય સેનાએ આતંકવાદ વિરુદ્ધ ઓપરેશન સિંદૂર પાર પાડી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યા બાદ હવે ગૃહમંત્રાલયના નિર્દેશને ધ્યાને રાખી દેશભરમાં વ્યાપક મૉક ડ્રીલ યોજાઈ રહી છે. યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવા અને દુશ્મનના વિમાની હુમલા વખતે કંઈ બાબતોનું ધ્યાન રાખવા માટે સામાન્ય જનતાને જાગૃત કરવાના ભાગરૂપે આ મોક ડ્રીલ યોજાઈ રહી છે. દિલ્હીના ખાન માર્કેટમાં આજે (૭ મે) એક મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં સુરક્ષાદળો અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગે ભાગ લીધો હતો. નવી દિલ્હી સ્થિત ભાજપ હેડક્વાર્ટરમાં પણ મોક ડ્રીલ યોજાઈ છે. આ ઉપરાંત બેંગલુરુ, જયપુર, પુણે, હૈદરાબાદ સહિત દેશના અનેક રેલવે સ્ટેશનો સહિતના સ્થળોએ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું.
પંજાબના અમૃતસરમાં પોલીસ અને સિવિલ ડિફેન્સની ટીમોએ મળીને અભ્યાસ કર્યો હતો, જ્યારે મુંબઈના ક્રોસ મેદાનમાં અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પર પણ મોક ડ્રીલ યોજી યુદ્ધ જેવી પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.
મંગળવારે રાત્રે ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં હવાઈ હુમલા કરીને ૯ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો છે. ત્રણેય સેનાઓની આ સંયુક્ત કાર્યવાહીને ’ઓપરેશન સિંદૂર’ નામ અપાયું છે. પાકિસ્તાનમાં પ્રવેશ્યા વિના, ભારતીય સેનાએ ૧૦૦ કિમી અંદર બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્યાલય પર બોમ્બમારો કરી ઉડાવી દીધો છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં કુલ ચાર અને પીઓકેમાં પાંચ આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવાયા છે.