જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ૨૨ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા ૨૬ પર્યટકોને તેમનો ધર્મ પૂછીને હત્યા કરાયા બાદ ભારતે આજે તેમના ઘરમાં ઘૂસીને જવાબ આપ્યો છે. આખા પાકિસ્તાનમાં અફરાતફરીનો માહોલ છે. ભારતીય સેનાએ ખુદ જાહેર કર્યું કે તેણે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનની અંદર આવેલા ૯ ઠેકાણાંને નિશાનો બનાવ્યા છે. આ સૈન્ય નહીં, પણ આતંકી ઠેકાણાંને નિશાનો બનાવવામાં આવ્યા છે. બ્રહ્મોસ અને રાફેલ વિમાનોનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભારતીય સીમામાં ઘૂસેલા પાકિસ્તાનના એક એરક્રાફ્ટને પણ તોડી પડાયું છે. કહેવાય છે કે ભારતે જે પાક યુદ્ધ વિમાન તોડી પાડયું તે એફ-૧૬ હતું. પાકિસ્તાનેપ ણ માન્યું છે કે તેના ઠેકાણાંને નિશાનો બનાવવામાં આવ્યા છે અને તેણે તેને યુદ્ધની કાર્યવાહી ગણાવી છે. પાકિસ્તાનમાં મિસાઇલ હુમલાના વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં લોકોને સડકો પર બાઈક છોડીને ભાગતાં જોવામાં આવ્યા છે. પાકિસ્તાને પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. લગભગ ૨૦૦ આતંકીઓને ભારતે પોતાની કાર્યવાહીથી ફૂંકી મારીને બદલો લીધો છે.
પાકિસ્તાનના ગેરકાયદે કબ્જાવાળા કાશ્મીર જ નહીં, પરંતુ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ આતંકીઓના મોટા ઠેકાણાંને નિશાને પર લેવામાં આવ્યા છે. ગિન્નાયેલા પાકિસ્તાને પુંછ-રાજૌરી વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ગોળીબાર કર્યો છે. ભારતીય સેના તેનો જડબાતોડ જવાબ આપી રહી છે. કુપવાડામાં પણ ગોળીબારનો જવાબ અપાઈ રહ્યો છે. અમેરિકાએ કહ્યું છે કે અમે સ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે આ જલ્દી ખતમ થશે. આ તરફ કોંગ્રેસ પાર્ટીએ દેશની સુરક્ષા સાથે જોડાયેલ મામલે પણ રાજનીતિ શરૃ કરી દીધી છે. તેણે કહ્યું છે કે સુરક્ષા દળોને તેની જાણકારી નથી આપવામાં આવી. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શાહબાઝ શરીફે દેશના સુરક્ષા પરિષદની બેઠક બોલાવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ઇમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે. ત્યાંની હોસ્પિટલોમાં બેડ પણ નથી મળી રહ્યા. બહાવલપુરમાં જૈશે મોહંમદના મુખ્યાલયને પણ નિશાનો બનાવવામાં આવ્યું છે. હિઝબુલ અને લશ્કરના ઠેકાણાં પણ નિશાનો બનાવાયાં છે. અંતર એટલું આવ્યું છે કે સર્જિકલ સ્ટ્રાઇક વખતે પાકિસ્તાન છૂપાવતું હતું અને પુરાવા માગતું હતું, પરંતુ આ વખતે પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે જ સાફ કરી દીધું છે કે હુમલો થયો છે. કેનદ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત તમામ મંત્રીઓએ ભારત માતા કી જય સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે. કોઈપણ ઉશ્કેરણીજનક કાર્યવાહીનો જવાબ આપવા માટે સીમા પર એર ડિફેન્સ એક્ટિવેટ કરી દેવામાં આવ્યું છે. જ્યારે સંયુક્ત રાષ્ટ્રએ પણ ચિંતા વ્યક્ત કરી છે કે દુનિયા ભારત-પાકિસ્તાન યુદ્ધ સહન કરવાની સ્થિતિમાં નથી.