રાજકારણ કેટલું અધમ અને દેશઘાતી હોઈ શકે છે, તેનું તાજું ઉદાહરણ છે કોંગ્રેસ દ્વારા ઓપરેશન સિંદૂર પર વિદેશ મંત્રી જયશંકરના એક કથનને તોડી-મરોડીને રજૂ કરવું અને એવા ધડમાથા વગરના પ્રશ્નો ઊભા કરવા, જે પાકિસ્તાનને ગમી જાય. ઓપરેશન સિંદૂરને લઈને પાકિસ્તાનને ચેતવવા સંબંધી વિદેશ મંત્રીના નિવેદનને પહેલાં તો રાહુલ ગાંધીએ એ રૂપે પરિભાષિત કર્યું કે તેમણે તો પાકિસ્તાનને પહેલેથી જ સૂચના આપી દીધી કે અમે તેમના આતંકી ઠેકાણાં પર હુમલો કરવા જઈ રહ્યા છીએ. જોકે વિદેશ મંત્રાલય દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે જયશંકરે એવું કશું નથી કહ્યું, જેવું કોંગ્રેસી નેતા સમજી રહ્યા છે, પરંતુ રાહુલ ગાંધી પર કશી અસર ન પડી. તેમણે આ સવાલ પકડી રાખ્યો અને એ નિષ્કર્ષ પર પહોંચી ગયા કે જયશંકરને કારણે પાકિસ્તાન પહેલેથી જ ચેતી ગયું અને તેના પરિણામે આપણા યુદ્ઘ વિમાન નિશાનો બની ગયાં. શું કોઈ સાનભાન ધરાવતો વ્યક્તિ આવો વિચિત્ર નિષ્કર્ષ કાઢી શકે? પણ રાહુલ ગાંધી ગમે તે કરી શકે! તેઓ પોતાની આ વાહિયાત વાત પર હજુ મક્કમ છે, તેથી કોંગ્રેસના અન્ય નેતાઓ પણ તેમના રસ્તે ચાલી નીકળ્યા અને પાર્ટી પ્રવક્તા પવન ખેડાએ તો ત્યાં સુધી કહી દીધું કે વિદેશ મંત્રીએ જે કંઇ કહ્યું, તેને ચેતવણી આપવી નહીં, પરંતુ બાતમી આપવી કહેવાય!
પવન ખેડાનું માનીએ તો વિદેશ મંત્રીએ પાકિસ્તાની આતંકીઓને બચાવવાનું પાપ કર્યું છે. એ સ્વાભાવિક હતું કે પાકિસ્તાને રાહુલ ગાંધીના નિવેદનને હાથોહાથ લઈ લીધું અને ત્યાંના મીડિયાએ તેને પોતાના પક્ષમાં વાપરવાનું શરૂ પણ કરી દીધું. તેની પણ કોંગ્રેસ પ્રવક્તા ખેડાએ પોતાના હિસાબે વ્યાખ્યા કરી અને રાહુલ ગાંધીને જ સાચા ઠેરવવાની બાલિશ કોશિશ કરી. એની પણ અવગણના ન કરવી જોઇએ કે કોંગ્રેસ એનાથી ચિડાયેલી છે કે સરકારે પાકિસ્તાનને બેનકાબ કરવા અને આતંકવાદ વિરુદ્ઘ ભારતના દૃષ્ટિકોણને વ્યક્ત કરવા માટે બહુપક્ષીય પ્રતિનિધિમંડળો માટે તેના નેતા શશિ થરૂરની પસંદગી કેમ કરી લીધી? કોંગ્રેસે આ પ્રશ્ન કરતાં પહેલાં ખુદને પૂછવું જોઇએ કે ખુદ તેણે થરૂરનું નામ પ્રસ્તાવિત કેમ ન કર્યું, જેઓ કૂટનીતિના અચ્છા જાણકાર હોવાની સાથે જ પ્રભાવી વક્તા પણ છે? કોંગ્રેસનું વલણ એક જ બાબત સ્પષ્ટ કરે છે કે તેના માટે દેેશહિત કરતાં મોટું પક્ષહિત છે. આવી જ સંકીર્ણતા કોંગ્રેસના નેતૃત્વવાળા ઇન્ડી ગઠબંધનમાં પણ જોવા મળી રહી છે. તૃણમૂલ કોંગ્રેસે પોતાનો બિનજરૂરી વિરોધ નોંધાવવા માટે એમ કહ્યું કે વિદેશ જનારા પ્રતિનિધિમંડળોના સદસ્યોનું નામ સરકાર નક્કી ન કરી શકે. મમતા બેનર્જીના દબાણને કારણે તેના સાંસદ યુસૂફ પઠાણે પ્રતિનિધિ મંડળમાં સામેલ થવાની ના પાડી દેવી પડી. આખરે પોતાના ગઠબંધનને ‘ઇન્ડિયા’ કહેનારા આ કેવા નેતાઓ છે, જે ભારતના હિતની જ અવહેલના કરી રહ્યા છે?