Vadodara,તા.06
બરોડા ડેરીમાં દૂધ ભરતી મેરાકુવા દૂધ મંડળીના પ્રમુખ-મંત્રી સામે આખરે મૃતકોના નામે દૂધ લઇ રૃ.૩૯લાખ ચૂકવવા બદલ ડેસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
ડેસર તાલુકાના મેરાકુવા દૂધ મંડળીમાં પાંચ મૃતકોના નામે દૂધ ભરીને રૃ.૩૯લાખ ચૂકવવામાં આવ્યા હોવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની સાવલીના ધારાસભ્યએ રજૂઆત કરતાં બરોડા ડેરી,જિલ્લા પોલીસ અને જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં પોલીસે ગુનો બનતો હોવાનું તારણ કાઢતાં જિલ્લા રજિસ્ટ્રારે આ ગુનામાં પોલીસ ફરિયાદ નોંધવાનો હુકમ કર્યો હતો.
જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં આસિ.સહકારી અધિકારી તરીકે ફરજ બજાવતા રાજેશભાઇ માનેએ ડેસર પોલીસ સ્ટેશનમાં મેરાકુવા દૂધ મંડળીના પ્રમુક રાવજીભાઇ મંગળભાઇ પરમાર અને મંત્રી વિક્રમસિંહ રઘુનાનસિંહ પરમાર(બંને રહે.મેરાકુવા,ડેસર)સામે ફરિયાદ નોંધાવી હતી.જેમાં તેમણે કહ્યું છે કે,પાંચ સભાસદ મૃત્યુ પામ્યા હોવા છતાં તેમના નામની સહી અને અંગૂઠા મારફતે અધિકારપત્ર તૈયાર કરી દૂધ ભરવામાં આવતું હતું અને તેની સામે રૃપિયા પણ ચૂકવવામાં આવ્યા હતા.જેથી ડેસર પોલીસે જુદીજુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.