Ahmedabad,તા.7
રાજકોટથી માંડીને કોઈપણ શહેરમાં ખાદ્યપદાર્થોમાં જીવાત નિકળવાની ઘટનાઓ વખતોવખત પ્રકાશમાં આવે છે ત્યારે માંડ 10 ટકા રેસ્ટોરા જ પેસ્ટ કન્ટ્રોલ સર્ટીફીકેટ ધરાવતા હોવાનો ખુલાસો થયો છે.
છેલ્લા એક વર્ષમાં અમદાવાદની ફાઈવ સ્ટાર હોટેલથી માંડીને નાની હોટેલ અને રેસ્ટોરન્ટમાં જીવાતો નીકળવાની ઘટનાઓ સામે આવી છે. અમદાવાદની કુલ 3628 ખાણીપીણીની હોટેલ, રેસ્ટોરેન્ટસ અને સ્ટ્રીટ ફૂડના રજીસ્ટર્ડ આઉટલેટમાંથી માત્ર 10 ટકા હોટેલોએ પણ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ મેળવ્યું છે.
ત્રણ હજારથી વધુ હોટલોમાં જીવાતોને નિયંત્રિત કરવાની કોઈ પોલીસી નથી. વર્ષ 2023માં અમદાવાદમાં 2214 રેસ્ટોરન્ટ કેટેગરીની હોટલો હતી. જેમાં ચાર ટકાનો વધારો થયો છે.
વધતો જતો સ્વાદ રસિયાઓનો પ્રવાહ, હોટલના કિચનમાં નિયમિત સ્વચ્છતાનો અભાવ અને ટ્રેઈન્ડ સ્ટાફમાં શિસ્તના અભાવને કારણે વારંવાર જીવાતો અને વાસી ખાદ્ય પદાર્થોની ફરીયાદો આવી રહી છે. માત્ર સામાન્ય હોટેલો જ નહીં ઘણીવાર ફાઈવ સ્ટાર કક્ષાની હોટલોમાં પણ સ્વચ્છતાની ફરીયાદો જોવા મળી છે.
જાણીતી રેસ્ટોરેન્ટના માલિક જણાવે છે કે, ’દરેક હોટેલ અને રેસ્ટોરન્ટે પેસ્ટ કંટ્રોલ પોલીસી અનુસરવી જરૂરી છે. તેને લગતી એજન્સીઓ અને સ્વચ્છતાના ધોરણો છે. પરંતુ જે રીતે હોટલોમાં ગ્રાહકોનો ધસારો છે તેની સામે કોઈની પાસે સ્વચ્છતા જાળવવાનો સમય નથી રહેતો એ મોટી વિડંબના છે. મોટા ભાગે આવી કોઈપણ ઘટના બને ત્યારે ગ્રાહક સાથે સમાધાન કરી લેવામાં આવે છે.