Mumbai,તા.16
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપનાં ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલીયાને હરાવીને ઈતિહાસ રચી દીધો છે. ત્યારે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપનું 2025-2027 નું નવુ શિડયુલ જાહેર થયું છે. ત્રણ વર્ષનાં આ શિડયુલમાં 27 સીરીઝમાં 71 ટેસ્ટ મેચ રમાશે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ચોથી સીઝનનો લીગ-તબક્કો 17 જૂને બંગલાદેશ અને શ્રીલંકા વચ્ચેની સિરીઝથી શરૂ થશે અને માર્ચ 2027માં પાકિસ્તાન-ન્યુ ઝીલેન્ડની ટેસ્ટ-સિરીઝ દરમ્યાન પૂર્ણ થશે.
2025-2027ની આ સીઝનમાં નવ ટીમો વચ્ચે 27 સિરીઝમાં 71 મેચ રમાશે જેમાં પોઇન્ટ્સ ટેબલ પર ટોચની બે ટીમ ફાઇનલ માટે ક્વોલિફાય થશે. દરેક ટીમ ત્રણ ઘરઆંગણે અને ત્રણ વિદેશમાં એમ છ ટેસ્ટ-સિરીઝ રમશે જેમાં દરેક સિરીઝમાં બેથી પાંચ ટેસ્ટ-મેચનો સમાવેશ થશે.
આ સીઝનમાં સૌથી વધુ બાવીસ મેચ ઑસ્ટ્રેલિયન ટીમ રમશે જે પચીસ જૂનથી વેસ્ટ ઈન્ડીઝ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ લિસ્ટમાં ઇંગ્લેન્ડ (21 મેચ) અને ભારત (18 મેચ) અનુક્રમે બીજા અને ત્રીજા ક્રમે છે. ભારત આગામી 20 જૂનથી પાંચ મેચની સિરીઝથી પોતાની આ સીઝન શરૂ કરશે.
WTC 2023-2025માં યશસ્વી જયસ્વાલે સૌથી વધુ ફોર-સિક્સ અને ફિફ્ટી ફટકારી
પહેલી બે સીઝનની જેમ ન્યુ ઝીલેન્ડ (વર્ષ 2021) અને ઑસ્ટ્રેલિયા (વર્ષ 2023) બાદ ત્રીજી સીઝનમાં પણ સાઉથ આફ્રિકા (વર્ષ 2025) રૂપે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC )ને નવો ચેમ્પિયન મળ્યો.
2023-’25ની આ સીઝન દરમ્યાન વિરાટ કોહલી, રોહિત શર્મા, આર. અશ્વિન, જેમ્સ ઍન્ડરસન, સ્ટુઅર્ટ બ્રોડ, ડેવિડ વોર્નર અને ટિમ સાઉધી જેવા સ્ટાર ક્રિકેટર્સની વિદાય થઈ.
આ સીઝનમાં બંગલાદેશે પહેલી વાર પાકિસ્તાનને ટેસ્ટ-સિરીઝમાં હરાવ્યું, ભારત વર્ષ 2012 બાદ પહેલી વાર ઘરેલુ મેદાન પર ટેસ્ટ-સિરીઝ હાર્યું અને સાઉથ આફ્રિકાએ 21મી સદીમાં પહેલી વાર ICC ટ્રોફી પણ જીતી. ક્રિકેટના પરંપરાગત ફોર્મેટની આ ટુર્નામેન્ટને કેટલાક ક્રિકેટર્સે પોતાના શાનદાર પ્રદર્શનથી રોમાંચક બનાવી દીધી હતી.
દરેક ટીમની ટેસ્ટ-મેચની સંખ્યા
ઑસ્ટ્રેલિયા : 22
વેસ્ટ ઇન્ડીઝ : 14
ઇંગ્લેન્ડ : 21
પાકિસ્તાન : 13
ભારત : 18
બંગલાદેશ : 12
ન્યુ ઝીલેન્ડ : 16
શ્રીલંકા : 12
સાઉથ આફ્રિકા : 14