Bhavnagar,તા.17
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં નૈઋત્ય ચોમાસાની વિધિવત એન્ટ્રી સાથે જ મેઘકૃપા શરૂ થઈ ગઈ હોય તેમ સમગ્ર સૌરાષ્ટ્ર હળવા-ભાડે વરસાદમાં ભીંજાયુ હતું. ખાસ કરીન ભાવનગર-અમરેલી તથા બોટાદ જીલ્લામાં મેઘરાજાએ ભુકકા કાઢયા હતા. અનરાધાર વરસાદને કારણે આ જીલ્લાઓમાં 65 લોકોનું રેસ્કયુ કરવામાં આવ્યુ હતું. કચ્છમાં પણ મેઘરાજાએ મહેર વરસાવી હતી.
ભારતમાં નૈઋત્ય ચોમાસાના વ્હેલા આગમન બાદ અધવચ્ચે અટવાઈ ગયા બાદ રવિવારથી ફરી સક્રીય શરૂ થયુ હતું. આગળ વધવા સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સાગરકાંઠાના ભાગોમાં પ્રવેશ કરી લીધો હતો અને તે સાથે જ સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘસવારી શરૂ થઈ હતી.
સૌરાષ્ટ્રના તમામ ભાગોમાં હળવો-ભારે વરસાદ હતો પરંતુ ભાવનગર, અમરેલી તથા બોટાદમાં જોર વધુ હતું. બોટાદ જીલ્લામાં અનરાધાર વરસ્યો હોય તેમ ગઢડામાં 14 ઈંચ ખાબકયો હતો. બોટાદ શહેરમાં 11 ઈંચ, બરવાળામાં અઢી ઈંચ તથા રાણપુરમાં બે ઈંચ વરસાદ થયો હતો.
ભાવનગર જીલ્લામાં પણ મેઘરાજા તૂટી પડયા હતા. પાલીતાણા તથા શિહોરમાં 12-12 ઈંચ વરસાદ ખાબકયો હતો. મહુવામાં 9 ઈંચ, જેસરમાં 11 ઈંચ, ઉમરાળામાં સાડા દસ ઈંચ વરસાદ થયો હતો. ભાવનગર શહેરમાં સાડા ત્રણ ઈંચ, ગારીયધારમાં 6 ઈંચ, ઘોઘામાં અઢી ઈંચ, તળાજામાં 6 ઈંચ તથા વલ્લભીપુરમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો.
અમરેલી જીલ્લામાં પણ જોરદાર મેઘસવારી હતી. સાવરકુંડલામાં 10 ઈંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકાર હતો. તલગાજરડા સહિતના ગામો બેટમાં ફેરવાયા હતા. આ સિવાય રાજુલામાં સાડા સાત ઈંચ, અમરેલી શહેરમાં સાત ઈંચ, બાબરામાં પાંચ ઈંચ, ખાંભામાં ચાર ઈંચ વરસાદ હતો. ભારે વરસાદમાં નદી-નાળામાં પુર ઉમટયા હતા અને નીચાણવાળા ભાગો જળબંબાકાર બન્યા હતા.
અનરાધાર વરસાદને પગલે ભાવનગર જીલ્લાના તલગાજરડા તથા રાતોલ ગામે શાળાના 35 વિદ્યાર્થી ફસાયા હતા જેઓને રેસ્કયુ કરવામાં આવ્યા હતા. આ સિવાય રાજુલાના પીપાવાવ પોર્ટ પર ફસાયેલા 24 લોકોને કોસ્ટગાર્ડે બચાવ્યા હતા.
સાવરકુંડલાના ફીફાદ ગામે 6 લોકોનુ રેસ્કયુ કરાયુ હતુ. પુરથી બચવા એક વ્યક્તિ ઝાડ પર ચડી જતા ફાયરબ્રિગેડે બચાવ્યા હતા. રેસ્કયુ ઓપરેશન માટે ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી.
ભાવનગર, બોટાદ, અમરેલી સિવાય સુરેન્દ્રનગરમાં 6 ઈંચ સુધી, રાજકોટ-મોરબી જીલ્લામાં 4 ઈંચ સુધી, જુનાગઢ તથા ગીર સોમનાથમાં અઢી ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. પ્રથમ વરસાદમાં જ જામનગર, પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા સિવાયના તમામ વિસ્તારોમાં પાણી વરસતા ખેડુતો ખુશખુશાલ થયા હતા.