Mumbai,તા.18
સોના-ચાંદીના ભાવમાં જબરદસ્ત વધારાને કારણે મલ્ટી એસેટ એલોકેશન ફંડોએ છેલ્લાં એક વર્ષમાં રિટર્ન આપવામાં સૌને પાછળ છોડી દીધાં છે. ડોલરની દ્રષ્ટિએ જોઈએ તો એક વર્ષમાં સોનામાં 45 ટકાનો ઉછાળો આવ્યો છે, ચાંદીમાં 22.6 ટકાનો ઉછાળો નોંધાયો છે.
આ સાથે મલ્ટી એસેટ ફંડ્સે એક વર્ષમાં સરેરાશ 9.2 ટકાનું વળતર આપ્યું છે. સોના-ચાંદીમાં ઊંચું એક્સપોઝર ધરાવતાં ફંડોએ 17 ટકા સુધીનું રિટર્ન આપ્યું છે.
જો કે, 5 વર્ષનાં સમયગાળામાં રિટર્નના મામલે હજુ પણ સ્મોલ અને મિડ-કેપ્સ ટોચ પર છે. સોનામાં ઊંચા વળતર છતાં રોકાણકારોએ સિલ્વર ઈટીએફમાં વધુ નાણાં મૂક્યાં છે. સિલ્વર ઈટીએફમાં મે મહિનામાં રૂ.854 કરોડનો ઇનફ્લો જોવા મળ્યો હતો.
ગોલ્ડ ઈટીએફમાં આ રકમ માત્ર 292 કરોડ રૂપિયા હતી. અમ્ફીના જણાવ્યાં અનુસાર, સિલ્વર ઇટીએફ ફોલિયો 2025 ના પહેલાં પાંચ મહિનામાં 35% વધીને 8.38 લાખ રૂપિયા પર પહોંચી ગયો છે. તેની સરખામણીએ ગોલ્ડ ઇટીએફ ફોલિયોમાં 15 ટકાનો વધારો થયો છે.
લાર્જ-કેપ ફંડમાં રોકાણ સતત ઘટી રહ્યું છે. મોર્નિંગસ્ટારના મતે લાર્જ-કેપમાં એક વખતનું રોકાણ મળી રહ્યું છે અને એસઆઈપીથી સ્મોલ મિડકેપ્સમાં રોકાણ મળી રહ્યું છે. રોકાણકારો હાઇબ્રિડ અને પ્લેક્સિકેપ ફંડ દ્વારા લાર્જ-કેપ શેરોમાં રોકાણ કરી રહ્યા છે.
ચાંદીને અહીંથી વધુ ભાવ મળી રહ્યો
ઔદ્યોગિક માંગ વધવાને કારણે ચાંદીનાં ભાવમાં હજુ વધારો થઈ શકે છે. નવા જમાનાની ઇકો ફ્રેન્ડલી ટેકનોલોજી જેવી કે સોલાર પેનલ અને ઇલેક્ટ્રિક વાહનોમાં ચાંદીનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે, ગ્રીન ટેકનોલોજીના કારણે ચાંદીની માંગમાં સતત વધારો થઇ રહ્યો છે.