New Delhi, તા. 17
આર્જેન્ટિના અને સ્પેન વચ્ચે રમાવા જઈ રહેલાં વર્લ્ડ કપ ફૂટબોલના ફાઇનલ મુકાબલા પહેલાં 19 વર્ષ જૂની એક તસવીર ફરી ચર્ચામાં છે. વર્ષ 2007ની આ તસવીરમાં ફૂટબોલના સુપરસ્ટાર લિઓનલ મેસીએ ત્યારે 6 મહિનાના લેમિન યમાલને ખોળામાં લીધો હતો અને તેને બાથટબમાં નવડાવ્યો પણ હતો. એ જ યમાલ હાલમાં સ્પેનનો સ્ટાર ફૂટબોલર છે. રવિવારે દુનિયા આર્જેન્ટિનાના 39 વર્ષના મેસી અને સ્પેનના 19 વર્ષના યમાલ વચ્ચેના ‘જંગ’ની સાક્ષી બનશે.
2007માં 20 વર્ષના મેસી અને 6 મહિનાના યમાલની આ તસવીર યુનિસેફના ચેરિટી ફોટોશૂટ દરમિયાન લેવામાં આવી હતી. આ ફોટોશૂટમાં બાર્સિલોનાના ખેલાડીઓ સાથે ભાગ લેવા માટે લકી ડ્રો દ્વારા આસપાસનાં પરિવારોની પસંદગી કરવામાં આવી હતી. આમાં યમાલના પરિવારે ડ્રો જીત્યો હતો.
આ તસવીરને કેમેરામાં કેદ કરનાર ફ્રીલાન્સ ફોટોગ્રાફર જોન મોનફોર્ટે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે મેસી ખૂબ શરમાળ છે. તે રૂમમાંથી બહાર આવી રહ્યો હતો અને અચાનક તેને પ્લાસ્ટિકનાં ટબમાં બાળક(યમાલ)ને નવડાવવા માટે કહેવામાં આવ્યું.
તેને એ પણ નહોતી ખબર કે બાળકને કેવી રીતે પકડવું. તે દિવસે કોઈએ વિચાર્યું નહોતું કે આ તસવીર એક દિવસ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બનશે. જો કે આ ફોટો ઘણાં વર્ષો સુધી અજ્ઞાત રહ્યો, પરંતુ 2024માં ત્યારે વાયરલ થયો જ્યારે યુરો કપ દરમિયાન યમાલના પિતાએ તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.
મેસી 39 વર્ષની ઉંમરે પણ સાબિત કરી ચૂક્યો છે કે તેની મહાનતા કોઈ ઉંમરની મહોતાજ નથી. બીજી તરફ, યમાલ સ્પેનના સૌથી મોટા સ્ટાર્સમા સામેલ છે. બંને પહેલીવાર એકબીજા સામે આટલી મોટી મેચ રમવા જઈ રહ્યાં છે. આ મેચને એક પેઢીથી બીજી પેઢી સુધી ફૂટબોલનો વારસો સોંપવાના પ્રતીક તરીકે પણ જોવામાં આવી રહી છે.

