Vadodara,તા..23
વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાનો ઈ-મેલ મળતાં ફરી એકવાર દોડધામ મચી ગઈ છે. આ ઘટના સતત બીજી વખત બની હોવાથી વાલીઓની ચિંતામાં મોટો વધારો થયો છે.
અજાણ્યા ઇસમે ઈ-મેલ દ્વારા ધમકી આપતાં તાત્કાલિક ધોરણે શાળામાંથી બાળકોને રજા આપી દેવામાં આવી હતી અને વાલીઓ પોતાનાં સંતાનોને લેવા માટે શાળાએ દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ, બોમ્બ- સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને શાળા પરિસરમાં સઘન તપાસ શરૂ કરી હતી, જોકે હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે સમા વિસ્તારમાં આવેલી નવરચના સ્કૂલના પ્રિન્સિપાલને સ્કૂલમાં બોમ્બ મુકાયાનો એક ઇ-મેલ મળ્યો હતો.
એમાં દર્શાવાયું હતું કે સ્કૂલમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને સ્કૂલમાં બપોરે 2:00 વાગ્યા સુધીમાં એ બોમ્બ ફાટી જશે. એને પગલે બોમ્બ-સ્ક્વોડ અને ડોગ-સ્ક્વોડ સહિતની ટીમોએ તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત સાયબર ક્રાઇમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે.
હજી સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. ધમકીભર્યા મેસેજને પગલે સ્કૂલમાં બાળકોને રજા આપી દેવામાં આવી હતી. અમે આખી સ્કૂલને ચેક કરી રહ્યા છે.24 જાન્યુઆરીમાં ડાર્કવેબ પરથી ધમકીભર્યો ઇ-મેલ મળ્યો હતો.
24 જાન્યુઆરીએ વહેલી સવારે 3:49 વાગ્યે ભાયલી નવરચના સ્કૂલનાં પ્રિન્સિપાલ કાશ્મીરા જયસ્વાલને ધમકીભર્યો ઈ-મેલ ડાર્ક વેબ પરથી મળતાં અફરાતફરી મચી ગઈ હતી.