“બોલો કાકા શું તકલીફ છે?” બહાર પ્રાંગણમાં ગોકીરો કરી રહેલા સિક્યુરિટી ગાર્ડને કોન્સ્ટેબલ સાથે અંદર આવવાનો હુકમ કર્યા બાદ, જાડેજા સાહેબે, કોન્સ્ટેબલ સાથે ચેમ્બરમાં પ્રવેશેલા પ્રમાણમાં મોટી ઉંમરના સિક્યુરિટી ગાર્ડને પૂછ્યું.
“સાયબ મારું નામ ગિરધારીલાલ સે, હું છેલ્લા વિહ વરહથી સિકુરિટી ગાર્ડની બાજુના બિલ્ડિંગમાં નોકરી કરું સું, છેલ્લા કેટલાય દિ’થી મારા રોજના પગારમાંથી મારો સેઠ મને રોજ આપતો નથી, કેટલીયવાર રાવ કરવા હું આ જમાદાર પાહે આવું સૂં,”
સાથે ઉભેલા કોન્સ્ટેબલ સમક્ષ ઈશારો કરી કાકાએ સાહેબને આપવીતી વર્ણવતા આગળ ચલાવ્યું,
“હર ફેરે મને આ જમાદાર બારથી જ ભગાડી દયે સે, ના છૂટકે, આજે મેં એને કીધું કે, જો આજે તમે મારી રાવ નહીં લિયોને તો, તો હું અહીં જ ‘મૂવો’ થાય, સાયબ મારે સાર (ચાર) જુવાન દીકરીયુ સે અને પૈસાની ખૂબ તાણ સે” વાત કરતા કરતા કાકાની આંખમાં આંસુ આવી ગયા.
કાકાની વાત સાંભળી જાડેજા સાહેબને કાકાની દયા આવી ગઈ, પરંતુ, ચોકસાઈ કરવાના ઈરાદાથી તેણે પૂછ્યું કે, “કાકા જો, તમારો શેઠ તમને પગાર નથી આપી રહ્યો તો તમે નોકરી શા માટે કરી રહ્યા છો છોડી કેમ નથી દેતા?”
“સાયબ, ઈ બિલ્ડિંગમાં છેલ્લા આઠ વરહથી કામ કરું સું, ઈ લોકોને મારી ઉપર વિશ્વાહ પણ આવી ગયો સે એટલે આખા બિલ્ડિંગની ગાડીયુ ધોવાનું કામ મને મયડુ સે, હવે જુઓ ન્યાંથી મારું સિકૂરીટીનું કામ મેલાઈ જાય તો, ગાડીઓ ધોવાનું કામ પણ મેલાઈ જાય, મારા સેઠિયાને ઈ ખબર સે એટલે ફાયદો લે સે, ઈ કે’સે મને નોકરી સે એટલે ગાડી ધોવા મળે સે પણ સાયબ તમે જ કયો, હું નોકરીના ટેમમાં ક્યાં ગાડી ધોવ સું?”
ભાઈ મને કેમ ખબર હોય કે તમે કયા ટાઈમમાં, ક્યાં, ‘શું’ ધુઓ છો? જાડેજા સાહેબને આવું બોલવાનું મન થઈ આવ્યું પણ તેમણે કાકાની દયનીય હાલત જોઈ, મનમાં ઊઠેલી રમુજને ટાળી પોતાના શબ્દો બદલી કાકાને પૂછ્યું, “તો પછી તમે ગાડીઓ કયા ટાઈમમાં ધોઓ છો, કાકા?”
“સવારે આઠથી રાતે આઠ લગણ 12 કલાક સિકૂરિટીની નોકરી અને પ’સે મોડી રાત હૂધી ગાડીયુ, સાયબ અને બાકી રહી જાય ઈ બીજે દિ વેલી સવારે”
ગિરધરલાલે પોતાની અસલ તળપદી શૈલીમાં જવાબો આપ્યા, અનુભવી જાડેજા સાહેબને ગિરધરલાલની વાતમાં સચ્ચાઈનો રણકો મહેસૂસ થઈ રહ્યો હતો અને તેની અત્યંત કંગાળ હાલત જોઈ દયા પણ આવી રહી હતી, એ સ્પષ્ટપણે સમજી રહ્યા હતા કે સિક્યુરિટી એજન્સીનો માલિક કાકાની હાલતનો ફાયદો ઉઠાવી ચોખ્ખે ચોખ્ખું તેમનું શોષણ કરી રહ્યો હતો.
“ત્રિવેદી, સિક્યુરિટી એજન્સીના માલિકના નામ સરનામા સાથે કાકાની વિધિવત ફરિયાદ નોંધી, નીચે કાકાની સહી લઈ લે, જો કાકાને સહી કરતા ન આવડતુ હોય તો, તેમના ડાબા હાથના અંગૂઠાનું નિશાન લઈ લે અને એવી કાર્યવાહી કર કે ફરીથી ક્યારેય કાકાને ફરિયાદ કરવા આ પોલીસ સ્ટેશનનું પગથિયું ન ચડવું પડે આટલી કાર્યવાહી કરી અને મને તું તાત્કાલિક આવીને તારો લેખિત જવાબ નોંધાવ, કે, આટલા બધા દિવસો સુધી, તે, આ વડીલની ફરિયાદ લીધી કેમ નહીં?” સાહેબના આદેશમાં ભયંકર ગુસ્સાની ઝલક પારખી ગયેલા કોન્સ્ટેબલ ત્રિવેદીના પેટમાં ગોટો ચડવા લાગ્યો.
કોન્સ્ટેબલ ત્રિવેદી તરફથી નજર હટાવી જાડેજા સાહેબે કાકા તરફ ફરી અને અતિ વિનમ્ર અવાજે કહ્યું, મારા કોન્સ્ટેબલની બેદરકારી માટે હું આપની માફી માગું છું કાકા અમે એવી કાર્યવાહી કરીશું કે આપને કોઈ પણ પ્રકારની ફરિયાદ નહીં રહે.” સાથે જ જાડેજા સાહેબે ખિસ્સામાંથી પોતાનું વોલેટ કાઢી અંદરથી કડકડતી 500-500ની બે નોટ કાકાના હાથમાં આપવા પ્રયાસ કર્યો,
“ના, સાયબ મને નો ખપે”,
“કાકા, મૂંંજાઓમાં, તમારો પગાર નથી થતો ત્યાં સુધી તમને ખેંચ ન પડે તે માટે આપું છું, એવું લાગે તો, ઉછીના સમજીને રાખો, પગાર થાય ત્યારે પાછા આપી જજો”
જાડેજા સાહેબ મનોમન ગરીબ માણસની ખુમારી પર વારી ગયા હતા.
“સાયબ મને ખાતરી સે કે, હવે મારો પગાર થઈ ઝાહે, અટાણ લગણ બધાય જમાદારને લેતા જોયાસ, તમે પેલા સો જે આપો સો, ઇ પણ કોઈ ઓરખાણ કે હારથ (સ્વાર્થ) વગર, આવા જમાદાર લગણ મારી રાવ પોગી ગઈ, હવે મારું કામ તો થઈ જ ઝાહે”. બોલતા બોલતા થોડીવાર પહેલા રડમસ રહેલા કાકા હવે ગેલમાં આવી ગયા અને સાથે જાડેજા સાહેબ પણ મનોમન મલકાયા કારણ કે, કાકા માટે હવાલદાર હોય કે ઇન્સ્પેક્ટર બધા જ લોકો ‘જમાદાર’ હતા.
“સાયબ મારો રામ તમારી ઈચ્છા પૂરી કરે”
આટલું બોલી, કોન્સ્ટેબલ ત્રિવેદી સાથે કાકા પણ જાડેજા સાહેબની ચેમ્બરની બહાર નીકળ્યા.
‘સીકૂરીટી’, ‘જમાદાર’, ‘મૂવો’, ‘હારથ’, વગેરે જેવા તળપદા શબ્દો હજી પણ જાડેજા સાહેબના કાનમાં ગુંજી રહ્યા હતા અને તેમને પ્રફુલિત કરી રહ્યા હતા, મલકાતા મલકાતા ફરી જાડેજા સાહેબ એક કામમાં ધ્યાન પરોવવા માટે પોતાના ટેબલ ઉપર નજર કરી અને ટેબલ ઉપર નજર કરતાં સામે પડેલી ડાયરીમાંથી ફરીથી તેના માનસપટલ પર આનંદ ભાવનગરીના વિચારો કબજો જમાવવા લાગ્યા, ફરીથી જાડેજા સાહેબ પોતાની ગડબથલમાં સરી પડ્યા.
જાડેજા સાહેબની યોજના મુજબ આનંદ ભાવનાગરીની ઠગ ટોળીમાં સામેલ કરવા માટે હવે તેમની પાસે આઠથી દસ દિવસમાં યુવક યુવતીઓની ફોજ પણ તૈયાર થઈ જવાની હતી, જાડેજા સાહેબ માટે હવે સૌથી મૂંઝવતો પ્રશ્ન એ હતો કે આ યુવક યુવતીઓને કઈ રીતે આનંદ ભાવનગરીની ઓફિસમાં ગોઠવવા?
સવારથી આ એક જ જગ્યાએ જાડેજા સાહેબની પિન ચોંટી ગઈ હતી. પરંતુ, રસ્તો મળી રહ્યો નહોતો, સાહેબ ફરીથી વિચારના વમળોમાં અટવાયા અને મગજ કસવાનું શરૂ કર્યું, વિચારતા વિચારતા પોતાની ચેમ્બરના અર્ધ ખુલ્લા દરવાજામાંથી સાહેબની નજર બહાર બેઠેલા ગિરધારીલાલ પર પડી, ‘સિકૂરીટી’ વાળા ગિરધરલાલ કોન્સ્ટેબલ ત્રિવેદીને પોતાની ‘રાવ’ લખાવી રહ્યા હતા.
અચાનક જાડેજા સાહેબના મગજમાં જોરદાર ઝબકારો થયો અને તેણે ચિતાની ઝડપે ટેબલ પર પડેલો પોતાનો મોબાઈલ ફોન ઉઠાવી એક નંબર ડાયલ કર્યો.
“કેપ્ટન”
“બોલો રાજાજી!”
ફોન રિસીવ કરનાર વ્યક્તિએ જાડેજા સાહેબને વ્હાલથી ‘રાજાજી’ કહી સંબોધન કર્યું.
પોલીસની નોકરી તો માત્ર શોખ અને વર્દી પહેરવાના ઝનુન ખાતર કરનાર, જાડેજા સાહેબ, ખરેખર, એક સ્ટેટના વારસ હતા અને સામે છેડે હતા તેમના બાળપણના મિત્ર તેમજ 15 વર્ષ ભારતીય સેનામાં અધિકારી તરીકેની નોકરીમાંથી રિટાયર થઈ અને અમદાવાદની મોટામાં મોટી પ્રાઇવેટ સિક્યુરિટી તેમજ પ્રાઇવેટ ડિટેક્ટિવ એજન્સી ‘ગેલોપ્સ’ના સ્થાપક, વિશ્વજીતસિંહ ગોહિલ.
અમદાવાદના મોટા બિલ્ડીંગ, મોટી જાહેર સંસ્થાઓ, મોટા જાહેર સ્થળો તેમજ અમદાવાદ કે આસપાસ આવતા જતા દેશ અને વિદેશના વી.આઈ.પી.ઓ.ને કેપ્ટન તરીકે પ્રખ્યાત વિશ્વજીતસિંહ ગોહિલની સિક્યુરિટી અથવા ડિટેક્ટિવ સેવાઓની વારંવાર જરૂરિયાત પડતી હોય, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારમાં વિશ્વજીતસિંહ ગોહિલ એક્ સન્માનીય અને જાણીતું નામ હતું.
જાડેજા સાહેબ અને વિશ્વજીતસિંહ બંને નાનપણના મિત્રો હતા એટલે કોઈ પણ જાતની ફોર્માલિટી કર્યા વગર જાડેજા સાહેબ સીધા મુદ્દા પર આવી ગયા.
“વિશુભા, આપનું એક કામ પડ્યું છે, પ્રહલાદ નગરમાં ખાસ કરીને રેડિયો મિર્ચી ટાવરની આજુબાજુના મોટા મોટા બિલ્ડીંગોમાં સિક્યુરિટીની એજન્સી કોની પાસે છે?”
“બાપુ, 90 ટકા જેટલા બિલ્ડીંગો આપણી એજન્સી પાસે જ છે અને જે બાકી બચ્યા કુચીયા 10% છે, તેમાં પણ આપણા જાણીતાઓને જ આપણે ગોઠવી આપ્યા છે, બોલો, કામ શું હતું?, થઈ જશે.”
પોતાની ડાયરીમાં આનંદ ભાવનગરી વિશે ટપકાવેલી નોંધમાંથી આનંદ ભાવનગરીની ઓફિસ જે બિલ્ડિંગમાં આવેલી હતી તે બિલ્ડિંગનું નામ જાડેજા સાહેબે વિશુભા ને જણાવ્યું.
“રાજાજી! તમારું કામ થઈ ગયું. આ બિલ્ડીંગની સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ છેલ્લા 13 વર્ષથી આપણી પાસે જ છે.”
વિશુભાના જવાબથી, સવારથી મૂંઝાયેલા અને અટવાયેલા જાડેજા સાહેબના શરીરમાં ‘જીતની વીજળીનો’ કરંટ દોડી ગયો અને અનાયાસે જ ફોન પર ચાલુ વાતે જાડેજા સાહેબનો હાથ પોતાના ચહેરા પરની પોતાની ભરાવદાર મૂછોને તાવ દેવા લાગ્યો.
“કેપ્ટન, એ બિલ્ડીંગના એક ફ્લેટમાં કોઈ કંપનીની ઓફિસ ખોલી મોટે પાયે શંકાસ્પદ પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે એની પાકકી બાતમી છે, અને તેની પાછળ ઘણા દિવસોથી લાગ્યો છું. અંદર ચાલતી પ્રવૃત્તિઓનો ચોક્કસ ચીતાર મેળવવા માટે એક યોજના બનાવી છે, અને એ માટે કંપનીના ફ્લેટમાં કેટલાક યુવક યુવતીઓને નોકરીએ ગોઠવવાનું એક પ્લાનિંગ કર્યું છે. તો તેના માટે તમારા સિક્યુરિટી ગાર્ડની મદદની જરૂર પડશે.” પોતાના જીગરજાન, અતિ વિશ્વાસુ અને દેશના સેના અધિકારી રહી ચૂકેલા વિશુભા આગળ પોતાના પત્તા ખોલવામાં કે પોતાની યોજના જણાવવામાં જાડેજા સાહેબને સહેજે પણ સંશય-શંકા ન હતી. માટે તેમણે વિશુભાને ટૂંકમાં પોતાની યોજના જણાવી.
“રાજાજી! તમારી યોજનામાં એક છિંડુ દેખાઈ રહ્યું છે,” સેનાના ઉચ્ચ અધિકારી તરીકે પોતાનો અનુભવ અને ટૂંકામાં ઘણું સમજી જનાર વિશ્વજીતસિંહે પોતાના અનુભવે જાડેજા સાહેબની યોજનાની ખામી દર્શાવી.
“તમે એક સાથે આટલા યુવક યુવતીઓને કોઈપણ ભલામણથી ભરતી કરાવશો તો કામે રાખનારને સો ટકા શક જશે અને તમારી યોજના અધુરી રહી જાય એવી શક્યતાઓ મને દેખાઈ રહી છે, આપણે એક કામ કરીએ, તમારી યોજના મુજબ આપણે એ બિલ્ડિંગમાં ઘણા સમયથી સિક્યોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અમારા સિક્યુરિટી ગાર્ડની ભત્રીજી કે ભત્રીજા તરીકે કોઈ એક વ્યક્તિને ત્યાં કામે લગાડવાનો પ્રયત્ન કરીએ અને ત્યારબાદ ક્રમશઃ તે ધીમે ધીમે પોતાના અન્ય સાથીઓને ત્યાં કામે ગોઠવી શકશે.”
વિશ્વજીતસિંહ ગોહિલની દુરંદેશી અને રણનીતિ પર પહેલેથી જ જાડેજા સાહેબને માન અને ભરોસો હતો. તેઓ તુરંત સહમત થઈ ગયા અને નક્કી એવું થયું કે, એ બિલ્ડિંગમાં ઘણા સમયથી સિક્યુરિટી તરીકે નોકરી કરતા ગાર્ડને બિલ્ડિંગમાં ઓફિસ ધરાવતા કે, ફ્લેટ ધરાવતા તમામ લોકો અને તેમને ત્યાં આવતો જતો સ્ટાફ ઓળખતો જ હોય. આનંદ ભાવનગરીની ઓફિસના હાલના કર્મચારીઓ કે ખુદ આનંદ ભાવનગરીને, જાડેજા સાહેબ દ્વારા પઢાવવામાં આવેલો, ‘ગેલોપ્સ’ સિક્યુરિટી એજન્સીનો ગાર્ડ પોતાની ભત્રીજીની નોકરી માટે વિનંતી કરશે અને ગાર્ડની તે ભત્રીજી હશે, પિયુષ ચંદારાણા દ્વારા શોધાયેલી અને અજય દ્વારા પૂરી પડાયેલી ટીમની એક મેમ્બર.
શતરંજ પથરાઈ ગઈ હતી અને બંને ટીમો તરફથી જાણતા કે અજાણતા પોતપોતાના મોહરાઓને આગળ ચલાવવામાં આવી રહ્યા હતા.
એક તરફ આનંદ ભાવનાગરીએ પોતાના ફ્રોડ કોલ સેન્ટરને ફ્રોડ બી.પી.ઓ.માં ફેરવવા માટે મોટા પાયે સ્ટાફની જરૂરિયાત હોવાનું જણાવી પોતાની રખાત છાંયાને સ્ટાફની ભરતીનું કામ સોંપી દીધું હતું. છાંયાએ પણ નક્કી કરી રાખ્યું હતું કે, અલગ અલગ સ્ટાફની ભરતીના ચક્કરમાં પડવાની બદલે હ્યુમન રિસોર્સનું કામ જાણતી કોઈ એક વ્યક્તિની જ સીધી અપોઈન્ટમેન્ટ કરવી અને તેના દ્વારા બાકીની તમામ વ્યક્તિઓની અપોઈન્ટમેન્ટ થઈ જશે. અને આ તરફ જાડેજા સાહેબ તેમજ વિશુભાએ પણ પ્લાનિંગ કરી લીધું હતું કે, પહેલા એક મહિલા કર્મચારીને આનંદ ભાવનગરની ઓફિસમાં ઘુસાડવી અને પછી તેના દ્વારા બાકીના વ્યક્તિઓને પણ ગોઠવી દેવા.
તરસ્યો વ્યક્તિ અને કુવો બંને એકબીજા તરફ આગળ વધી વધુને વધુ નજીક આવી રહ્યા હતા.
“સાયબ મારો રામ તમારી ઈચ્છા પૂરી કરે” ભોળા ગીરધરલાલનો, ગિરિધર, જાડેજા સાહેબ ઉપર તાત્કાલિક મહેરબાન થઈ ગયો.
ક્રમશ: (વધુ આવતા મંગળવારે)
— કલ્પેશ દેસાઈ