New Delhi,તા.24
કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશી થરુર વિશે છેલ્લા ઘણાં સમયથી એવી અટકળો ચાલી રહી છે કે, તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે. પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર દરમિયાન કોંગ્રેસ નેતા શશી થરુરે કેન્દ્ર સરકારના જોરદાર વખાણ કર્યા હતા. હવે તેમના એક લેખે તમામ અટકળનો અંત લાવી દીધો છે. જેમાં તેમણે ભાજપમાં જોડાવવાની અટકળો ફગાવી દીધી છે.
કોંગ્રેસના સાંસદ શશી થરુરે લખ્યું કે,’આ લેખમાં મેં ભારતની વિદેશ નીતિ હેઠળ કરવામાં આવેલા આઉટરીચ અભિયાનની સફળતાનો ઉલ્લેખ કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ સાથે વાતચીત કરવામાં સક્રિયતા અને ઉર્જા દર્શાવી છે. આમાં ભાજપ કે કોંગ્રેસની વિદેશ નીતિ જેવી કોઈ વસ્તુ નથી, ફક્ત ભારતીય વિદેશ નીતિ છે.’
ભાજપમાં જોડાવવા અંગે શશી થરુરે લખ્યું કે, ’11 વર્ષ પહેલાં જ્યારે હું સંસદનો વિદેશ બાબતોની સ્થાયી સમિતિનો અધ્યક્ષ બન્યો હતો, ત્યારે મેં પણ આ જ વાત કહી હતી. એવા સંકેત નથી કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાર્ટીમાં જોડાઈ રહ્યો છું. આ રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે.’ નોંધનીય છે કે, વડાપ્રધાન કાર્યાલયએ(PMO) શશી થરુરનો આ લેખ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યો
ઉલ્લેખનીય છે, કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર વિશેની સચોટ માહિતી વિશ્વ સુધી પહોંચાડવા માટે ડેલિગેશન મિશનમાં શશી થરુરની પસંદગી થતાં કોંગ્રેસના અમુક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. કોંગ્રેસ નેતાઓએ શશી થરુરની ટીકા કરી હતી કે, વિદેશ જનારા પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસે શશી થરુરની ભલામણ ન કરી હોવા છતાં તેમની પસંદગી થઈ અને તેઓ વિશ્વમાં જઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારની વાહવાહી કરી રહ્યા છે.