Mumbai,તા.25
એર ઈન્ડિયાની અમદાવાદ દુર્ઘટનાના પગલે એક તરફ દેશના પ્રતિષ્ઠિત ટાટા ગ્રુપ માટે આ એરલાઈન્સની જે વિશ્વસનીયતા છે તે પાછી મેળવવાની ભગીરથ કામગીરી કરવાની છે અને તેમાં સતત નવા નવા વિધ્નો આવી રહ્યા છે.
તે સમયે હવે ટાટાગ્રુપના ચેરમેન એન.ચંદ્રશેખરે ખુદે એરઈન્ડિયાનો કમાન્ડ અને કંટ્રોલ સંભાળી લીધો છે અને તેઓ સરકાર સાથેના તમામ કામકાજ ઉપરાંત સલામતી બાબતો અને કર્મચારી બાબતોને જોશે.
જયારે હાલના એરઈન્ડીયાના સીઈઓ કેમ્પેબલ વિલ્સન એ લાંબાગાળાની સ્ટેટેજી સંભાળશે. આમ એન.ચંદ્રશેખરન હવે એરઈન્ડિયાનું રોજબરોજનું કામકાજ પણ જોશે. તથા તેમની ટીમમાં પણ ટુંક સમયમાં મોટા ફેરફાર આવી રહ્યા છે.
એક સમયે ટાટા ગ્રુપની જ આ કંપનીનું રાષ્ટ્રીયકરણ થયા બાદ ફરી એક વખત સરકારે ટાટા ગ્રુપને સોંપી દીધી છે. પરંતુ અમદાવાદ દુર્ઘટનાએ એરઈન્ડિયામાં સફરની સલામતી અને અન્ય પ્રશ્નો ઉભા થયા છે જેના કારણે આ એરલાઈન્સના બુકીંગમાં મોટો ઘટાડો થયો છે અને હજુ અમદાવાદ દુર્ઘટના શા માટે અને કયા કારણોથી બની તેનો રિપોર્ટ પણ આવવાનો બાકી છે.
જેમાં ટાટા ગ્રુપને ઘણા જવાબો આપવા પડે તેવી સ્થિતિ છે તે વચ્ચે હવે ખુદ શ્રી એન.ચંદ્રશેખરન પુરી રીતે એરઈન્ડીયાને જોશે. કંપનીના સૂત્રોએ કહ્યું કે હવે એરઈન્ડિયા અમારી સૌથી ટોચની પ્રાથમીકતા છે અને તેમાં એન.ચંદ્રશેખર જ શ્રેષ્ઠ વ્યક્તિ છે.
અગાઉ ટાટા ગ્રુપની સોફટવેર કંપની ટીસીએસને વિશ્વકક્ષાએ લઈ જવાની કામગીરી પણ એન.ચંદ્રશેખરે જ જોઈ હતી અને રતન ટાટા એ પણ પોતે અસક્ષમ બનતા એન.ચંદ્રશેખરને ગ્રુપ સંચાલનની જવાબદારી સોંપી હતી.