Surat,તા.25
ગુજરાત પર મેઘરાજાનો મુકામ હોય તેમ મજબુત સિસ્ટમના પ્રભાવ હેઠળ રાજયનાં અર્ધોઅર્ધ ભાગોમાં વરસાદ નોંધાયો હતો. ખાસ કરીને દક્ષિણ ગુજરાત ધમરોળાયું રહ્યું હતું. રાજયના 142 તાલુકામાં પાણી વરસ્યુ હતું.
સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના રીપોર્ટ પ્રમાણે આજે સવારે 10 વાગ્યે પુરા થતાં ચોવીસ કલાકમાં રાજયના 142 તાલુકામાં વરસાદ પડયો હતો. અનરાધાર મેઘવર્ષાથી સુરતને કોઈ રાહત ન હોય તેમ શહેરોમાં વધુ ત્રણ ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં ફરી જળબંબાકાર બન્યા હતા અને લોકોને નવેસરથી મુસીબત સહન કરવાનો વખત આવ્યો હતો. સુરતમાં સીઝનનો 42 ટકા વરસાદ બે દિવસમાં જ વરસી ગયો છે. આ દરમ્યાન 17 ઈંચથી વધુ પાણી વરસી ગયુ છે.
મેઘરાજા દક્ષિણ ગુજરાતને ધમરોળતા રહ્યાનું ચિત્ર હતું.કારણ કે સૌથી વધુ વરસાદ આ ક્ષેત્રમાં જ વરસ્યો હતો. નર્મદા જીલ્લાના નાંદોડમાં 8.66 ઈંચ વરસ્યો હતો. જળબંબાકારની હાલત સર્જાઈ હતી. દાહોદમાં સાડા સાત ઈંચ તથા નર્મદાનાં તિલકવાડામાં સવા સાત ઈંચ વરસાદ હતો.
છોટા ઉદેપુરના જેતપુર પાવીમાં સાત ઈંચ, પંચમહાલનાં શેહરામાં 6.91 ઈંચ, વલસાડનાં ધરમપુરમાં પોણા સાત ઈંચ, વરસાદ થયો હતો. વાપીમાં સવા છ ઈંચ, બારડોલી-વિરપુરમાં 6-6 ઈંચ મોડાસા મોરવાહક તથા પારડીમાં સાડા પાંચ ઈંચ વરસાદ હતો.
દક્ષિણ ગુજરાતનાં સુરત, નર્મદા, વલસાડ, ભરૂચ, તાપી ઉપરાંત ઉતર ગુજરાતનાં પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર, છોટા ઉદેપુર સાબરકાંઠા સહીતનાં જીલ્લાઓનાં મોટાભાગનાં તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ-આણંદ જેવા મધ્ય ગુજરાતનાં છુટાછવાયા ઝાપટા વરસ્યા હતા. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ભાવનગર, જુનાગઢ, બોટાદ પંથકમાં પણ સામાન્ય ઝાપટા હતા હવામાન વાદળીયુ હોવા છતાં કયાંય નોંધપાત્ર વરસાદ ન હતો.
ભારે વરસાદ વચ્ચે બોડેલી શહેર તેમજ આસપાસના વિસ્તારમાં સતત પડી રહેલા ભારે વરસાદના પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. બોડેલીનું ગરનાળું પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. આ સિવાય નીચાણવાળા વિસ્તારોમાં આવેલી સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા જેના પગલે લોકોની ઘરવખરીને વ્યાપક નુકસાન થયું છે.
નસવાડી તાલુકામાં સતત ભારે વરસાદના કારણે નદી-નાળા ઓવરફ્લો થઈ ગયા છે અને અનેક ગામોમાં પાણી ભરાવાની ગંભીર સ્થિતિ ઊભી થઈ છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં ગામડાઓને જોડતા આંતરિક રસ્તાઓ છે, જ્યાં પાણી ફરી વળતાં વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગયો છે.
દરમ્યાન હવામાન વિભાગે રાજ્યના 10 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની પડવાની આગાહી કરી છે. દાહોદ, મહિસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે.
સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટા અને દીવમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાવમાં આવી છે. આ વિસ્તારોમાં 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે.