આપણામાંના મોટાભાગનાં લોકોને ખાલી પેટે ચા પીવાની ટેવ હોય છે. ઘણાં લોકો સવારની શરૂઆત ચાથી કરતાં હોય છે, પરંતુ હંમેશાં એવું કહેવામાં આવે છે કે ખાલી પેટ ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેમ છતાં લોકો તેને ટાળતાં નથી.
જોકે, કેટલાક લોકોને તેનાથી થતાં ગેરફાયદા વિશે પણ ખબર હોતી નથી. જો તમે પણ ખાલી પેટે ચા પીવા ટેવાયેલા છો, તો આજથી જ આ આદત છોડી દો.
ખાલી પેટે ચા પીવાના ગેરફાયદા
1. એસિડિટી અને ગેસની સમસ્યા : ખાલી પેટ ચા પીવાથી પેટમાં એસિડ લેવલ વધે છે, જેનાથી એસિડિટી અને ગેસની સમસ્યા થઇ શકે છે. ચામાં હાજર કેફીન પેટની એસિડિટી વધારે છે અને ગેસ્ટ્રિક બળતરાનું કારણ બને છે.
2. પાચનતંત્ર પર ખરાબ અસર : ચામાં ટેનિન નામનું તત્વ હોય છે, જે ખાલી પેટે પાચનતંત્રને નુકસાન પહોંચાડે છે. આ તત્વ પેટની દિવાલોને નુકસાન પહોંચાડીને પાચનને પ્રતિબંધિત કરે છે.
3.શુગરનાં સ્તરનું અસંતુલન : ખાલી પેટે ચા પીવાથી બ્લડ શુગરનું સ્તર અચાનક વધી કે ઘટી જાય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે.
4. હોર્મોનલ અસંતુલન : કેફીન હોર્મોનલ સંતુલનને ખલેલ પહોંચાડી શકે છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા જોવા મળે છે. ખાલી પેટે ચા પીવાથી માસિક ધર્મની સમસ્યા અને થાઇરોઇડનો ખતરો વધી શકે છે.
5. ડિહાઇડ્રેશન: નિર્જલીકરણ : ચામાં મૂત્રવર્ધક ગુણ હોય છે, જે શરીરમાંથી પાણીની માત્રાને ઓછી કરી શકે છે. જો સવારે ખાલી પેટે ચા પીવામાં આવે તો તેનાથી ડિહાઇડ્રેશન થઇ શકે છે.
6. મોંની દુર્ગંધ અને દાંતની સમસ્યાઓ : ખાલી પેટે ચા પીવાથી મોઢામાં એસિડ વધી જાય છે, જેનાં કારણે મોઢાંમાથી દુર્ગંધ અને દાંત પર પ્લાક બને છે. તેનાથી દાંતમાં સડો અને પેઢાની સમસ્યા પણ થઈ શકે છે.
7. ઊંઘ અને માનસિક સ્વાસ્થ્ય પર અસર : ખાલી પેટે ચા પીવાથી શરીરમાં કેફીનનું પ્રમાણ વધી જાય છે, જેનાં કારણે અનિદ્રા, બેચેની અને માનસિક તણાવ થઈ શકે છે. તેથી આજથી જ ખાલી પેટ ચા પીવાનું ટાળો.